સરખેજમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ,કુલ બાવન સ્થળો પાણીમાં ગરકાવ

અમદાવાદ,તા.૨૭
શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ બે ઈંચ વરસાદ થયો છે.ગુરુવારે રાત્રિના સમયે ખાબકેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ સરખેજમાં ૧૦૩ મી.મી.વરસ્યો હતો.શહેરમં ગત રાત્રિના સમયે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકાની સાથે સમગ્ર અમદાવાદ શહેરમાં ખાબકેલા વરસાદને પગલે શહેરમાં કુલ મળીને બાવન સ્થળોએ વરસાદી પાણી ભરાવા પામ્યા હતા.દસ જેટલા વૃક્ષો ધરાશાયી બન્યા હતા.ત્રણ ભયજનક મકાનોની ફરીયાદ તંત્રને મળી હતી.શહેરમાં આ સીઝનમાં હવે ૩૨ ઈંચ ઉપરનો વરસાદ થઈ ગયો છે.

અમદાવાદ શહેરમા ગત મોડીરાતે દરેક વિસ્તારમાં પડેલા ભારે ગાજવીજ સાથેના વરસાદને પગલે શહેરના મધ્યથી લઈને પૂર્વ અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધીના તમામ વિસ્તારોમાં લોકોના જીવ પડીકે બંધાઈ જવા પામ્યા હતા.આ તરફ તંત્ર પણ દોડતું થઈ જવા પામ્યુ હતુ.શહેરમાં ૨૬ સપ્ટેમ્બરના ચાર થી ૨૭ સપ્ટેમ્બરના બપોરના ચાર કલાક સુધીમાં સરખેજ વિસ્તારમાં સૌથી વધુ ચાર ઈંચ ઉપરાંત વરસાદ વરસ્યો છે.શહેરમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચારદક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ત્રણ અને પશ્ચિમઝોનમાં ત્રણ એમ કુલ મળીને દસ વૃક્ષો ધરાશાયી બન્યા છે.ઉપરાંત શહેરના મધ્યઝોન માં એક,પશ્ચિમ ઝોનમાં બે એમ મળીને કુલ ત્રણ ફરીયાદો ભયજનક મકાનની મળી છે.શહેરના પશ્ચિમ ઝોનમાં એક ભુવો પડવા પામ્યો છે.૨૪ કલાકમાં શહેરના પુર્વઝોનમાં ૧૫.૩૪ મી.મી.,પશ્ચિમ ઝોનમાં ૫૩.૧૪ મી.મી.,નોર્થ-વેસ્ટમાં ૬૧.૨૫ મી.મી.,મધ્યઝોનમાં ૪૯.૫૦ મી.મી.,ઉત્તરઝોનમાં ૪૫.૪૯ મી.મી.,દક્ષિણઝોનમાં ૩૨.૭૯ મી.મી મળી સરેરાશ  ૫૨.૪૩ મી.મી.વરસાદ થયો છે.મોસમનો કુલ વરસાદ ૮૧૫.૩૪ મી.મી.(૩૨.૧૦ ઈંચ)થયો છે.વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૨૮.૭૫ ફૂટ છે.નર્મદા મુખ્ય કેનાલમાંથી ૨૬૦૬ કયુસેક પાણીની આવક છે.નદીમાં ૨૩૬૮ કયુસેક પાણીની આવક છે. વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યાં હતાં.

૪ કલાકમાં કયાં-કેટલો વરસાદ..

સરખેજ ૧૦૩.૦૦
બોડકદેવ ૫૬.૫૦
ગોતા ૪૭.૦૦
ચાંદખેડા ૫૭.૫૦
ઉસ્માનપુરા ૫૫.૫૦
રાણીપ   ૫૦.૫૦
પાલડી  ૩૧.૫૦
દુધેશ્વર      ૬૩.૫૦
દાણાપીઠ ૨૪.૦૦
મેમ્કો       ૩૫.૦૦
કોતરપુર ૩૩.૫૦
નરોડા ૨૭.૫૦
વટવા ૨૪.૦૮
મણિનગર ૨૨.૫૦

પાણી કયાં ભરાયા..

મધ્યઝોનમાં છ,પશ્ચિમઝોનમાં ૧૭,ઉત્તર-પશ્ચિમમાં પાંચ,દક્ષિણ-પશ્ચિમમાં છ,ઉત્તરઝોનમાં ૧૫,અને દક્ષિણઝોનમાં ત્રણ સ્થળોએ વરસાદી પાણી ભરાઇ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.