મહેસાણા, તા.૨૪
અર્બન બેંકની સાધારણ સભામાં થયેલો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. બેંકનાં મહિલા સભાસદ આશાબેન(મટી) પટેલે બેંકના સીઇઓ વિનોદભાઇ એમ. પટેલ અને 4 અજાણ્યા વ્યક્તિઓ સામે છેડતી, રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જ્યારે બેંકના સીઇઓ વિનોદભાઇ પટેલે પણ રિવોલ્વરથી ઉડાવી દેવાની ધમકી અને ગાડી પર હુમલાની આશાબેન પટેલ અને અન્ય સભાસદો સામે ફરિયાદ નોંધાવી હતી.
સભાસદ આશાબેન પટેલે જણાવ્યું હતું કે, બેંકના સીઇઓ વિનોદભાઇ પટેલ અને અન્ય 4 વ્યક્તિઓએ મને પકડી લીધેલ અને અજાણ્યા 4 વ્યક્તિઓ પૈકી એકે છેડતી કરી બિભત્સ વર્તન કરતાં મેં મારા બચાવમાં તેમને દૂર કરેલા. તે સમયે વિનોદભાઇ અને અન્ય એક હાથમાં ધોકા લઇને અહીંથી જતી રહે નહીંતર તને મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
સીઇઓવિનોદ પટેલે જણાવ્યું હતું કે, મિટિંગની કાર્યવાહી સમયે આશાબેન સભાસદો સાથે સ્ટેજ પર ચડી ખોટી છેડતીની ફરિયાદ કરીશુંની ધમકી આપતાં હું ત્યાંથી ગાડી લઇને નીકળી ગયો હતો. આ સમયે પીછો કરી ગાડી રોકવા પ્રયાસ કરી રિવોલ્વરથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.