સમીસાંજના પહેરગીર ચીબરી અને ઘુવડ પર તોળાતુ સંકટ

અમદાવાદ,તા.24

પ્રકૃતિના વિવિધ પાસાઓ પૈકી પક્ષી જગત આપણી સૌથી નજીક છે. આપણુ ગુજરાત રાજય પક્ષી સંરક્ષમાં અગ્રેસર છે.  ખીજડીયા,થોળ, નળ સરોવર, પોરબંદર, કચ્છ ઘોરાડ અભયારણ્ય એમ પાંચ પક્ષી અભયારણ્યો ઘરાવતુ આપણું રાજય દેશમાં પક્ષી સંરક્ષણ ક્ષેત્રે વિશીષ્ટ મહત્વ ધરાવે છે. પક્ષીઓ અહી સાચા અર્થમાં નિર્ભય છે પરંતુ આ ઉજળી બાજુની એક કાળી બાજુ પણ છે. એક બાજુ જયારે માનવ વસ્તી વધી રહી છે ત્યારે  બેરોકટોક ચાલતી શિકાર જેવી પ્રવૃતિઓના કારણે ઘણી પક્ષી પ્રજાતિઓ પર સંકટ તોળાઈ રહ્યુ છે. વર્ષોથી સમીસાંજના પહેરગીર ગણાતા ઘુવડ અને ચિબરી જેવા નિશાચર પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે તેની પાછળ અંધશ્રધ્ધા, શિકાર જેવી પ્રવૃતિઓ જ છે. હાલ જયારે દિવાળીનો સમય હોય ત્યારે કેયલીક અંધશ્રધ્ધા અને માન્યતાને કારણે આ સમયમાં ઘુવડ અને ચિબરીનો સૌથી વધારે શિકાર થતો હોવાનુ સામે આવ્યુ છે જે ચિંતાજનક છે.

ચિબરીની ઓળખ

ચીબરી ઘુવડ વર્ગનું પક્ષી હોવા છતાં સંપૂર્ણ નિશાચર પક્ષી નથી. ચીબરી અંગ્રેજીમાં સ્પોટેડ આઉલેટ (Spotted Owlet) તરીકે ઓળખાય છે અને તેનું વૈજ્ઞાનિક નામ એથેન બ્રમા છે. ચીબરી નાના કદનું, મજબૂત, જાડું અને તગડું શરીર ધરાવતું ઘુવડ છે. તેના શરીરના ઉપલા ભાગો રાખોડી-ભૂરા રંગના અને તેમાં સફેદ રંગનાં ટપકાંઓ હોય છે. તેના શરીરના નીચેના ભાગો સફેદ રંગના અને તેમાં બ્રાઉન રંગની પટ્ટીઓ હોય છે. ચહેરાનો રંગ શરીરના રંગ કરતાં આછો અને આંખો મોટી અને પીળી હોય છે. ગળાની ફરતે નિસ્તેજ સફેદ રંગનો પટ્ટો આવેલ હોય છે. 

તેનો મુખ્ય ખોરાક નાના મોટા જીવ જંતુઓ, ગરોળીઓ, ઉંદરો અને નાના પક્ષીઓ છે. ચીબરી સંધ્યાકાળે દેખાતું પક્ષી છે, છતાં તે ક્યારેક તે દિવસના પણ જોવા મળે છે.

ગુજરાતમાં ચિબરીની ત્રણ જાત:

– ટપકાવાળી ચિબરી

– ડાંગી ચિબરી

– જંગલી ચિબરી 

નામની વિશીષ્ટતા

ચિબરીનું વૈજ્ઞાનિક નામ, એથેન બ્રમા ગ્રીક દેવી અને હિન્દુના દેવતા પરથી પડ્યું છે. એથેન શબ્દ  ‘ગ્રીક દેવીએથેના પરથી ઉતરી આવ્યું છે, જેના પરથી એથેન્સ શહેરનું નામ રાખવામાં આવ્યું હતું. જ્યારે બ્રમા એ હિન્દુ દેવતા બ્રહ્મા પરથી આવ્યું છે. હિન્દીમાં તેમનું નામ ખુસટછે જેનો અર્થ વૃદ્ધ માણસ થાય છે. તેનું આવું હિન્દી નામ વૃદ્ધ માણસ જેવી સફેદ દાઢી, સફેદ ફ્રેમના ચશ્મા અને ભૂરા કોટના કારણે પડ્યું છે.

ખેડૂત વર્ગને ઉપયોગી ચિબરી

ચિબરી અને ઘુવડ જેવા પક્ષીઓ ખેડૂતો માટે વરદાનરુપ છે.  ઉંદર, ખિસકોલી અને તીડના કારણે  પાકને મોટુ નુકશાન થાય છે. ઘુવડ અને ચિબરીનો આ ખોરાક હોવાથી તેઓ એક રીતે પાક રક્ષક તરીકે પણ કામ કરે છે

ચીબરીની સંખ્યામાં ઘટાડો

ચીબરીની સંખ્યા અંગે પક્ષી જાણકાર ભાનુભાઈ અધ્વર્યુ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે ચીબરીની ઘટતી સંખ્યા અંગે કોઈ નેટ આંકડો આપવો તો મુશ્કેલ છે પરંતુ હા એટલુ કહી શકાય કે ચીબરીની સંખ્યામાં વધારો નથી થયો.

શા કારણે ચીબરીની સંખ્યામાં ઘટાડો

ચિબરી અને ઘુવડ જેવા નિશાચર પક્ષી સાથે અનેક માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોડાયેલી છે. તાંત્રિક વિધી, મેલી વિધા અને અંધશ્રધ્ધાથી પ્રેરાઈને મોટા પ્રમાણમાં ચિબરી જેવા પક્ષીઓનો શિકાર કરવામાં આવે છે અને આ કારણે આ નિશાચર પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થાય છે.