સરસ્વતી નદીમાં તંત્રની બેદરકારીથી ગટરના પાણીમાં તર્પણ કરવું પડે તેવી સ્થિતિ

સિધ્ધપુર, તા.૧૦
સિદ્ધપુરની પવિત્ર કુંવારીકા નદીમાં કાર્તિકી પૂર્ણિમાએ ભવ્યાતિ ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં સરસ્વતી નદીમાં અર્પણ-તર્પણ અને સમર્પણનું વિશેષ મહત્વ હોવાથી અહીં લાખ્ખો શ્રદ્ધાળુઓ તર્પણ માટે આવે છે, ત્યારે હાલમાં તંત્રના પાપે નદીમાં ખુલ્લેઆમ દુષિત તેમજ ગટરનું ગંદુ પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. જેને લીધે તર્પણ કરવા આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ રહી છે.

એક બાજુ રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે ચેકડેમ બનાવી ખોરસમ પાઇપ લાઈન દ્વારા સરસ્વતી નદીમાં નર્મદાના નીર ભરવાનો પ્રોજેક્ટ વિકસાવવ્યો છે, ત્યારે બીજી તરફ તંત્રના પાપે ખુલ્લેઆમ નદીમાં ગટરની ગંદકી ફેલાવાઈ રહી છે. સિદ્ધપુરની પાસવાદળની પોળ, રુદ્રમહાલયનાં પાછળના ભાગે આવેલ દરવાજે તેમજ ચાટાવાડા ગામેથી ખુલ્લેઆમ ગટરનું પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે. જેના કારણે સરસ્વતી નદીમાં સ્નાન કરવાની વાત તો દૂર રહી પરંતુ તર્પણ કરવા આવતા શ્રદ્ધાળુઓની પણ લાગણી દુભાઈ રહી છે ત્યારે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તો સરસ્વતી નદીને પ્રદુષિત થતી અટકાવી શકાય.