અમદાવાદ,તા:૧૩
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં તેજી થઈ હતી. સરકારી કંપનીઓની અને બેન્ક તેમ જ ઓટો શેરોની આગેવાનીએ શેરોમાં તેજી થઈ હતી. સતત બીજા દિવસે ઓઇલ અને ગેસ શેરોમાં તેજીની આગેકૂચ રહી હતી. જેથી ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ સાત સપ્તાહની ઊંચાઈએ બંધ રહ્યો હતો. ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં પણ નવી લેવાલીએ સુધારો થયો હતો. મિડકેપ શેરોમાં પણ નવી લેવાલીએ નોંધપાત્ર સુધારો થયો હતો. જેથી બીએસઈ સેન્સેક્સ 281 પોઈન્ટ વધીને 37,000ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 11,050ની સપાટી કુદાવીને 93.10 પોઇન્ટ વધીને 11,075.90ના મથાળે બંધ રહ્યો હતો. છેલ્લા એક કલાકના ટ્રેડિંગ સેશનમાં નવી લેવાલીએ શેરોમાં ઉછાળો આવ્યો હતો. ગણેશ ચતુર્થીની રજાને કારણે આ સપ્તાહે ચાર ટ્રેડિંગ સેશન રહ્યાં હતાં.
સરકાર એર ઇન્ડિયામાં 100 ટકા હિસ્સો વેચવા ધારે છે. આ ઉપરાંત બીપીસીએલમાં પણ હિસ્સો વેચવા કવાયત હાથ ધરાઈ છે, એમ નાણાં મંત્રાલયે કહ્યું હતું. આ સાથે ઘણા લાંબા સમયથી રાહ જોવાયેલો આઇઆરટીસીનો ઇશ્યુ નવરાત્રિના દિવસોમાં આવશે. સરકાર યેનકેનપ્રકારેણ જે સરકારી કંપનીઓ નુકસાન કરી રહી છે, એનામાં હિસ્સો વેચવા ધારે છે. જેથી સરકાર હવે એક્શનમાં આવી છે. જેથી સરકારી કંપનીઓના શેરોમાં નોંધપાત્ર સુધારો થયો હતો. બજાર જેથી સતત આઠમા શુક્રવારે વધીને બંધ આવ્યું હતું. સેન્સેક્સમાં નીચલા સ્તરેથી આશરે 400 પોઇન્ટનો સુધારો થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ નીચલા સ્તરેથી 130 પોઇન્ટનો સુધારો થયો હતો. આ ઉપરાંત બેન્ક નિફ્ટીમાં પણ નીચલા સ્તરેથી 525 પોઇન્ટનો સુધારો થયો હતો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી 208 પોઇન્ટનો સુધારો થયો હતો.
ઓઇલ માર્કેટિંગ કંપનીના શેરોમાં પણ નવી લેવાલીએ સુધારો થયો હતો. ઓટો, ઓઇલ અને ગેસ શેરો, ટાયર અને બેન્ક શેરોમાં જોરદાર તેજી થઈ હતી. જોકે ફાર્મા શેરોમાં નરમ વલણ રહ્યું હતું. ગઈ કાલે એફઆઇઆઇએ 783 કરોડની ખરીદદારી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાઓએ 127 કરોડની વેચવાલી કરી હતી. આ ઉપરાંત નિફ્ટી બેન્ક, ઓટો અને મેટલ ઇન્ડેક્સમાં એક ટકાનો વધારો થયો હતો.
સાપ્તાહિક રીતે જોઈએ તો સેન્સેક્સ 1.09 ટકા વધ્યો હતો તો નિફ્ટી50 ઇન્ડેક્સ 1.2 ટકા વધ્યો હતો. આ સાથે બેન્ક નિફ્ટી 3.09 ટકા, મેટલ ઇન્ડેક્સ 3.75 ટકા, ઓટો ઇન્ડેક્સ 3.07 ટકા અને મિડકેપ 2.03 ટકા વધ્યો હતો. આ સાથે રિયલ્ટી ઇન્ડેક્સ 5.1 ટકા અને પીએસયુ ઇન્ડેક્સ 5.4 ટકાના મથાળે બંધ રહ્યા હતા.
મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 26 શેરોમાં તેજી થઈ હતી અને એનએસઈના નિફ્ટી50 ઇન્ડેક્સમાં 50માંથી 42 શેરોમાં તેજી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 1823 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1028 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 1361 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 823 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ નવ શેરો વધીને સાથે બંધ થયા હતા.
ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ સાત સપ્તાહની ઊંચાઈએ
ઓઇલ અને ગેસ શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે તેજી જોવા મળી હતી. જેથી ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ 363 પોઇન્ટ ઊછળીને 13,639.34ના મથાળે બંધ રહ્યો હતો. બીપીસીએલ 6.42 ટકા, આઇઓસી 4.50 ટકા, હિન્દ પેટ્રો 3.22 ટકા, ગેઇલ 2.62 ટકા, ઓએનજીસી 2.34 ટકા અને પેટ્રોનેટ 1.31 ટકા વધ્યો હતો.
ઓટો, એફએમસીજીના જીએસટીના દરમાં ઘટાડાની સંભાવના
જીએસટી કાઉન્સિલની 20 સપ્ટેમ્બરની બેઠકમાં ઓટોમોબાઇલ, બિસ્કિટ્સ અને અન્ય એફએમસીજી સેક્ટરના ટેક્સમાં ઘટાડો કરવાના મુદ્દે ચર્ચા કરે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાઉન્સિલ પાંચ ટકાના સૌથી નીચા ટેક્સ સ્લેબને વધારી 8 ટકા કરવાની પણ ચર્ચા કરી શકે. આ સાથે વૃદ્ધિને વેગ આપવાના ભાગરૂપે જીએસટી માળખામાં ફેરફારની પણ શક્યતા છે.
આ ઉપરાંત ઓટોમોબાઇલ સેક્ટરના વ્યાજદરમાં ઘટાડાથી આવક પર સંભવિત અસરની ચર્ચા થઈ હતી. હવે આગામી સપ્તાહે ગોવામાં મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાશે.
ઓટો સેક્ટરે પેસેન્જર વેહિકલ્સનો ટેક્સ 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવાની માંગણી કરી છે. ઓટો સેક્ટર પર જીએસટી ઉપરાંત, 1થી 2 ટકાની રેન્જમાં કોમ્પેનસેશન સેસ પણ લાગુ પડે છે.
બેન્ક ધિરાણવૃદ્ધિ ઘટીને 10.24 ટકા
ઓગસ્ટના છેલ્લા પખવાડિયામાં બેન્ક થાપણ અને ધિરાણવૃદ્ધિનો દર ઘટીને અનુક્રમે 10.24 ટકા અને 9.73 ટકા થયો હતો. આ ગાળમાં બેન્ક થાપણ રૂ. 96.80 લાખ કરોડની અને ધિરાણ રૂ. 127.80 લાખ કરોડનું હતું એમ રિઝર્વ બેન્કના આંકડા દર્શાવે છે.
વર્ષ અગાઉના સમાન સમયગાળામાં એ રૂ. 87.80 લાખ કરોડ હતી, જ્યારે થાપણ ₹116.46 લાખ કરોડ હતી. 16મી ઓગસ્ટના રોજ અગાઉના પખવાડિયામાં ધિરાણ 11.64 ટકાના દરે વધીને રૂ. 96.82 લાખ કરોડ અને થાપણ 10.15 ટકાના દરે વધીને રૂ. 126.80 લાખ કરોડ થયું હતું.
સર્વિસિસ સેક્ટરના ધિરાણ વર્ષ અગાઉના સમાન સમયગાળાના 23 ટકાથી ઘટીને 15.2 ટકા થયું હતું. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓનું ધિરાણ વધીને 6.8 ટકા થયું હતું, જે અગાઉના સમાન સમયગાળામાં 6.6 ટકા હતું. ઉદ્યોગને અપાતી લોન જુલાઈના અંતે વધીને 6.1 ટકા થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાના અંતે 0.3 ટકા હતી. જુલાઈમાં પર્સનલ લોનનું પ્રમાણ વધીને 17 ટકા થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાના અંતે 16.7 ટકા હતું.