શેરબજારની આંટીઘૂંટીને ન સમજતા રોકાણકારો માટે બજાર વધશે કે ઘટશે તેની અનિશ્ચિતતાવાળા બજારમાં ઉત્તમ વિકલ્પ મ્યુચ્યુઅલ ફંડ સારો વિકલ્પ

અમદાવાદ,તા.22
શેરબજારમાં રોકાણ કરવું એ બે ધારી તલવાર જેવું છે. કાશીનું કરવત જતાં વેતરે અને આવતાય વેતરે તેવો ઘાટ ઓછા કુશળ ઇન્વેસ્ટર્સ માટે થવાની સંભાવના રહેલી છે. બજાર હવે ફંડામેન્ટલ પર ઓછું અને મની પાવર પર વધુ ચાલે છે. આ સ્થિતિમાં બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં જરા સરખી ભૂલ તમારી મૂડી ઓછી કરી શકે છે. આ સંજોગોમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એક સરળ અને સારો વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડના પરફોર્મન્સમાં પણ મોટો ચઢાવ ઉતાર જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં તેની પસંદગી પણ સમજી વિચારીને કરવી પડે તેવી સ્થિતિ છે. લાંબા ગાળે તમારી અપેક્ષા શી છે તેને આધારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અત્યારની માર્કેટ કન્ડિશનમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ રેગ્યુલર સેવિંગ ફંડ એક સારો વિકલ્પ હોવાનું જણાય છે. ટાટા ઇક્વિટી પીઈ ફંડ  રેગ્યુલર ગ્રોથ પણ તેવો જ એક વિકલ્પ છે. ટાટા ઇક્વિટીની નેટ એસેટ વેલ્યુ રૂપિયા 130ની આસપાસની છે. તેમાં રોકાણ કરનારાઓને વાર્ષિક 8થી 8.25 ટકાનું વળતર છૂટે છે. ત્રણથી સાડા ત્રણ વર્ષ સુધી આ ઇન્વેસ્ટમેન્ટને પકડી રાખનારાઓને સારુ વળતર મળી શકે છે.

શેરબજારમાં નવું નવું રોકાણ કરતાં થયેલા ઇન્વેસ્ટર્સ માટે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન સારામાં સારુ રોકાણ ગણી શકાય છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો પોર્ટફોલિયો તૈયાર કરવો પણ સ્ટોકના પોર્ટફોલિયોની માફક ઘણો જ અઘરો છે. તેમાંય બધાં જ ઇન્વેસ્ટમેન્ટમાંથી સારુ વળતર મળતું રહે તેવી ગણતરી સાથે પોર્ટફોલિયો તૈયાર કરવો બહુ જ અઘરો છે. તેમાં તમારી આર્થિક જરૂરિયાત પ્રમાણે કોમ્બિનેશન્સ કરવામાં આવે છે. તે માટે લાંબા ગાળાથી સતત સારુ પરફોર્મન્સ આપતા એસ.આઈ.પી.ની એક યાદી તૈયાર કરી શકાય છે. તેમાંથી પણ ચારથી પાંચ ચુનંદા પ્લાન પસંદ કરીને તેમાં રોકાણ કરી શકાય છે. ચારથી પાંચ ચુનંદા પ્લાન પસંદ કરતાં પહેલા પણ તેના આગળ પાછળના સમયગાળાના પરફોર્મન્સનો ક્યાસ કાઢી લેવો જરૂરી છે. પૈસા ઇન્વે્સટ કરવાનું ચાલુ કર્યા પછી ભેરવાઈ ગયાની લાગણી ન જન્મવી જોઈએ.

દરેક વ્યક્તિ તેના પગારની આવકના પ્રમાણમાં બચત અને રોકાણનું આયોજન કરે છે. માસિક રૂા. 25000થી 30000 આવક ધરાવનારાઓ મહિને 2500થી 3000 કે બહુ બહુ તો રૂા. 5000નું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આયોજન કરી શકે છે. તેઓ એક્સિસ બ્લુ ચિપ ફંડ-જીમાં કે પછી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ રેગ્યુલર સેવિંગ ફંડમાં રોકાણ કરી શકે છે. આ બે ફંડમાં 50-50, 40-60 કે 60-40ના પ્રમાણમાં રોકાણ કરવાનું આયોજન કરી શકે છે.

તેવી જ રીતે માસિક રૂા.60000 સુધીની આવક ધરાવનારાઓ અને રૂા.10,000 કે તેનાથી વધુનું રોકાણ કરી શકનારા રોકાણકારો એક્સિસ બ્લુચિપ ફંડમાં 35 ટકા, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ બ્લુચિપ ફંડમાં 25 ટકા અને યુટીઆઈ રેગ્યુલર સેવિંગ ફંડમાં તેમાથી 40 ટકા નાણાંનું રોકાણ કરી શકે છે. માસિક રૂા.10,000થી વધુ અને 25000 સુધીનું રોકાણ કરવાની ક્ષમતા ધરાવનારા રોકાણકારો યુટીઆઈ રેગ્યુલર સેવિંગ ફંડમાં 45 ટકા, એક્સિસ બ્લુચિપ ફંડમાં 30 ટકા, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ બ્લુચિપ ફંડમાં 15 ટકા તથા મોતીલાલ ઓસવાલ મલ્ટી કેપ 35 ફંડમાં 10 ટકા રોકામ કરી શકે છે. બહુ જોખમ લીધા વિના વ્યાજની આવકથી વધુ આવક કરાવતા ફંડોમાં રોકાણ કરવાની માનસિકતા ધરાવનારા રોકાણકારો માટે આ ફંડોમાં ઇન્વેસ્ટ કરવું સારુ ગણાય છે. તેનાથી વધુ જોખમ લેવાની માનસિકતા ધરાવનારા રોકાણકારો માટે અન્ય એસઆઈપી પણ પસંદ કરી શકાય છે. તેમ જ અતિશય આક્રમકતા સાથે એસઆઈપીમાં ઇન્વેસમેન્ટ કરનારાઓ માટે પણ જુદા ગણિતો માંડવામાં આવે છે. આ સંજોગોમાં તેમને સ્ટોકમાં વધુ રોકાણ ધરાવતા વિકલ્પો તરફ વાળી શકાય છે.