શી જિનપિંગના આગમનથી વિદેશી પ્રવાસીઓનો વધારો

વર્ષ 2019ના અંતિમ બે મહિનામાં વર્ષ 2018ના અંતિમ બે મહિનાની સરખામણીએ ભારતમાં વિદેશથી વધારે પર્યટક આવ્યા છે.

તમિલનાડુના ચેન્નઇ શહેર નજીક મહાબલીપુરમના મમલ્લાપુરમ ખાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવ્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં 35 ટકાનો વધારો છે. તેમ કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય પ્રધાન  પ્રહલાદ પટેલે અખબારી નિવેદનમાં જણાવ્યું હતું.

જોકે અમદાવાદમાં શી જિનપિંગ આવ્યા ત્યાર પછી વિદેશી પ્રાવસીઓમાં વધારો થયો હતો કે કેમ તે અંગે પર્યટન મંત્રાલય દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.

નવેમ્બર 2018ના 10,12,569ની સંખ્યાની તુલનામાં, નવેમ્બર 2019માં ભારતમાં 10,91,946 વિદેશી પર્યટકો આવ્યા હતા અને તેમાં 7.8 %નો વધારો જોવા મળ્યો હતો, તેવી જ  રીતે ડિસેમ્બર 2018ના 11,91,498 આંકની સરખામણીમાં ડિસેમ્બર 2019માં 12,25,672 વિદેશી પર્યટકોએ ભારતની મુલાકાત લીધી હતી.

નવેમ્બર અને ડિસેમ્બર 2019માં વર્ષ 2018ના તે મહિનાઓની તુલનામાં વિદેશી હુંડિયામણની આવકમાં વધારો થયો હતો. નવેમ્બર 2018માં 16,584 કરોડ રૂપિયાની આવક થઇ હતી જ્યારે 2019માં તે આંકડો 19,831 કરોડ રૂપિયા હતો. તેવી જ રીતે ડિસેમ્બર 2018માં વિદેશી હુંડિયામણની આવક 19474 કરોડ રૂપિયા હતી જે ડિસેમ્બર 2019માં વધીને 22,617 કરોડ રૂપિયા થઇ ગઇ હતી.

જમ્મુ- કાશ્મીરમાંથી સરકાર દ્વારા કલમ 370ને દૂર કરવામાં આવી તેના એક મહિના બાદ સપ્ટેમ્બર 2019માં, વર્ષ 2018માં તે સમયગાળાની સરખામણીમાં  FTAમાં 4.3 ટકાનો વધારો જોવા મળ્યો હતો.. તેવી જ રીતે, તે સમયગાળામાં ફોરેક્સમાં પણ 11 ટકાનો વધારો નોંધાયો હતો.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરવી, રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને તાજેતરમાં જ પસાર થયેલા નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને કારણે સર્જાયેલા ખટરાગ છતાં 2019માં ભારતમાં પર્યટકોના આગમનમાં વધારો થયો છે.