સરકાર સામે આંગણવાડી કાર્યકરોના ગંભીર આક્ષેપો

આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે સરકાર સામે એક પછી એક નવા નવા પડકારો ઊભા થઈ રહ્યાં છે. ત્યારે હવે પોતાની પડતર માંગણીઓને લઈ આંગણવાડી કાર્યકરોએ સરકાર સામે બાંયો ચડાવી છે.
ડીસા શહેરના સાંઈબાબા મંદિરમાં એકત્રિત થઈને સરકાર સામે નારેબાજી કરી રહેલી આ મહિલાઓ છે આંગણવાડી કાર્યકર મહિલાઓ. આ મહિલાઓ અત્યારે ઉગ્ર રોષમાં જોવા મળી રહી છે અને તેમના રોષનું કારણ છે સરકારની નીતિઓ. સરકાર દ્વારા કુપોષણ સામે લડવા માટે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તે પ્રયાસોમાં સરકાર આંગણવાડી કાર્યકરોનો ભોગ લેતી હોય તેવું આ મહિલાઓ જણાવી રહી છે. આંગણવાડી મહિલાઓના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા બાળકોને જે મેનુ પ્રમાણે ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, તે ડિસેમ્બર ૨૦૧૭થી અત્યાર સુધી આંગણવાડીની મહિલા કાર્યકરોએ પોતાના સ્વ ખર્ચે લાવીને આપ્યું છે અને તેના બિલો પણ સંબંધિત અધિકારીઓને આપી દેવામાં આવ્યા હોવા છતાં તેમના બિલોને હજુ સુધી મંજૂર કરવામાં આવ્યા નથી. ત્યારે માનદ્ વેતન પર નાના બાળકોનું ભરણ પોષણ કરતી આંગણવાડી કાર્યકરોના બિલો અટકાવી રાખવા પાછળની આ સરકારી બાબુઓની મંશા પર સવાલ ઊભા થયા છે. કયાં કારણોસર આ અધિકારીઓ કાયદેસરના બિલો મંજૂર કરવામાં ગલ્લાં તલ્લાં કરી રહ્યાં છે? ત્યારે આજે આ સળગતા પ્રશ્નને લઈ ડીસાની લગભગ ૧૦૦ જેટલી આંગણવાડી કાર્યકર મહિલાઓ ડીસાના સાંઈબાબા મંદિર ખાતે એકત્રિત થઈ હતી.
ગરીબ અને લાચાર અને માનદ સેવા આપતી આંગણવાડી કાર્યકરોના ખિસ્સા ખર્ચમાંથી ચૂકવાયેલા નાણાની ચુકવણીમાં પણ જો સરકારી અધિકારીઓ ગલ્લાં તલ્લાં કરતાં હોય તો તે ખૂબ જ શરમ જનક બાબત છે. ત્યારે આ આંગણવાડી કાર્યકર મહિલાઓના હિતને લઈ મેદાને ઉતરેલા ગુજરાત પ્રદેશ આંગણવાડી કર્મચારી સભાના પ્રમુખ ચંપાબહેન પરમારે પણ સરકાર સમક્ષ આકરા શબ્દોમાં ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું છે કે જો સરકાર દ્વારા તેમને ન્યાય આપવામાં નહી આવે તો આગામી ચૂંટણીઓમાં સરકારને તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે..!
આંગણવાડી કાર્યકર મહિલાઓ અત્યારે સરકાર સામે રોષે ભરાયેલી છે અને સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારી છે કે સરકારી બાબુઓ દ્વારા થતા તેમના આર્થિક શોષણને અટકાવવામાં નહી આવે તો સરકારને તેના ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર પણ રહેવું પડશે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે શું સરકાર આ આંગણવાડી કાર્યકરોને ન્યાય અપાવશે કે પછી આગામી ચૂંટણીમાં આંગણવાડી કાર્યકર મહિલાઓ સરકારને તેના પરિણામો દર્શાવશે…?