અમદાવાદ,તા:૨૬
વૈશ્વિક બજારોથી પ્રોત્સાહક સંકેતોને મળતાં શેરબજાર તેજી સાથે બંધ રહ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ઘટવાનો માહોલ બન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન કહેવામાં આવ્યું હતું કે યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે. જેથી બંને દેશો વચ્ચેનું વેપારયુદ્ધ ઠંડું પડવાની આશાએ સેન્સેક્સ 396 પોઇન્ટ ઊછળીને 38,989.74ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 133 પોઇન્ટ ઊછળીને 11,573.30ના સ્તરે બંધ રહ્યો હતો.
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર ઘટવાને પગલે શેરોમાં તેજી થઈ હતી. બેન્ક શેરોમાં તેજીને પગલે બેન્ક નિફ્ટી 427 પોઇન્ટ ઊછળીને 30,013.30ના મથાળે બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી ઘણા સમય બાદ 30,000ની સપાટી વટાવી હતી. આઇટી સિવાયના તમામ ક્ષેત્રના શેરોમાં તેજી થઈ હતી. જેમાં ઓટો 2.43 ટકા, મેટલ 4.32 ટકા, રિયલ્ટી 2.70 ટકા, મિડિયા 2.29 ટકા અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 0.90 ટકા વધ્યો હતો. આ ઉપરાંડ ડોલર સામે રૂપિયો મજબૂત થતાં આઈટી શેરોમાં વેચવાલી થઈ હતી.
સપ્ટેમ્બર ફ્યુચર અને ઓપ્શન કોન્ટ્રેક્ટ સિરીઝનો અંતિમ દિવસે બજાર તેજી સાથે બંધ રહ્યું હતું. બજારમાં છેલ્લી પાંચ સિરીઝની સૌથી મોટી તેજી સાથે સપ્ટેમ્બર સિરીઝ બંધ રહી હતી. સપ્ટેમ્બર સિરીઝનું ક્લોઝિંગ શાનદાર રીતે થયું હતું. વળી, પાછલી ત્રણ સિરીઝમાં ઘટાડો નોંધાયા પછી તેજી સાથે સપ્ટેમ્બર વાયદો તેજી સાથે બંધ રહ્યો હતો. સપ્ટેમ્બર સિરીઝમાં નિફ્ટી ઇન્ડેક્સ 5.75 ટકા વધ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી 9.88 ટકા વધ્યો હતો.
મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 23 શેરોમાં તેજી થઈ હતી અને એનએસઈના નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 50માંથી 41 શેરોમાં તેજી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 1307 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1267 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 1139 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 11025 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 10 શેરો વધીને સાથે બંધ થયા હતા.
સીજી પાવર એક મહિનામાં 85 ટકા વધ્યો
સીજી પાવરનો શેર પાછલા એક મહિનામાં 85 ટકા વધ્યો હતો. પાછલા 15થી 21 ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેરમાં પાંચ ટકા અપર સરકિટ લાગી છે. સીજી પાવરના શેર પાંચ ટકા વધીને 16.04 રૂપિયા પર આવી ચૂક્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં આ પહેલાં કંપનીનો શેર આશરે 65 ટકા ગગડી ચૂક્યો હતો. કંપનીના બોર્ડે કહ્યું હતું કે કેટલીક અનિયમિતતાઓ મળવાને કારણે કંપનીએ ફરી વાર પરિણામો જારી કરશે. આ સમાચારે સીજી પાવરનો શેર 8.56નો નીચલા સ્તરે પહોંચ્યો હતો. જોકે ત્યાર બાદ આ શેર ફરી તેજીતરફી હતો. હાલ આ શેર રૂ. 15.60ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
યસ બેન્ક નવ વર્ષના તળિયે
મુંબઈ શેરબજાર પર યસ બેન્કનો શેર ઘટીને નવ વર્ષના તળિયે રૂ. 50.60 પહોંચ્યો હતો. યસ બેન્કનો શેર સતત બીજા દિવસે ઘટ્યો હતો. ગઈ કાલે બેન્કે બીએસઈમાં ફંડ ઊભું કરવાની યોજનાની રૂપરેખા બીએસઈને સુપરત કરી હતી. બેન્ક રિઝર્વ બેન્ક પાસેથૂ મંજૂરીની રાહ જોઈ રહી છે. યસ બેન્કનો શેર 4.66 ટકા ઘટીને રૂ. 51.20ના મથાળે બંધ રહ્યો હતો.
આ સ્મોલકેપ શેર 94 ટકા તૂટ્યો, ખરીદી રહ્યા છે પ્રમોટર
વકરાંગીના પ્રમોટર દિનેશ નંદવાણા પોતાની કંપનીના શેર સતત ખરીદી રહ્યા છે. છેલ્લાં બે સેશનમાં નંદવાણાએ કંપનીના 31 લાખ શેર ખરીદ્યા છે.
જેથી તેમનો હિસ્સો વધીને 5.93 ટકા થયો છે. પાછલા 21 મહિનામાં આ શેર 94 ટકા તૂટ્યો છે. એક જાન્યુઆરી, 2018એ વકરાંગીના શેરનો ભાવ રૂ. 420.10 હતો. જે હવે 28.75ના સ્તરે છે. આ દરમ્યાન સેન્સેક્સ 16 ટકા વધ્યો છે.
ભારતીય અર્થતંત્ર 2019માં છ ટકાના દરે વધશે
યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટના અંદાજ મુજબ ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ 2018ના 7.4 ટકાથી ઘટીને 2019માં છ ટકા થશે.
લક્ષ્ય કરતાં ઓછું ટેક્સ કલેક્શન અને મર્યાદિત જાહેર ફાળવણીને કારણે આર્થિક વૃદ્ધિમાં નરમાઈની શક્યતા છે. યુએનસીટીએડીએ અહેવાલમાં જણાવ્યું હતું કે 2019માં ભારતની આર્થિક વૃદ્ધિ ઘટવાનો અંદાજ છે. જીએસટીના ટાર્ગેટ કરતાં ઓછા કલેક્શન અને રાજકોષીય કોન્સોલિડેશનના પ્રયાસને કારણે જાહેર ફાળવણીમાં ઘટાડાથી એશિયાનો એકંદર વૃદ્ધિદર ધીમો પડશે.
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ 5 ટકાની 25 ક્વાર્ટરની નીચી સપાટીએ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે RBIએ થોડા સમય પહેલાં સતત ચોથી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યા પછી 2019-’20 માટેનો GDP વૃદ્ધિદર અગાઉના સાત ટકાથી ઘટાડી 6.9 ટકા કર્યો હતો.
એફપીઆઇ માટે ધારાધોરણો હળવાં બનાવાયાં
સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(એફપીઆઇ) માટે રેગ્યુલેટરી ફ્રેમવર્ક સરળ બનાવ્યું છે. સેબીએ તેમના માટે કેવાયસીની જરૂરિયાત સરળ બનાવી છે. વિદેશી રોકાણકારોને સિક્યોરિટીઝનું ઓફ માર્કેટ ટ્રાન્સફર કરવાની છૂટ આપી છે.
સેબીએ બીજા એક નિર્ણયમાં સ્ટાર્ટઅપ્સને એક વર્ષ પછી મુખ્ય સ્ટોક એક્સચેન્જ પર શિફ્ટ થવાનું માળખું તૈયાર કર્યું છે. સ્ટાર્ટઅપ્સને શેરબૂજારના ઇનોવેટર્સ ગ્રોથ પ્લેટફોર્મ પરથી મેઇન બોર્ડ પર શિફ્ટ થવામાં મદદ કરવા સેબીએ નવું ફ્રેમવર્ક રચ્યું છે. તેનાથી તેઓ રેગ્યુલર ટ્રેડિંગના એક વર્ષ પછી શિફ્ટ થઈ શકશે. સેબીના બોર્ડે ઓગસ્ટમાં સ્ટાર્ટઅપ્સના લિસ્ટિંગ માટે નવા નિયમો તૈયાર કર્યા હતા.