અમદાવાદ, તા.27
શેરબજારના ધંધામાં થયેલા નુકસાન બાદ સવા કરોડની લેતી-દેતીમાં લેણદાર બ્રોકરને ત્રાસવાદી ફોન કરી દેવાદાર શખ્સ વતી ધમકી આપી હોવાની ફરિયાદ સોલા પોલીસના ચોપડે નોંધાઈ છે. સોલા પોલીસે અલગ અલગ મોબાઈલ નંબરથી ફોન કરનારા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સાયસન્સ સિટી રોડ મલય બંગલોઝમાં રહેતા સંજય જેઠાલાલ સોની (ઉ.48) શ્રીતી સિક્યોરિટીના નામે શેરબજારનો ધંધો કરે છે. ઈન્દોરના રાજેશ જૈન અને તેના ભાગીદાર અનંત માલુ સાથે પાંચેક વર્ષ અગાઉ શેરબજારનો ધંધો કર્યો હતો. જો કે, ધંધામાં વિવાદ થતા અઢી કરોડનું નુકસાન થયેલું અને જે પેટે સવા કરોડ રાજેશ તથા અનંત પાસે લેવાના નિકળે છે. આ વિવાદને લઈને ઈન્કમટેક્સ અને સેબીમાં પણ કેસ ચાલે છે. ગત 20 ઓક્ટોબરના રોજ અનંત માલુએ ફોન કરી ધમકી આપી હતી. ત્યારબાદ ગત 22 ઓક્ટોબરના રોજ મેં ખૂંખાર ત્રાસવાદી જયરાજસિંગ બોલતા હું તુને રાજેશ કે ખિલાફ કુછ ભી ઈધર ઉધર કીયા તો મેં તેરે કો જાન સે માર દુંગા તેવી ધમકી આપી હતી. આ ઘટના બાદ પણ અનેક જુદાજુદા નંબરોથી ફોન આવતા હતા પરંતુ સંજય સોનીએ તે ઉપાડ્યા ન હતા.