સરદારની 2098 કરોડની પ્રતિમાની યોજના 10000 કરોડ પર પહોંચશે

અમદાવાદ, તા.03
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે, જે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી બનાવાઈ હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જો કે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે માત્ર એક માણસની ઘેલછાના કારણે જ સમગ્ર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેના માટે રૂ.3500 કરોડ સિંચાઈ માટેના મહત્ત્વના ગણાતા સરદાર સરોવરના બજેટમાંથી ટૂરિઝમ માટે ફાળવવામાં આવ્યા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વાત કરીએ તો આ પ્રોજેક્ટ ખર્ચ પીપીપી મોડલ દ્વારા રૂ.2098 કરોડના ખર્ચે આકાર પામવાનો હતો, જે પ્રોજેક્ટ પૂર્ણ થવા સુધીમાં રૂ.9 હજાર કરોડે પહોંચી ગયો છે. કેગના રિપોર્ટ પ્રમાણે ઓઈલ કંપનીઓ અને અન્ય કંપનીઓ પાસેથી પણ આ પ્રોજેક્ટ માટે રૂ.3 હજાર કરોડ ગેરકાયદે ખંખેરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નર્મદા યોજનાના બજેટમાંથી રૂ.3500 કરોડ ટૂરિઝમ વિભાગને ફાળવવામાં આવ્યા હતા. તો બીજી તરફ કેન્દ્ર સરકાર પાસેથી પણ રૂ.2500 કરોડ આ પ્રોજેક્ટ માટે ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી. આમ રૂ.2098 કરોડનો ગણાતો આખો પ્રોજેક્ટ પૂર્ણ થવા સુધીમાં રૂ.9 હજાર કરોડ કરતાં વધારેનો થઈ ગયો છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની અન્ય 12 યોજનાઓ પૂર્ણ થતા સુધીમાં આ આંકડો 10,000 કરોડને આંબી જશે એવી શક્યતા છે. બીજી તરફ ખેડૂતોને સિંચાઈના પાણી પૂરા પાડવા માટે નહેરો બનાવવાની મૂળભૂત યોજનાના સરકાર પાસે પૈસા નથી.

આ પ્રોજેક્ટના કારણે કેવડિયા ખાતેના આદિવાસીઓને પણ મોટી અસર પહોંચી છે, જેમને હજુસુધી કોઈપણ જાતની સહાય કે નોકરી આપવામાં આવી નથી, કે તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવામાં આવ્યું નથી. પાણીનું મેનેજમેન્ટ ટૂરિઝમ માટે કરવામાં આવે છે, પરંતુ કેનાલોનો નિભાવ નર્મદા વિભાગમાં અટવાઈને પડ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને પૂર્વમંત્રી પ્રવીણસિંહ જાડેજા ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લીધે તકલીફ ભોગવી રહેલા આદિવાસીઓએ પ્રોજેક્ટના લીધે સરકારે યાતના આપી હોવા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે, નર્મદા માટે ફાળવવાનાં નાણાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ફાળવાયાં છે. નર્મદા નિગમનું કામ માત્ર સિંચાઈ પૂરતું હોવા છતાં પ્રવાસન માટેનું કામ નિગમને સોંપી દેવાયું હતું. તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતો અને સિંચાઈના ભોગે આ પ્રોજેક્ટ બનાવાયો છે. એક વ્યક્તિની ઘેલછામાં કે વિશ્વમાં કોઈએ ના કર્યું હોય તેવું કામ કરીને ઈતિહાસ રચવા માટે આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. પ્રોજેક્ટના લીધે સ્થાનિક આદિવાસીઓ ઘરવિહોણા બનવાની સાથે રોજગાર વિનાના પણ થઈ ગયા છે. આ ઉપરાંત આદિવાસીઓની ધાર્મિક લાગણીઓ દુભાવી રીત-રિવાજો અને સંસ્કૃતિ પણ ખતમ થઈ રહી છે.

સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઊભું કરવા લોખંડ ઉઘરાવી ખાસ વ્યવસ્થા કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ એકતા ટ્રસ્ટની રચના મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને કરી હતી. આ પ્રોજેક્ટ માટે સરકારે દેશભરમાંથી લાખો ખેડૂતો પાસેથી ૧૮,પ૦૦ ટન લોખંડનો ભંગાર ઉઘરાવવા દેશભરમાં ૩૬ સેન્ટર ઊભાં કર્યાં હતાં. જો કે આ સેન્ટર્સ પર લોખંડનો કેટલો ભંગાર આવ્યો, તેનાથી કેટલાં નાણાં ઊપજ્યાં તે અંગેનો આંકડો સરકાર દ્વારા અપાયો નથી.

અસરગ્રસ્તોના જણાવ્યા પ્રમાણે, ‘અમે જમીનો નર્મદા ડેમ માટે આપી હતી, પરંતુ અમારી જમીનોનો ઉપયોગ પ્રવાસન ઉદ્યોગ માટે થઈ રહ્યો છે. ૧૯ ગામની જમીન સંપાદન કરાઈ હતી, જેનું વળતર મળ્યું જ નથી. ઉપરાંત જ્યારથી નર્મદા ડેમની ઊંચાઈ વધારી છે ત્યારથી નર્મદામાં પાણી આવતું ન હોવાથી મત્સ્યોદ્યોગ નામશેષ થઈ ગયો છે. નર્મદાના એક્ટિવિસ્ટના જણાવ્યા પ્રમાણે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી આદિવાસીઓ માટે વિનાશકારી યોજના છે. સ્થાનિકોને માત્ર ચોકીદારી અને સફાઈકામ કરવા માટે પ્રોજેક્ટમાં સ્થાન મળશે. નર્મદા જિલ્લો શિક્ષણ અને સ્વાસ્થ્યમાં ઘણો પાછળ છે તેના માટે સરકાર દ્વારા મહત્ત્વનાં કોઈ પગલાં લેવાતાં નથી, બસ અમારી જમીન અને રોજગાર પર જ તરાપ મારી છે.