સત્યાગ્રહ છાવણીના મારબલના વેપારી પાસે 15 લાખની ખંડણી માંગનાર ઝડપાયો

બે વખત ફોન કરનારા શખ્સે પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી 

સેટેલાઈટ સત્યાગ્રહ છાવણીમાં રહેતા મારબલના એક વેપારીના મોબાઈલ ફોન નંબર પર બબ્બે વખત ફોન કરી લાખો રૂપિયાની ખંડણી માટે ધમકી અપાઈ હતી. આ ઘટનાની જાણ ક્રાઈમ બ્રાંચને થતા 15 લાખ આપવાનું નાટક રચી ખંડણીખોરને અમદાવાદમાંથી ઝડપી લેવાયો છે. સેટેલાઈટ પોલીસે આ મામલે ગુનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસમાં ખંડણીની ટીપ આપનારા શખ્સને ઝડપી લેવા પ્રયાસ શરૂ કર્યા છે. ખંડણી માટેની ટીપ વેપારીના ત્યાં અગાઉ મુકીમ (એકાઉન્ટન્ટ) તરીકે નોકરી કરતા શખ્સે આપી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.

મારબલના વેપારી અને મૂળ રાજસ્થાની કેતનભાઈ જીતેન્દ્રભાઈ ત્રિવેદી ( ઉ.63 રહે. લેન નં.18 સત્યાગ્રહ છાવણી, ભાવનિર્જર સામે, સેટેલાઈટ)ના મોબાઈલ ફોન પર ગત સોમવારે વહેલી પરોઢના સાડા પાંચ વાગે એક કોલ આવ્યો હતો. ફોન કરનારા શખ્સે ફોન કરી 15 લાખ રૂપિયા કઢાવી લેવા માંગણી કરી હતી. કેતનભાઈએ રૂપિયા આપવાની ના પાડતા તેમના દિકરાને મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ બીજા દિવસે 30 જુલાઈની રાતે દોઢ વાગે અજાણ્યા શખ્સે મોબાઈલ ફોનથી કોલ કરી ફરી વખત બીજા 15 લાખ રૂપિયાની ખંડણી માંગી ધમકી આપતા સમગ્ર મામલો પોલીસે પાસે પહોંચતા ક્રાઈમ બ્રાંચ હરકતમાં આવી હતી. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ કેતનભાઈ ત્રિવેદીને રૂપિયા આપવા સમંત થયા છો તેવું નાટક રચવા કહ્યું હતું. ખંડણીના લાખો રૂપિયા લેવા માટે આવેલા શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદમાંથી ઝડપી લઈ આજે સેટેલાઈટ પોલીસને સોંપ્યો છે. કેતનભાઈ ત્રિવેદીના ત્યાં અગાઉ નોકરી કરતો રાજસ્થાની એકાઉન્ટન્ટ વેપારીની આર્થિક સ્થિતિથી વાકેફ હોવાથી તેણે તેના મળતીયાને તૈયાર કરી લાખો રૂપિયાની ખંડણી પડાવવા ષડયંત્ર રચ્યું હતું. જો કે, ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં સમગ્ર ઓપરેશનને સફળ રીતે પાર પાડી ખંડણી લેવા આવનાર શખ્સને દબોચી લીધો છે.