અમદાવાદ,તા.10
શહેરના વટવા વિસ્તારમાં આવેલી શાળાનો ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લેશન ન લાવતા શિક્ષિકાએ તેને સ્ટીલની ફૂટપટ્ટીથી માર માર્યો હતો. જેથી વિદ્યાર્થીને શરીર ઉપર સોળ ઉઠી જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વટવા વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો આઠ વર્ષનો વિદ્યાર્થી શાળામાંથી આપેલુ લેશન કર્યા વિના ગયો હતો. જેથી શાળાની શિક્ષિકાએ સ્ટીલની ફૂટપટ્ટી માર માર્યો હતો. શિક્ષિકાએ ફૂટપટ્ટીથી માર મારવાના કારણે વિદ્યાર્થીના શરીર ઉપર અનેક જગ્યાએ સોળ ઉપસી ગયા હતા.
વિદ્યાર્થી શાળાએથી ઘરે આવ્યા બાદ તેના શરીર પરના ઉપસી આવેલા સોળને માતાએ જોતાં તે ચોંકી ઉઠી હતી અને તેના પુત્રને આ અંગે પૂછપરછ કરતાં તેને સમગ્ર હકીકત માતાને જણાવી હતી. જેથી તેની માતા તેને સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ અંગે વટવા પોલીસ મથકના પીઆઈ એચ.વી. સીસારાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, એક શાળામાં આવી ઘટના બની હતી પરંતુ શાળાના સંચાલકો અને વાલી વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી અમારી સુધી ફરિયાદ પહોંચી નથી.