સતત પાંચમા દિવસે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 125 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 11,000ને પાર

અમદાવાદ,તા:૧૧

વૈશ્વિક સારા સંકેતો અને આર્થિક સુધારાની આશાએ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી સતત પાંચમા દિવસે સુધરીને બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ 125  પોઇન્ટ વધી 37,270.82ને મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 32.65 પોઇન્ટ વધીને 11,035.70ની સપાટીએ બંધ રહ્યો હતો. મોહરમની રજા પછી બજાર તેજી સાથે ખૂલ્યું હતું.

બજારમાં ઓટો, મેટલ, પેપર, રિયલ્ટી અને ફર્ટિલાઇઝર્સ શેરોમાં તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ  શેરોમાં નવી લેવાલીએ પણ તેજી થઈ  હતી. બજારમાં આજે ત્રણેક શેર વધ્યા, હતા, જ્યારે એક શેર ઘટ્યો હતો. ઓટો ઇન્ડેક્સ ત્રણ ટકા વધ્યો હતો, જ્યારે મેટલ ઇન્ડેક્સ બે ટકા વધ્યો હતો. બેન્ક શેરોમાં પણ તેજી હતી- ખાસ કરીને સરકારી બેન્ક શેરોમાં નવી લેવાલીએ તેજી થઈ હતી. જોકે આઇટી અને એફએમસીજી શેરોમાં વેચવાલીનું દબાણ હતું.

મોદી સરકાર-ટૂના 100 દિવસ પૂરા થયા છે. જે પ્રસંગે પત્રકાર પરિષદમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે સરકાર અર્થતંત્રમાં ચાલતી નમંદી બાબતે જાગરૂક છે. સરકાર  આર્થિક ગ્રોથને વધારવા માટે પગલાં લઈ રહી છે. નાણાપ્રધાને સરકારના કાર્યકાળનો અત્યાર સુધીના લેખાજોખા રજૂ કર્યા હતા. નાણાકીય વર્ષ 2019-20ના પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ ઘટીને પાંચ ટકાએ આવી ગયો છે. જે પાછલાં છ વર્ષોમાં સૌથી નીચલા સ્તરે છે.

નાણપ્રધાને આગળ જણાવ્યું હતું કે સરકાર ઓટો કોમ્પોનન્ટ ક્ષેત્રમાં વિવિધ પગલાં ભરી રહી છે. સરકારનું આર્થિક ગ્રોથ કેવી રીતે વધારવો તેની પર ધ્યાન કેન્દ્રિત છે. સરકાર  જીડીપી કેવી રીતે વધે શકે છે અને જીએસટી રેવન્યુમાં કેવી રીતે વધારો થઈ શકે છે, એની પર ફોકસ કરી રહી છે. જેથી બજારમાં બપોર બાદ છેલ્લા સેશનમાં જોરદાર તેજી થઈ હતી. જોકે ઊંચા મથાળે શેરોમાં નફારૂપી વેચવાલીએ સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ દબાયા હતા.

મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 17 શેરોમાં તેજી થઈ હતી, જ્યારે 13 શેરોમાં મંદી થઈ હતી. એનએસઈના નિફ્ટી50 ઇન્ડેક્સમાં 50માંથી 27 શેરોમાં તેજી થઈ હતી, તો 23 શેરોમાં  મંદી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 1916 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 873 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક  એક્સચેન્જ પર 1648 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 547 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 10 શેરો ઘટીને સાથે બંધ થયા હતા.

રિયલ્ટી શેરોમાં તેજી

દેશનું અર્થતંત્ર સ્લોડાઉન છે, છતાં સરકાર આગામી દિવસોમાં રિયલ્ટી ક્ષેત્ર માટે આકર્ષક જાહેરાતો કરે એવી સંભાવના છે. નાણાં અને કોર્પોરેટ અફેર્સના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે સરકારે સ્ટેકહોલ્ડર્સ,  ઉદ્યોગના અગ્રણીઓ અને હોમબાયર્સ સાથે રિયલ્ટી ક્ષેત્રે પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. સરકાર રિયલ્ટી ક્ષેત્રે પડતી મુશ્કેલીઓ દૂર કરવા મદદ કરશે. જેથી રિયલ્ટી શેરો તેજીમાં હતા. જેથી રિયલ્ટી ઇન્ડેક્સ 4.14 ટકા વધ્યો હતો. જેમાં ઓબેરોય રિયલ્ટી 10.19 ટકા,ગોદરેજ પ્રોપર્ટી 6.70 ટકા,  સન ટેક 4.25 ટકા અને ડીએલએફ 3.70 ટકા વધ્યો હતો.

ઇન્ફ્રા ક્ષેત્રે પાંચ વર્ષમાં 100 લાખ કરોડનું મૂડીરોકાણ

નાણાપ્રધાને જણાવ્યું હતું કે સરકાર ઓટો ક્ષેત્રે જે પણ ઇશ્યુ છે એનું નિરાકરણ જલદી કરવામાં આવશે. આ ઉપરાંત સરકારે ઇન્ફ્રા ક્ષેત્રે ફાળવણી કરવા માટે ટાસ્ક ફોર્સની રજૂઆત કરી છે. જે  પ્રોજેક્ટો પૂરા કરવામાં ઝડપ લાવશે. તેમણે કહ્યું હતું કે સરકાર આગામી પાંચ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે. ટાસ્ક ફોર્સે  મૂડીરોકાણ માટે યોગ્ય પ્રોજેક્ટસ ઓળખ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે અર્થતંત્રને નાણાંની જરૂર છે અને સરકાર મોટા પાયે ઇન્ફ્રામાં રોકાણ કરશે.

નાના લોનધારકોને રાહત સંભવ

નાણાં મંત્રાલયે દેશમાં નાના દેવાદારો કે વેપારીઓને રાહત આપી છે. મંત્રાલયે સરકારી બેન્કોને સૂચના આપી છે કે નાના લોનધારકો જો ડિફોલ્ટ થાય તો પહેલાં નાદારીનું કારણ જાણો અને સમજો. તેમની સાથે નરમ વલણ અપનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમની સંપત્તિ અથવા લિલામી પહેલાં અન્ય વિકલ્પ બેન્કોએ અપનાવવો જોઈએ. નાદારીના વધતા જતા કિસ્સાથી સરકાર સતર્ક થઈ છે.

ઓટો  ઇન્ડેક્સ સાત સપ્તાહની ઊંચાઈએ

ઓટો ઉદ્યોગે સરકાર પાસે જીએસટીમાં રાહતની માગ કરી છે, જેને લીધે મારુતિ સુઝુકી અને તાતા મોટર્સ શેરોની આગેવાનીએ ઓટો શેરોમાં ભારે તેજી થઈ હતી. જેથી ઓટો ઇન્ડેક્સમાં છેલ્લા ચાર મહિનામાં સૌથી મોટી તેજી થઈ હતી. ઓટો ઇન્ડેક્સ સાત સપ્તાહની ઊંચાઈએ બંધ આવ્યો હતો. જેથી નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 258.25 પોઇન્ટ અથવા 3.60 ટકા વધીને 7,423.60ના મથાળે બંધ રહ્યો હતો, જેથી મારુતિ 3.86 ટકા, તાતા મોટર્સ 10.66 ટકા વધ્યા હતા. તાતા મોટર્સમાં છેલ્લાં  નવ વર્ષની મોટી તેજી થઈ હતી. આ સાથે બજાજ ઓટો 2.88 ટકા, આઇશર મોટર 5.10 ટકા, ટીવીએસ મોટર,3.60 ટકા અને હીરો મોટર્સ 2.17 ટકા વધ્યા હતા.

યસ બેન્ક 14 ટકા વધ્યો

યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂર દ્વારા પરિવારનો પૂરેપૂરો હિસ્સો પેટીએમને વેચે એવા અહેવાલે યસ બેન્કનો શેર 15 ટકા વધ્યો હતો. જોકે સેશનનના અંતે શેર 13.5 ટકાની તેજી સાથે બંધ થયો હતો.

ડોલર સામે રૂપિયો પાંચ પૈસા મજબૂત

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો પ્રારંભમાં તૂટ્યો હતો. પ્રારંભમાં ડોલર સમને રૂપિયો 12થી 15 પૈસા તૂટીને 71.64ના મથાળે ટ્રેડ કરી રહ્યો હતો. જોકે બપોરના સમયે ડોલર સામે રૂપિયો સુધર્યો હતો અનવે મજબૂત રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે ડોલર સામે રૂપિયો 71.65ના મથાળે બંધ રહ્યો હતો.