સરસ્વતીના ધામમાં ગોળખધંધા ! અમદાવાદની અંકુર સ્કૂલમાં ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ, 6ની ધરપકડ

અમદાવાદ,13

શહેરમાં વધુ એક ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, નવાઇની વાત તો એ છે કે હવે સ્કૂલમાં પણ કૌભાંડીઓ આવા ગોળખધંધા કરી રહ્યાં છે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં દરોડા કરતા વિરાજ દેસાઇ, મોનુ ઓઝા, મંથન ખટીક, રોહિતસિંઘ ભાટી, પ્રદિપ ચૌહાણ અને અજીત ચૌહાણ બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં હતા, આ શખ્સો પાસેથી 7 મોબાઇલ, કોમ્પ્યુટર અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

વિરાજ દેસાઇ નામનો જે શખ્સ મુખ્ય આરોપી છે, તે સ્કૂલના પૂર્વ ટ્રસ્ટીનો પૌત્ર છે અને તેના પિતા ભાજપ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે, આરોપીઓ રાત્રીના સમયે સ્કૂલમાં ઉભા કરાયેલા બોગસ કોલ સેન્ટરમાંથી અમેરિકી નાગરિકોને કોલ કરતા હતા અને લોનની લાલચ આપીને પ્રોસેસિંગ ફી તથા પ્રીમિયમના નામે ડોલર પડાવી લેતા હતા, અત્યાર સુધી આ શખ્સોએ અનેક વિદેશી નાગરિકો સાથે લાખો ડોલરની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે, આ શખ્સો દ્વારા સિક્યુરીટી ગાર્ડને થોડા રૂપિયા આપીને સ્કૂલમાં પ્રવેશ મેળવી લેવાતો હતો, રાતના સમયે વિદેશી નાગરિકોને છેતરવાનું કામ થતુ હતુ.

શિક્ષણના ધામમાં આવા કૌભાંડો સામે આવ્યાં પછી શિક્ષણ વિભાગે પણ કડક કાર્યવાહીના સંકેત આપ્યાં હતા, ડીઇઓ આર.સી.પટેલે જણાવ્યું છે કે જો આ બોગસ કોલ સેન્ટરમાં સ્કૂલના સંચાલકોની કોઇ ભૂમિકા હશે તો સ્કૂલની માન્યતા રદ્દ કરી દેવામાં આવશે.