અમદાવાદ,તા. ૪ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ભારે ઉતારચઢાવ પછી ઘટીને બંધ રહ્યું હતું. રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની જાહેરાત પહેલાં શેરબજારમાં રોકાણકારોએ જોરદાર વેચવાલી કરી હતી. જોકે આરબીઆઇની ધિરાણ નીતિ જાહેરાત બાદ મંદી ઘેરી બની હતી. જેથી સેન્સેક્સ 434 પોઇન્ટ તૂટીને 37,673.31ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 139 પોઇન્ટ તૂટીને 11,200ની નીચે આવી ગયો હતો અને 11,174ના સ્તરે બંધ થયો હતો.
સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઘટ્યું હતું. રોકાણકારોએ બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી કરી હતી. બજાર સવારે ખૂલતામાં સેન્સેક્સ 200 પોઇન્ટ તેજીમાં હતો. ત્યાર બાદ બજારમાં બેન્ક શેરોમાં વેચવાલી થતાં સેન્ટિમેન્ટ ખરડાયું હતું. ત્યાર બાદ રિઝર્વ બેન્કે ધિરાણ નીતિ જાહેર કરી જેમાં બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટેનો વૃદ્ધિદરનો અંદાજ 6.90 ટકાથી ઘટાડીને 6.1 ટકા કરતાં બજારમાં નિરાશા વ્યાપી ગઈ હતી. જેથી સેન્સેક્સ ઇન્ટ્રા-ડે દરમ્યાન 770 પોઇન્ટ અને નિફ્ટી 242 પોઇન્ટ તૂટી ગયો હતો.
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણ નીતિ જાહેર કરતાં કહ્યું હતું કે આરબીઆઇ ધિરાણ નીતિમાં નરમ વલણ અખત્યાર કરવાનું ચાલુ રાખશે. બેન્ક આગામી સમયમાં પણ આર્થિક ગ્રોથને વેગ આપવા માટે હજી મહત્ત્વના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આરબીઆઇ ડિસેમ્બર સુધીમાં વધુ 0.25 ટકા અને એ પછીના ત્રિમાસિક ગાળામાં 0.25 ટકાનો વ્યાજદર ઘટાડે એવી સંભાવના છે. જોકે તેમ છતાં બપોરના ટ્રેડિંગ સેશનમાં બેન્ક, ટેલિકોમ, કન્ઝ્યુમર ડ્યુરબેલ્સ, FMCG અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી જ્યારે ઓટો, આઇટી અને ટેક્નો શેરોમાં લેવાલી જોવા મળી હતી. એફઆઇઆઇએ ગઈ કાલે કેશ સેગમેન્ટમાં રૂ. 810.72 કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ શેરોમાં રૂ. 862.54 કરોડની ખરીદદારી કરી હતી. જોકે છેલ્લાં પાંચ ટ્રેડિંગ સેશનમાં એફપીઆઇએ 1.2 અબજ ડોલરના શેરો ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાઓએ 288 લાખ ડોલરના શેરોની લેવાલી કરી હતી.
બજારના ટ્રેડિંગ સેશન દરમ્યાન આઇટી ઇન્ડેક્સ સિવાયના તમામ ઇન્ડેક્સો મંદીમય હતા. નિફ્ટી બેન્ક 2,40 ટકા, નિફ્ટી ઓટો 1.19 ટકા, નિફ્ટી ફાઇના. સર્વિસિસ 1.98 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 2.20 ટકા, નિફ્ટી રિયલ્ટી 1.21 ટકા અને નિફ્ટી મિડિયા 3.58 ટકા ઘટ્યા હતા.
મુંબઈ શેરબજારના સેન્સિટિવ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 18 શેરો ઘટ્યા હતા, જ્યારે 12 શેરો ઘટ્યા હતા, જ્યારે એનએસઈ 50 ઇન્ડેક્સના 50માંથી 39 શેરો ઘટ્યા હતા અને 11 શેરો વધ્યા હતા. આ સાથે બીએસઈ પર 1057 શેરો વધ્યા હતા અને 1650 શેરો ઘટ્યા હતા. એ જ રીતે એનએસઈ પર 767 શેરો વધ્યા હતા અને 1379 શેરો ઘટ્યા હતા. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 10 શેરો ઘટીને બંધ રહ્યા હતા.
પાંચ મે પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો
સાપ્તાહિક રીતે જોઈએ તો સેન્સેક્સ 2.98 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 2.95 ટકા તૂટ્યો હતો. આ સાથે બેન્ક નિફ્ટી 7.24 ટકા, નિફ્ટી એફએમસીજી બે ટકા, નિફ્ટી મેટલ, 7.2 ટકા, નિફ્ટી પીએસયુ 7.3 ટકા તૂટ્યા હતા, જ્યારે નિફ્ટી આઇટી 2.94 ટકા, નિફ્ટી ફાર્મા 3.8 ટકા તૂટ્યા હતા. આ સાથે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 4.03 ટકા તૂટ્યો હતો.
રિઝર્વ બેન્કે રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો
દેશમાં તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે અપેક્ષા મુજબ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. જેના કારણે કાર લોન અને હોમ લોન લેનારાઓને ફાયદો થશે. જેથી તેમના હપ્તાની રકમમાં ઘટાડો થશે. રિઝર્વ બેન્કે રેપો રેટમાં 25 પોઈન્ટનો ઘટાડો કર્યા બાદ હવે રેપો રેટ 5.40 ટકાથી ઘટીને 5.15 ટકા પર આવી ગયો છે, જે માર્ચ 2010 બાદ સૌથી ઓછો છે.રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટમાં પણ બદલાવ કર્યો છે. જેને કારણે હવે રિવર્સ રેપો રેટ 4.90 ટકા થઈ ગયો છે.આ વર્ષે સતત પાંચમી વખત રિઝર્વ બેન્કે રેપો રેટમાં ઘટાડો કર્યો છે. અત્યાર સુધીમાં રેપો રેટમાં 1.35 પોઈન્ટનો ઘટાડો થઈ ચૂક્યો છે.
પાંચ સેશનમાં બેન્ક શેરોમાં રૂા. 1.00.000 કરોડનું ધોવાણ
બેન્કિંગ ક્ષેત્ર પાંચ સેશનમાં બેંકશેરોમાં મોટા પાયે ગાબડા પડતાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં ૪૨ ટકાનો એટલે કે રૂા. ૧,૦૦,૦૦૦ કરોડથી પણ વધુનું ધોવાણ થયું છે.
તાજેતરમાં જ પીએમસી બેન્ક ગેરરીતિઓના કારણે રિઝર્વ બેંકના અંકુશ હેઠળ મૂકવામાં આવી છે. આ ઉપરાંત યસ બેંકના પ્રમોટરના ગિરવે મુકાયેલા શેરો ધિરાણદારોએ વેચી મારતા યસ, બેન્કના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ સાથે ગેરરીતિઓના કારણે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાયનાન્સને નોટિસ મળ્યાના અહેવાલો તેમજ લક્ષ્મી વિલાસ બેંક દ્વારા પણ ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદ પાછળ બેન્કિંગ ક્ષેત્ર તેમ જ એનબીએફસી શેરોમાં સેન્ટિમેન્ટ નકારાત્મક થતાં વેચવાલી ફરી વળી હતી.
આમ છેલ્લા પાંચ દિવસમાં બેન્ક શેરોની માર્કેટ વેલ્યુમાં જંગી ધોવાણ થતા રોકાણકારોને નુકસાન સહન કરવું પડ્યું છે.
નિફ્ટી એફ એન્ડ ઓના ૫૦ ટકા શેરો 200 દિવસની મુવિંગ એવરેજ નીચે
નિફ્ટી એફ એન્ડ ઓમાં સામેલ ૧૫૦ શેરોમાંથી ૭૬ જેટલા શેર સતત એકધારી વેચવાલીના દબાણે તેમની ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ (ડીએમએ)ની નીચે ટ્રેડ થઈ રહ્યા છે. આ ઉપરાંત નિફ્ટી ૫૦૦ ઇન્ડેક્સના સેગમેન્ટના અંદાજે ૨૬૮ શેરો પણ 200 દિવસની એવરેજની નીચે ટ્રેડ થઈ રહ્યા છે.