અમદાવાદ,તા:૦૭ સપ્તાહના પ્રારંભમાં સ્થાનિક શેરબજાર બેતરફી વધઘટે ઘટીને બંધ રહ્યું હતું. બજાર સતત છઠ્ઠા દિવસે ઘટીને બંધ રહ્યું હતું. ઓક્ટોબર સિરીઝમાં બજાર હજી સુધી સતત ઘટતું જ રહ્યું છે. બજારમાં ફાર્મા શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. જેથી ફાર્મા ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ તૂટ્યો હતો. વળી, ફાર્મા ઇન્ડેક્સ છ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ફાર્મા શેરોએ બજારનું સેન્ટિમેન્ટ બગાડ્યું હતું. ઓરબિંદો ફાર્માની આગેવાનીએ ફાર્મા શેરોમાં વેચવાલી થઈ હતી. આમ સેન્સેક્સ 141 પોઇન્ટ તૂટીને 37,531.98ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 48.40 ઘટીને 11,126.40ના મથાળે બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતોને લીધે સ્થાનિક બજારમાં બેતરફી વધઘટે વેચવાલી જોવા મળી હતી. આરબીઆઇની એમપીસીએ નાણાકીય વર્ષ 2020 માટે જીડીપી ગ્રોથ 6.9 ટકાથી ઘટાડીને 6.1 ટકા કર્યો છે. આરબીઆઇએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો, છતાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ પ્રતિકૂળ થયું હતું.
બજારના ટ્રેડિંગ સેશન દરમ્યાન છેલ્લા કલાકમાં શેરોમાં જોરદાર વેચવાલી થઈ હતી. ફાર્મા શેરો સાથે લગભગ તમામ સેક્ટરના શેરોમાં વેચવાલી થઈ હતી. જેમાં ઓટો, તેલ, ગેસ અને કેપિટલ ગુડઝ શેરોમાં પણ વેચવાલી થઈ હતી. એકમાત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં સાધારણ લેવાલી જોવા મળી હતી. નિફ્ટી પર 11માંથી આઠ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં નિફ્ટી મેટલ, 1.19 ટકા, નિફ્ટી રિયલ્ટી 1.17 ટકા, નિફ્ટી ઓટો 0.67 ટકા ઘટ્યા હતા. તો સામે નિફ્ટી બેન્ક 0.13 ટકા લગભગ સપાટ બંધ રહ્યો હતો. નિફ્ટી મિડિયા 1.27 ટકા વધ્યો હતો. નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 0.24 ટકા વધ્યો હતો. જોકે યસ બેન્કમાં સાત ટકા સુધીની મજબૂતી જોવા મળી હતી. આ સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી થઈ હતી.
મુંબઈ શેરબજારના સેન્સિટિવ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 24 શેરો ઘટ્યા હતા, જ્યારે જ્યારે એનએસઈ 50 ઇન્ડેક્સના 50માંથી 34 શેરો ઘટ્યા હતા અને 16 શેરો વધ્યા હતા. આ સાથે બીએસઈ પર 934 શેરો વધ્યા હતા અને 1654 શેરો ઘટ્યા હતા. એ જ રીતે એનએસઈ પર 728 શેરો વધ્યા હતા અને 1467 શેરો ઘટ્યા હતા. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી નવ શેરો ઘટીને બંધ રહ્યા હતા.
નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 3.35 ટકા તૂટ્યો, છ વર્ષના નીચલા સ્તરે
યુએસએફડીએ ઓરોબિંદો ફાર્માના સાત યુનિટ અંગે નોટિસ ઇસ્યુ કરતાં કંપનીના શેરમાં ભારે વેચવાલી ફરી વળી હતી. ઓરોબિંદો ફાર્માની સાથે ફાર્મા શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. જેથી ઓરબિંદો ફાર્મા સેશનના અંતે 20 ટકા તૂટ્યો હતો. જેથી નિફ્ટી ફાર્મા 3.35 ટકા તૂટીને 7,148.95ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ છ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. અન્ય ફાર્મા શેરોમાં ગ્લેનમાર્ક ફાર્મા 9.45 ટકા, પીઈએલ 7.97 ટકા, લુપિન 3.33 ટકા, અને કેડિલા હેલ્થકેર 1.81 ટકા ઘટ્યો હતો.
એફઆઇની ત્રણ સેશનમાં રૂ. 4,000 કરોડની વેચવાલી
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઇ)એ શેરબજારમાંથી ઓક્ટોબરના માત્ર ત્રણ ટ્રેડિંગ સેશનમાં રૂ. 3,000 કરોડની વેચવાલી કરી હોવાનું સેબીના ડેટામાં જણાઈ આવે છે. અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લીધે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ ધીમી પડવાની સાથે સ્થાનિક બજારમાં વેચવાલી થઈ હતી. આ સાથે સ્થાનિક આર્થિક ડેટા નબળા રહેતાં તેની નકારાત્મક અસર જોવાઈ હતી.
સપ્ટેમ્બરમાં એફપીઆઇએ રૂ. 7,850 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વ્યાજદરમાં ઘટાડો કરતાં અને સેબી દ્વારા માર્કેટમાં વિશ્વાસ વધે એ દિશામાં પગલાં લેવામાં આવતા એફપીઆઇની વેચવાલી ઘટે તેવી અપેક્ષા બજારના નિષ્ણાતો ધરાવે છે.
ડિપોઝિટરીઝ પાસેથી પ્રાપ્ત ડેટા અનુસાર એકથી ચાર ઓક્ટોબરના ગાળામાં એફપીઆઇએ શેરબજારમાં રૂ. 2,947 કરોડની અને બોન્ડમાં રૂ. 977 કરોડની વેચવાલી કરી હતી. આને કારણે તેમની આ ગાળામાં કુલ વેચવાલી રૂ. 3,924 કરોડની રહી હતી.
બીજી ઓકટોબરે ગાંધી જયંતી નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો અને સરચાર્જ ટેક્સ અંગે ખુલાસો પણ કર્યો હતો. આમ છતાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ દરમિયાન વિદેશી રોકાણકારોની ચોખ્ખી વેચવાલી જોવા મળી હતી. આ સાથે બજાર આવતી કાલે પણ દશેરા નિમિત્તે બજાર બંધ રહેશે.
ઓક્ટોબરમાં વેચવાલી વૈશ્વિક મંદીને કારણે અને ભારતમાં પણ આર્થિક નરમાઇની સ્થિતિ રહી હતી. બીજા ત્રિમાસિક ગાળામાં કોર્પોરેટ અર્નિગમાં સુધારો થતાં મઓની ખરીદી પાછી શરૂ થશે એવો આશાવાદ બજારમાં પ્રવર્તી રહ્યો હતો. રિઝર્વ બેન્કે વ્યાજદરમાં ઘટાડો કરતાં તેની એફપીઆઈ પર સકારાત્મક અસર થવાની ધારણા વ્યકત કરી હતી.
ટોપ-સાત કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. એક લાખ કરોડથી વધુનું ધોવાણ
વીતેલા સપ્તાહે માર્કટ કેપની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી સાત કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપમાં રૂ. એક લાખ કરોડથી વધુનું ધોવાણ થયું હતું. આ ગાળામાં એચડીએફસી બેન્કને સૌથી વધુ નુકસાન વેઠવું પડ્યું હતું અને તેના માર્કેટ કેપમાં રૂ. 30,000 કરોડથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
એચડીએફસી બેન્ક ઉપરાંત શુક્રવારે પૂરા થયેલા સપ્તાહે આરઆઇએલ, એચયુએલ, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેન્ક, આઇસીઆઇીઆઇ બેન્ક અને બજાજ ફાઇનાન્સના માર્કેટ કેપમાં પણ ઘટાડો નોંધાયો હતો. વીતેલા સપ્તાહે સેન્સેક્સ 1,149.26 પોઇન્ટ્સ અને નિફ્ટી 337.65 પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યા હતા.