શિયાળુ પાકોમાં પોષણ વ્યવસ્થા  ઇસબગુલ, ઘંઉ, ચણા, જીરૂ, ડુંગળી, નવી પધ્ધતી

હાલની આધુનિક ખેતી પદ્ધતિમાં ટૂંકાગાળામાં વધુ ઉત્પાદન આપતી પાકોની જાતો તેમજ ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ દ્વારા એકમ વિસ્તારમાં વર્ષમાં એક કરતાં વધારે વખત પાકોનું વાવેતર કરવામાં આવે છે. માટે પાક દ્વારા જમીનમાંથી વિપુલ જથ્થામાં પોષક તત્વોનું અવશોષણ થાય છે. આથી પાક દ્વારા ઉપાડ થયેલ જથ્થા મુજબ જે તે પોષકતત્વો જમીનમાં ઉમેરવા અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે આ પોષકતત્વો છાણિયા ખાતર અથવા અન્ય સેન્દ્રિય સ્ત્રોતો કે રાસાયણિક ખાતરો દ્વારા ઉમેરવા જોઇએ. પાક ઉત્પાદનમાં પાણી પછી પોષણ વ્યવસ્થા (nutrition management) ચાવીરૂપ ભાગ ભજવે છે અને જેનો ફાળો અંદાજે ૪૧ ટકા જેટલો છે. આથી શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરૂ વિ. પાકોનું મહત્તમ ઉત્પાદન અને અધિકત્તમ નફો મેળવી શકાય અને સાથે સાથે જમીનની ઉત્પાદક્તા પણ જાળવી શકાય.

ચણા
આ પાકમાં હેક્ટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ર૦ કિલો નાઇટ્રોજન અને ૪૦ કિલો ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું. જસતની ઉણપવાળી જમીનમાં રપ કિલો ઝીંક સલેફટ પ્રતિ હેકટરે ઉમેરવાથી ઉત્પાદનમાં ફાયદો થાય છે.

જુનાગઢ, આણંદ, દાહોદ અને અરણેજ (ભાલ) ખાતે લેવામાં આવેલ સંશોધનના પરિણામો પરથી માલૂમ પડે છે કે ચણાના પાકમાં હેક્ટરે પ. ટન છાણિયું ખાતર, રપ કિલો નાઇટ્રોજન અને રપ કિલો ફોસ્ફરસની સાથે બીજને ર૦૦ ગ્રામ રાઇઝોબીયમ કલ્યર / ૮ કિલો બિયારણને પટ આપીને વાવેતરના ઉપયોગમાં લેવાથી વધુ ઉત્પાદન અને મહત્તમ ફાયદો થાય છે.

ભાલ વિસ્તારમાં બિન પિયત ચણામાં ર૦ કિલો નાઇટ્રોજન વાવણી વખતે આપવું. આ વિસ્તારમાં વરસાદના સંગ્રહિત પાણીથી એક પિયત આપવાની સગવડતા હોય તો ૪૦ કિલો નાઇટ્રોજન વાવણી વખતે આપવાની ભલામણ છે.

ઘઉં
આ પાક માટે પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે ૧૦ થી ૧૫ ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે હેક્ટરે ૬૦ કિલો નાઇટ્રોજન અને ૬૦ કિલો ફોસ્ફરસ આપવા. વાવણી પછી એકવીસ દિવસે પાણી આપ્યા બાદ ૬૦ કિલો નાઇટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવું. જમીનમાં પોટાશ અને સૂક્ષ્મ તત્વોની ઉણપ જણાય તો જમીન ચકાસણીના અહેવાલ મુજબ ખાતર આપવા. જૂનાગઢ ખાતે થયેલા સંશોધનના પરિણામોના આધારે તારણ કાઢેલ છે કે મધ્યમ કાળી ચુનાવાળી અને મધ્યમ પોટાશ ધરાવતી જમીનમાં મગફળી (ખરીફ) – ઘઉં (રવિ.) પાક પદ્ધતિમાં ઘઉના પાકને હેકટરે ૩૦ કિલો પોટાશ (૧૫ કિલો પાયાના ખાતર તરીકે અને ૧૫ કિલો ૩૦ દિવસે) આપવાથી આશરે ર૦ ટકા વધુ ઉત્પાદન મળે છે. તેમજ પછીની સીઝનમાં મગફળીના પાક ઉત્પાદનમાં પણ ફાયદો નોંધાયેલ છે.

જમીનમાં લોહ અને જસતનું પ્રમાણ ખામીયુક્ત અથવા મધ્યમ હોય તો ૧૫ કિલો ફેરસ સલેટ અને ૮ કિલો ઝીંક સલેફટ પાયાના ખાતર તરીકે વાવણી વખતે દર વર્ષ જમીનમાં આપવું અથવા મલ્ટીમાઇક્રોન્ટીઅન્ટ ગ્રેડ- ૩નો ૧ ટકા મુજબ ૩૦, ૪૦ અને ૪૫ દિવસે છંટકાવ કરવો. સરદાર કૃષિનગર ખાતે લેવામાં આવેલ અખતરાના પરિણામો પરથી જણાયેલ છે કે એઝેટોબેક્ટર અને ફોસ્ફોબેકટેરીયમ ક્લચરના ૧પ પેકેટ ઘઉના (૧ર૦ કિલો) બીજને પટ આપીને વાવેતર કરવાથી રપ ટકા નાઇટ્રોજન અને પ૦ ટકા ફોસ્ફરસયુક્ત ખાતરની બચત કરી શકાય.

સંકલિત પોષણ વ્યવસ્થા અન્વયે રાસાયણિક ખાતરના બચાવ સબબ પ૦ ટકા નાઇટ્રોજન છાણિયા ખાતર અને એરંડીના ખોળ દ્વારા આપવો જોઇએ. સૂકા અઝોલા (૪% નાઇટ્રોજન) પાયાના ખાતર તરીકે આપવાથી પ૦ ટકા નાઇટ્રોજનની બચત કરી શકાય છે. જે ખોળ કરતાં પણ સસ્તો પડે છે.

નાઇટ્રોજનયુક્ત ખાતરની કાર્યક્ષમતા વધારવા માટે નીમ કોટેડ યુરીયા વાપરવું. યુરિયાને લીંબોળીના ખોળ અથવા માટી (પ : ૧) સાથે મિશ્રણ કરીને આપવું અથવા લીંબોળીના તેલનો પટ આપવાથી પણ યુરિયાની કાર્યક્ષમતા વધારી શકાય છે. બિન પિયત ઘઉના વાવેતર વિસ્તારમાં હેકટરે ર૦ કિલો નાઇટ્રોજન વાવણી સમયે જમીનમાં ઓરીને આપવું. ક્ષારીય તથા ભામિક જમીનમાં જમીનની નિતારશક્તિ વધારવા માટે દર વર્ષે ચોમાસામાં હેકટરે એક ટન જીપસમ ઉમેરવું જોઇએ.

લસણ
પાક માટે જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે ૧ર થી ૧૫ ટન છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે હેક્ટરે રપ કિલો નાઇટ્રોજન, પ૦ કિલો ફોસ્ફરસ અને પ૦ કિલો પોટાશ પાયાના ખાતર તરીકે આપવું. ફોસ્ફરસ ડી.એ.પી. કે એન.પી.કે. ને બદલે સુપરફોસેટના રૂપમાં તેમજ પોટાશ તત્વ સલેટ ઓફ પોટાશના રૂપમાં આપવાથી લસણના પાકની ગુણવત્તા અને સંગ્રહશક્તિ વધતી હોવાનું સંશોધનના તારણોથી માલુમ પડેલ છે. બાકી રહેતો નાઇટ્રોજનનો અડધો જથ્થો એટલે કે હેક્ટરે રપ. કિલો પૂર્તિ ખાતર તરીકે વાવણી બાદ ૩૦ દિવસે આપવો જોઇએ.

ડુંગળી
આ ટૂંકાગાળામાં જમીનમાંથી વધુ જથ્થામાં ઉપજ આપતો કંદમૂળનો પાક છે. કંદના સારા વિકાસ માટે જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે ૩૦ થી ૩ર ટન છાણિયું ખાતર તેમજ ૬૦ કિલો ફોસ્ફરસ અને પ૦ કિલો પોટાશ જમીનમાં ભેળવી પાકની રોપણી કરવી જોઇએ. રોપણી બાદ ર૦ થી રપ દિવસે ૪૦ કિલો નાઇટ્રોજન તથા બીજો હતો. ૪૦ થી ૪૫ દિવસે ૩૫ કિલો નાઇટ્રોજન પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ કરવામાં આવેલ છે.

સેન્દ્રીય ખેતીથી ડુંગળીનો પાક ઉગાડવામાં રસ ધરાવતા ખેડૂતભાઇઓને સફેદ ડુંગળીના પાકમાં હેક્ટરે ૯ ટન મરઘા-બતકાનું ખાતર અથવા પ ટન એરંડીનો ખોળ અથવા ૪૫ ટન છાણિયું ખાતર રોપણી કરતાં પહેલાં જમીનમાં સારી રીતે ભેળવી દેવાથી સારી ગુણવત્તા અને વધુ ઉપજ મળવાનું આણંદ ખાતેના સંશોધનના પરિણામો પરથી માલુમ પડેલ છે.

જીરૂ/ઇસબગુલ
આ પાકમાં હેક્ટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે પાયાના ખાતર તરીકે ૧૫ કિલો નાઇટ્રોજન અને ૧૫ કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવું અને પૂર્તિ ખાતર તરીકે ૧૫ કિલો નાઇટ્રોજન પ્રતિ હેકટર વાવણી પછી ૩૫ થી ૪૦ દિવસે આપવું. સંકલિત પોષણ વ્યવસ્થા અન્વયે ભલામણ કરેલ ૩૦ કિલો નાઇટ્રોજન અને ૧૫ કિલો ફોસ્ફરસ પૈકીનો ૧૫ કિલો નાઇટ્રોજન અને ૭.૫ કિલો ફોસ્ફરસ રાયડાના ખોળ અને બાકીનો જથ્થો એટલે કે ૧૫ કિલો નાઇટ્રોજન અને ૭.૫ કિલો ફોસ્ફરસ રાસાયણિક ખાતર દ્વારા આપવાની ભલામણ કરવામાં આવેલ છે.

રાઈ/રાયડો
રાઇના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણીયું ખાતર જમીનની તૈયારી કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. પિયત પાક માટે હેક્ટરે રપ કિલો નાઇટ્રોજન અને પ૦ કિલો ફોસ્ફરસ વાવણી સમયે પાયાના ખાતર તરીકે જમીનમાં ઓરીને આપવું તથા રપ કિલો નાઇટ્રોજન વાવણી પછી અથવા બીજા પિયત પછી પૂર્તિ ખાતર તરીકે આપવું. બિન પિયત રાઇના પાકમાં રપ કિલો નાઇટ્રોજન અને રપ કિલો ફોસ્ફરસ વાવણી સમયે આપવું. જમીન ચકાસણીના અહેવાલ મુજબ ગંધકની ઉણપ જણાય તો ભલામણ કરેલ ફોસ્ફરસ તત્વ ડી.એ.પી.ના બદલે સુપર ફોસ્ટેટ દ્વારા આપવું અથવા હેક્ટરે રપ૦ કિલો જીપસમ વાવણી સમયે ચાસમાં આપવું. દક્ષિણ સૌરાષ્ટ્રની ઓછા અથવા મધ્યમ પોટાશ ધરાવતી જમીનમાં હેક્ટરે ૩પ કિલો પોટાશ આપવો. ખેડૂત ભાઇઓને ખાસ જણાવવાનું કે દરેક પાકનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે સમતોલ પ્રમાણમાં અને સંકલિત રીતે પોષણ પુરૂં આપવું જોઇએ. જમીનમાં જે તે તત્વનાં પ્રમાણની જાણકારી માટે જમીન ચકાસણી કરાવવી ખૂબ જ અગત્યની બાબત છે.