અમદાવાદ, તા. 27
તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 1984માં હત્યા કરાઈ હતી. ત્યારબાદ દેશભરમાં ફાટી નીકળેલા રમખાણોમાં અમદાવાદ શહેરમાં પણ અનેક શીખ કુટુંબોને ભારે નુકશાન ઉઠાવવું પડ્યું હતું. આ પૈકીના કેટલાંક પીડિતોએ ગુજરાતની વડી અદાલત સમક્ષ અપીલ કરી છે. આ અપીલમાં તેમને વળતર ચૂકવવાની માગણી કરવામાં આવી છે. આ મામલે અગાઉ સિંગલ જજે તેમની અરજી રદ્દ કરતાં તે આદેશની સામે તેમણે અપીલ દાખલ કરી છે. જેમાં એવી માગણી કરાઈ છે કે, વળતર એ તેમનો કાયદાકીય અધિકાર છે, તેથી સરકાર તેમને એક રૂપિયો તો એક રૂપિયો પણ વળતર આપે અને ન્યાય કરે. આ અપીલની સુનાવણી વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠ સમક્ષ દિવાળી વેકેશન બાદ હાથ ધરાશે.
આ કેસની વિગતો એવી છે કે, ફાટી નીકળેલા તોફાનોમાં શીખ સમુદાયને નિશાન બનાવાયા હતા અને તેમને જાનમાલનું ભારે નુકશાન થયું હતું. શહેરમાં રહેતા શીખ પરિવારોને પણ તોફાનોમાં નુકશાન ઉઠાવવું પડ્યું હતું. આ પરિવારોને દુકાનો, ઓફિસ અને મકાનોનું નુકશાન થયું હતું. કેટલાંક પરિવારોના કારખાના પણ બળી ગયા હતા. તોફાનો બાદ તેઓ પરિવારની સુરક્ષા માટે પંજાબ અને હરિયાણા ચાલ્યા ગયા હતા. ત્યારબાદ પરત ફર્યા તો તેમને થયેલા નુકશાનના બદલે કાયદાકીય વળતર મેળવવા માટે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરી હતી. જેમાં કોઈ નિર્ણય નહિ આવતા વર્ષ 2012માં શીખ અરજદારોએ વડી અદાલત સમક્ષ જાહેરહિતની અરજી કરી હતી અને સરકારની યોજના મુજબ વળતરની ચૂકવણીની દાદ માંગી હતી. હાઇકોર્ટે સિવિલ કોર્ટમાં અરજી કરવાનું કહેતાં અરજદારોએ સિવિલ કોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2015માં કરવામાં આવેલી અરજી પણ હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કરી હતી.
અરજદારોએ અરજીમાં રજૂઆત કરી હતી કે, તેમની પ્રોપર્ટીને જે નુકશાન થયું છે તે અંગેની પોલીસ ફરિયાદ, પંચનામું અને ફાયર વિભાગના જરૂરી સર્ટિફિકેટ્સ વગેરે તમામ પુરાવા હોવા છતાંય તેમને યોગ્ય ન્યાય મળ્યો નથી. તેથી હવે તેમણે એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે.
એડવોકેટ ધર્મેશના જણાવ્યા પ્રમાણે, આ અરજદારો સુખી અને સમૃદ્ધ કુટુંબના છે. તેઓ રાજ્ય પાસેથી કોઈ વિશેષ પ્રકારની નાણાકીય રાહતની માંગ કરતાં નથી. પરંતુ તેઓ ન્યાય ઝંખે છે. 1984થી આજ સુધી તેમણે જે વેદના સહન કરી છે તેનો ન્યાય તેઓ ઈચ્છે છે. તેમની માંગ છે કે સરકાર માત્ર એક રૂપિયો પણ ચૂકવશે તો તેમને ન્યાય મળ્યાનું જણાશે. આ કેસની સુનાવણી દિવાળી વેકેશન બાદ હાથ ધરવામાં આવશે.