સ્માર્ટ સીટી ગણાતા અમદાવાદ શહેરમાં અંધશ્રદ્ધાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. બે દિવસ અગાઉ બાળક મળ ન કરતું હોવાથી તેના પેટે ડામ દીધાની ઘટના હજુ તાજી છે. ત્યારે અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સમાન વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા મેલડી માતાજીના મંદિરે એક મહિલાના સતના પારખા કરવામાં આવ્યા હતા. આ માટે એક-બે નહીં પણ ત્રણ-ત્રણ વખત ઉકળતા તેલમાં મહિલાના હાથ બોળાવવામાં આવ્યા હતા. જેમાં દાઝી ગયેલી મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે.
ગત તારીખ 13ના રોજ સિવિલ હોસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા રૂખસાનાબેન, સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા શારદાબહેન વચ્ચે અંગત બાબતોને લઈને બોલાચાલી થઈ હતી. જેમાં સતના પારખા કરવવા માટે ત્રણ વખત શારદાબહેનનો જમણો હાથ ઉકળતા તેલમાં બોળાવવામાં આવ્યો હતો.
ઘટનાને પગલે શારદાબહેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવમાં રૂપિયા 20 હજારની ઉઘરાણી પણ કારણભૂત હોવાનું ફરિયાદી શારદાબેને જણાવ્યું છે. જો કે 13 તારીખનો બનાવ આટલા દિવસો બાદ સામે આવતા અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. હાલ પોલીસે શારદાબહેનની ફરિયાદને આધારે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે