અમદાવાદ, તા.13
ગુજરાતની જુદીજુદી યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઓનલાઈન હાજરી અને ખાલી પડેલી અધ્યાપકોની બેઠકો કેવી રીતે ભરવી તેના મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણમંત્રી અને કોલેજ સંચાલકો-પ્રિન્સિપાલ વચ્ચે આ મુદ્દે ચર્ચાવિચારણા કરવા માટે અત્યાર સુધીમાં ત્રણ બેઠકો મળી ચૂકી છે. તાજેતરમાં મળેલી છેલ્લી સંયુક્ત બેઠકમાં સંચાલકો અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ઓનલાઇન હાજરીના મુદ્દે ભારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉચ્ચ અધિકારીએ ચાલુ બેઠકમાં સળંગ ચાર વખત સંચાલકોને ચોર કહ્યા હતા. ઉશ્કેરાયેલા સંચાલકોએ આ અધિકારીને સણસણતો જવાબ આપતાં કહ્યું હતું કે, મેડમ, તમારાં અંગત સગાંનો ધંધો ચાલે તે માટે ઓનલાઇન હાજરીની પ્રથા શરૂ કરવામાં આવી છે તેવી વાતો બજારમાં ચર્ચાઈ રહી છે. આટલું બોલતાની સાથે જ અધિકારી બેઠક છોડીને ચાલતાં થઈ ગયાં હતાં. છેવટે બેઠક આ જ સ્ટેજે પૂરી કરી દેવી પડી હતી. સંચાલકોએ પહેલી વખત ખૂલીને ઉચ્ચ અધિકારી સામે આવાજ ઉઠાવતાં હવે આગામી દિવસોમાં બંને પક્ષે આરપારની લડાઈ કરવી પડે તે નક્કી છે.
આ સંયુક્ત બેઠકમાં કોણ-કોણ હાજર રહ્યું હતું
રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની દરેક યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોના સંચાલકોને ઓનલાઇન હાજરીમાં સહકાર આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. સુરત અને ભાવનગર યુનિવર્સિટીની કોલેજોના સંચાલકોએ વિરોધ શરૂ કરતાં સેનેટ અને સિન્ડિકેટ સભ્યોને મેદાનમાં ઉતારીને સંચાલકોને યેનકેન પ્રકારેણ સમજાવવા દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજના પ્રોફેસર્સ, સંચાલકો અને વહીવટી કર્મચારીઓ કોઈ રીતે આ બાબતે સહકાર આપતા નથી અને સહમત પણ થતા નથી. જેના લીધે સરકાર-ઉચ્ચ શિક્ષણ વિભાગે અત્યાર સુધીમાં બે બેઠકો સંચાલકો સાથે કરી હતી. થોડા સમય પહેલાં ત્રીજી બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં ખુદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરી દવે પણ હાજર રહ્યાં હતાં. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીની કોલેજના સંચાલકો, પ્રોફેસર્સ, વહીવટી કર્મચારીઓના હોદ્દેદારો મોટી સંખ્યામાં પણ હાજર હતા.
બેઠકમાં ખરેખર શું થયું હતું? સંચાલકો શુ કહે છે?
શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઓનલાઇન હાજરી શા માટે જરૂરી છે તેનાં કારણો રજૂ કર્યાં હતાં. મુખ્યમંત્રીના ટેબલ પર કઈ કોલેજના પ્રોફેસર, વહીવટી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર છે અને નથી તેનો અહેવાલ દરરોજ મૂકવા માટે આ પ્રથા લાગુ કરવામાં આવી હોવાનો ખુલાસો પણ અધિકારીઓએ કર્યો હતો. જેની સામે સંચાલકોએ મુખ્યમંત્રીને એક્સ, વાય કે ઝેડ કોલેજમાં કોઈ એક પ્રોફેસર કે પટાવાળા ન આવે તો શું ફરક પડે તેની દલીલો કરી હતી. આ સિવાય બેઠકમાં કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યાઓ કઈ પદ્ધતિથી ભરવી તે મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી. જેમાં સંચાલકોએ જૂની યુજીસીની 80-20ની ફોર્મ્યુલા કે જેમાં 80 ટકા મેરિટના અને 20 ટકા પર્સનલ ઇન્ટરવ્યૂના આપીને ઉમેદવારોની પસંદગી થતી હતી તે લાગુ કરવા આગ્રહ રાખ્યો હતો. જેની સામે દલીલો કરતાં ઉચ્ચ અધિકારીએ શિક્ષણમંત્રીની હાજરીમાં સળંગ ચાર વખત જુદા જુદા સમયે સંચાલકો ચોર છે, સંચાલકો ગેરરીતિ કરવા માગે છે તેવી વાતો જાહેર કરી હતી. જાહેર બેઠકમાં આ પ્રકારના અધિકારી દ્વારા થતા આક્ષેપથી કેટલાક સંચાલકો-પ્રોફેસર્સ સમસમી ગયા હતા. કેટલાક સંચાલકોએ ઊભા થઈને આક્રોશમાં એવી રજૂઆત કરી કે, મેડમ તમે ચાલુ બેઠકમાં ચાર વખત સંચાલકોને ચોર, ગેરરીતિ કરનારા કહ્યા છે. શિક્ષણમંત્રીઓ હાજર છે ત્યારે આ પ્રકારનું વર્તન યોગ્ય નથી. અમને પણ મીડિયાના મિત્રો એવી માહિતી આપે છે કે, અધિકારીનાં અંગત સગાંને ઓનલાઈન હાજરી માટેના સોફ્ટવેર સહિતનો કરોડોનો કોન્ટ્રાક્ટ આપવાનો હોવાથી અધિકારી ઓનલાઇન હાજરીનો હઠાગ્રહ રાખે છે, છતાં અમે ક્યારેય ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારી કે વિભાગ કરોડોનું કૌભાંડ કરે છે તેવું જાહેરમાં કહેતા નથી. આટલું કહેતાની સાથે જ અધિકારી ચાલુ બેઠકમાં ઊભા થઈ ચાલતાં થઈ ગયા હતા.
હવે પછીની સ્થિતિમાં શિક્ષણવિભાગમાં શું હશે?
સંચાલકો કહે છે કે, ઉચ્ચ અધિકારી કોઈપણ પ્રકારના પુરાવા વગર શિક્ષણમંત્રીની હાજરીમાં સંચાલકો ચોર છે તેવું કહે, અને અમે સંચાલકોએ એક વખત બજારમાં થતી ચર્ચાની વાત કરી તો અધિકારી બેઠક છોડીને ચાલ્યા ગયાં હતાં. આ વાત સાબિત કરે છે કે પગ નીચે રેલો આવે ત્યારે ખબર પડે. શિક્ષણમંત્રીએ આ વાત જાહેર ન કરવા સંચાલકોને વિનંતી કરી હતી. પણ અધિકારીના આ પ્રકારના વર્તન સામે કશું બોલ્યા નથી. જેના લીધે હવે ભવિષ્યમાં ઓનલાઇન હાજરી કે સરકારી નિયમ પ્રમાણે અધ્યાપકોની ભરતી કરવાનો આગ્રહ રાખવામાં આવશે તો સમગ્ર મામલાને કોર્ટમાં પડકારવાનું નક્કી કરાયું છે. અત્યાર સુધી સમાધાનકારી વલણ અપનાવાતું હતું પણ અધિકારી કોઈ વાત સમજવા તૈયાર ન હોવાથી હવે કાનૂનીરાહે સરકારને લડત અપાશે તે નક્કી છે.