સરકાર સામે લડવા હીરા ઉદ્યોગનું ફેડરેશન બનશે 

સુરત ડાયમંડ એસોસિએશન ખાતે રાજયભરની ડાયમંડ સાથે સંકળાયેલી સંસ્‍થાઓના અગ્રણીઓની એક બેઠક મળી હતી. રાજયસ્‍તરના ગુજરાત ડાયમંડ ફેડરેશનની રચના કરવાનું 8 વર્ષ બાદ ફરી એક વખથ નક્કી કર્યું હતું. એકજૂથ થઈને સરકારમાં રજૂઆત થઈ શકે તો માટે ફેડરેશન બનાવવા વિચારણા શરૂ કરાઈ હતી. ફરી મિટીંગ મળશે ત્‍યારબાદ ફેડરેશન તૈયાર કરવા આખરી નિર્ણય લેવામાં આવશે. 2001થી નવી સરકાર આવી ત્યારથી હીરા ઉદ્યોગના વેપારીઓનું નાક દબાવી કોઈ સંગઠન બનવા દેવામાં આવ્યું ન હતું.

હાલ, જીએસટીના રીફંડ, ઉઠમણા અને સિન્‍થેટીક ડાયમંડની ભેળસેળની સમસ્‍યાથી પીડાઈ રહેલા હીરાઉદ્યોગની મજબુત રજૂઆત કરી શકે એવું રાજયસ્‍તરનું કોઈ સંગઠન નહીં હોય ફરી એકવાર ગુજરાત ડાયમંડ ફેડરેશનની રચના કરવાની હિલચાલ શરૂ થઈ છે. સુરત ડાયમંડ એસોસિએશન ખાતે રાજયના વિવિધ ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓની બેઠકમાં ગુજરાત ડાયમંડ ફેડરેશન બનાવવા ચર્ચા થઈ હતી.

છેલ્‍લા કેટલાય સમયથી સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગમાં ઉઠમણાનું પ્રમાણ વઘ્‍યું છે. આ ઉપરાંત એન્‍ટવર્પ, મુંબઈ સહિત વૈશ્‍વિક બજારમાં પણ હીરાના વેપારીઓ સાથે કરોડોની છેતરપીંડી થઈ છે. જેના લીધે સમગ્ર ઉદ્યોગમાં આર્થિક વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે. બીજી તરફ સિન્‍થેટીક ડાયમંડ બજારમાં મોટી ડાયમંડ માઈનીંગ કંપનીઓએ પ્રવેશ કરતા રીઅલ ડાયમંડમાં ભેળસેળ થઈ શકે છે. યુ.એસ. ટ્રેડ કાઉન્‍સિલે સિન્‍થેટીક અને રીઅલ માટે એક જ શબ્‍દ ઉચ્‍ચારવા ભલામણ કરી છે. જે મોટી મુશ્કેલી છે. જેનો કોઈ ઉકેલ હજુ આવ્‍યો નથી. જીએસટીના કારણે સ્‍થાનિક હીરા ઉદ્યોગકારોનું કરોડો રૂપિયાનું રીફંડ અટકી પડયું છે. હીરા ઉદ્યોગની એક ડઝનથી વધુ સમસ્‍યાઓનો ઉકેલ આવ્‍યો નથી. આ બધા પ્રશ્નોના નિકાલ માટે આ સંસ્થા કામ કરશે. તેમ અમદાવાદના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાને જણાવ્યું હતું.