સરકારનો આદેશ માનવા ગુજરાત યુનિવર્સિટીએ ઈન્કાર કરી દીધો

રાજયની તમામ યુનિવર્સિટીમાં  ચીફ એકાઉન્ટન્ટની જગ્યાઓ ભરવા સરકારે સૂચના આપી હોવા છતાં જગ્યાઓ ભરવા માટેની કામગીરી ન કરતાં છેવટે સરકારે  ડેપ્યુટેશન પર અધિકારીઓનો મુકવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે પણ મ્યુિસિપલ કોર્પોરેશનના અધિકારીની નિયુક્તિ કરી દેવામાં આવી છે. પણ ગુજરાત યુનિવર્સિટીએ સરકાર સામે બાંયો ચઢાવી છે અને સરકારનો આદેશ માનવાનો ઈન્કાર કરી દીધો છે. નાણાં વિભાગે આ નિયક્તિ આપવાની મંજૂરી આપી હતી.

ગુજરાત યુનિવર્સિટીએ આ અધિકારીને હાજર કરવાના બદલે ભરતી અંગેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેવો લેટર સરકારમાં મોકલી આપ્યો હતો. જીટીયુ પછી હવે ગુજરાત યુનિવર્સિટીએ પણ સરકારે નિયુક્ત કરેલા અધિકારીને સ્વીકારવા ઇન્કાર કરી દીધો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં ચીફ એકાઉન્ટન્ટની જગ્યા માટે કોઇ લાયક ઉમેદવારને નિયુક્ત કરવાના બદલે પોતાને અનુકુળ આવે તેવા ઇએમઆરસીના એક સામાન્ય સેક્શન ઓફીસરને સમગ્ર યુનિવર્સિટીનો રૂ.૨૦૦ કરોડથી વધારેનો વહીવટ સોંપી દીધો હતો. કુલપતિ અને યુનિવર્સિટી સત્તાધીશો રબર સ્ટેમ્પ ચીફ એકાઉન્ટન્ટ પાસે ધારે તે કામ કરાવીને મંજુરી પણ મેળવી લેતા હતા. માત્ર ગુજરાત યુનિવર્સિટી નહી પરંતુ અન્ય યુનિવર્સિટીઓએ પણ આજ પ્રકારની કામગીરી કરીને રબર સ્ટેમ્બર ચીફ એકાઉન્ટન્ટ અને રજિસ્ટ્રાર ગોઠવી દીધા હતા.