અમદાવાદ,તા:05
સતત સાત દિવસની તેજી થયા પછી શેરબજાર આંશિક ઘટ્યું હતું. રોકાણકારોએ ઊંચા મથાળેથી શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. દિવસ દરમ્યાન સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ નફારૂપી વેચવાલી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 53.73 પોઇન્ટ ઘટીને 40,248.23ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 24.10 પોઇન્ટ ઘટીને 11,917.20ના સ્તરે બંધ રહ્યો હતો.
અમેરિકામાં એમ્પ્લોયમેન્ટ ડેટા સારો આવતાં ડાઉ ઇન્ડેક્સ 115 પોઇન્ટ અને નેસ્ડેક 47 પોઇન્ટ વધ્યા હતા. એમ્પ્લોયમેન્ટ ડેટા સારા આવતાં અને માગ સુધરવાની આશાએ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઉછાળો હતો. જેને લીધે સ્થાનિક બજારમાં પણ ઓએમસી અને એવિયેશન શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.
સતત સાત દિવસની તેજી પછી બજારમાં શેરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ હતું. જેને લીધે સેન્સેક્સ ઊંચા સ્તરેથી 200 પોઇન્ટ નીચે સરક્યો હતો. આ ઉપરાંત ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા અને ટીસીએસમાં નફારૂપી વેચવાલીથી શેરોમાં વેચવાલીનું દબાણ હતું. જેથી નિફ્ટી પણ 11,900ની નીચે ગયા હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી થતાં નિફ્ટી મિડકેપ એક ટકા જેટલા ઘટ્યા હતા.
એશિયન બજારોમાં તેજી થઈ હતી. ચીનથી વેપાર સોદા પર ટૂંક સમયમાં કરાર થવાની આશાએ અમેરિકી બજાર તો તેજીમાં હતી, પરંતુ એ સાથે એશિયન બજારો પણ તેજીમાં હતાં. ડોલર સામે રૂપિયો પણ મજબૂત હતો.
પીએનબીની એનપીએમાં પણ વધારો થયો હતો. જેથી સરકારી બેન્કોમાં નફારૂપી વેચવાલી હતી. નિફ્ટીના 19 ઇન્ડેક્સમાંથી એક ઇન્ડેક્સમાં તેજી થઈ હતી. એની સાથે ફાર્મા, ઓટો, રિયલ્ટી, મેટલ, સિમેન્ટ, મિડિયા અને આઇટી શેરોમાં પ્રોફિટ બુકિંગ હતું.
મુંબઈ શેરબજારના સેન્સિટિવ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 15 શેરો વધ્યા હતા, જ્યારે એનએસઈ 50 ઇન્ડેક્સના 50માંથી 23 શેરો હતા અને 27 શેરો ઘટ્યા હતા. આ સાથે બીએસઈ પર 1116 શેરો વધ્યા હતા અને 1550 શેરો ઘટ્યા હતા. એ જ રીતે એનએસઈ પર 865 શેરો વધ્યા હતા અને 1292 શેરો ઘટ્યા હતા. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 3 શેરો વધીને બંધ રહ્યા હતા.
ડાબર પ્રોત્સાહક પરિણામોએ 52 સપ્તાહની ઊંચાઈએ
ડાબરનાં પ્રોત્સાહક પરિણામોએ શેરમાં ભારે લેવાલી હતી. કંપનીની આવક અને માર્જિનમાં પણ બજારની અપેક્ષા મુજબનાં રહેતાં શેરમાં તેજૂ થઈ હતી. જેથી ડાબરનો ભાવ દિવસના અંતે 4.73 વધીને રૂ. 481.50ના ભાવે બંધ રહ્યો હતો. જોકે પંજાબ નેશનલ બેન્કનાં પરિણામો બજારની અપેક્ષાએ ઊણાં આવતાં શેર પાંચ ટકા તૂટીને રૂ. 64.75ના મથાળે બંધ રહ્યો હતો.
ઝુનઝુનવાલાએ શેર ખરીદતાં યસ બેન્કમાં તેજી
યસ બેન્કના શેરમાં મંગળવારે નવ ટકા તેજી જોવા મળી હતી.રાકેશ ઝુનઝુનવાલાએ માર્કેટ કામકાજ દરમ્યાન 1.29 કરોડ શેર ખરીદી કરી લીધા હતા, આને કારણે મંગળવારે બજાર ખૂલવાની સાથે જ બેન્કના શેરની કિંમતોમાં નવ ટકાનો ઉછાળો નોંધાયો હતો.. રાકેશ ઝુનઝુનવાલાએ ઓપન માર્કેટમાંથી રૂ. 87 કરોડમાં યસ બેન્કના એક કરોડથી વધુ શેર ખરીદ્યા હતા. જેથી યસ બેન્કના શેરમાં બીએસઈમાં 8.77 ટકાનો ઉછાળો નોંધાયો હતો. એનએસઈમાં શેર 8.74 ટકા વધીને 72ની ટોચે પહોંચ્યો હતો. જોકે અંતે શેર 3.25 ટકા વધીને રૂ. 68.30ના મથાળે બંધ આવ્યો હતો.
નવા વર્ષના પ્રારંભમાં મિડ-કેપ્સમાં 51 ટકા સુધીનું ઊંચું રિટર્ન
વિક્રમ સંવત 2076ની શરૂઆત શેરબજાર માટે ખૂબ સારી રહી છે. એટલું જ નહીં મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ માટે સંવતની શરૂઆત શ્રેષ્ઠ છે. સંવતની શરૂઆતમાં યોજાયેલા મુહૂર્ત ટ્રેડિંગથી લઈને સોમવાર સુધીનાં પાંચ સંપૂર્ણ કક્ષાનાં ટ્રેડિંગ સત્રો દરમિયાન એનએસઇ-500 જૂથમાં સમાવિષ્ટ કેટલાંક કાઉન્ટર્સમાં 51 ટકા સુધીનું વળતર મળ્યું છે. જ્યારે જૂથમાં સમાવિષ્ટ 500 સ્ક્રિપ્સમાંથી 397એ ભાવમાં સુધારો નોંધાવ્યો છે. સમાન ગાળામાં બેન્ચમાર્ક નિફ્ટી 3 ટકાની આસપાસનું રિટર્ન દર્શાવી રહ્યો છે. આમ સંવતની શરૂઆતમાં મિડ-કેપ્સ સુપરસ્ટાર્સ બની રહ્યા છે. જે શેરોમાં ઊંચું રિટર્ન જોવા મળ્યું છે, તેમાં તાતા મોટર્સ (36 ટકા), સેન્ટ્રલ બેંક (34 ટકા), રિલા ઇન્ફ્રા (33 ટકા), જૈન ઇરિગેશન (33 ટકા), રિલા કેપિટલ (33 ટકા) અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર (27 ટકા)નો સમાવેશ થાય છે.
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સોનાની માગમાં 32 ટકાનો ઘટાડો
દેશમાં સોનાના ખરીદદારોને હવે સોનું વધારે આકર્ષી નથી રહ્યું, કારણ કે છેલ્લાં ત્રણ વર્ષમાં દેશવાસીઓએ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન સૌથી ઓછું સોનુ ખરીદ્યું છે.સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં સોનાની માગમાં 32 ટકાનો ઘટાડો થયો છે અને માગ ઘટીને 123.9 ટન પર આવી ગઈ છે. સોનાની આયાત પણ કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 66 ટકા ઘટીને 80.5 ટન રહી છે. ચીન બાદ ભારત સોનાનો સૌથી મોટો ખરીદદાર દેશ છે.બીજી તરફ દુનિયામાં સોનાની માગ આ જ સમયગાળા દરમિયાન 1107 ટન પર પહોંચી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પહેલેથી આયાત કરાયેલા સ્ટોક અને રિસાયકલિંગથી જ જ્વેલર્સ માગ પૂરી કરી રહ્યા છે. આ ઉપરાંત સોનાની કિંમતમાં થયેલા વધારાની અસર પણ પડી રહી છે. મંદીની અસર પણ સોનાની માગ પર જોવા મળી રહી છે. 2019માં પહેલા નવ મહિનામાં દેશમાં સોનાની માગ 496.11 ટન રહી ગઈ છે. એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં સોનાની માગ 523 ટન જેટલી હતી. 2019ના પહેલા નવ મહિનામાં સોનાની આયાત પણ ઘટીને 502.9 ટન રહી છે. આ જ સમયગાળામાં ગયા વર્ષે આયાત 587 ટન હતી.