સવારથી જ પોલીસે વાહનચાલકો પાસે દંડ વસૂલ કરવાનું શરૂ કરતાં વાહનચાલકોમાં કચવાટ

રાજકોટ તા. ૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નવા મોટર વ્હીકલ એકટની જોગવાઇ અનુસાર આજથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની શરૂઆત પોલીસ અને ટ્રાફિક બ્રાંચે કરી દીધી છે. ટ્રાફિક  પોલીસે પ્રારંભ જ સરકારી કચેરીઓ ઉપરથી કર્યો છ.  પોલીસ કમિશનર કચેરી, રૂરલ એસપી કચેરી, મામલતદાર ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ તથા ઝોન ઓફિસો જેવી કચેરીઓના દરવાજા ઉપર જ  ટ્રાફિક પોલીસની ટીમોએ તપાસ  શરૂ કરી હતી અને હેલ્મેટ વગર આવતાં સરકારી કર્મચારી તથા બીજા કામ માટે  આવતાં વાહન ચાલકોને દંડ ફટકાર્યા હતાં. અનેક પોલીસ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ ટ્રાફિક પોલીસની ઝપટે ચઢી ગયાં હતાં. તેમજ  દંડ ભરવો પડ્યો હતો. આ ઉપરાંત શહેરમાં અલગ-અલગ પોલીસ મથકો દ્વારા ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં અનેક વાહન ચાલકો દંડાયા હતાં.મનેકમને વાહન ચાલકો હેલ્મેટ પહેરીને નીકળ્યા હતા. મોટા ભાગના વાહન ચાલકોએ શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો છે. પણ દંડના ડરથી હેલ્મેટ પહેરી હોવાના ચહેરા પર ભાવ સ્પષ્ટ વરતાતા હતાં.  અગાઉ નવા કાયદાનો અમલ શરૂ થયો ત્યારે હેલ્મેટ, પીયુસીના મુદ્દે રાજ્ય સરકારે ૩૧ ઓકટોબર સુધીની છુટછાટ આપી હતી. આ મુદ્દત પુરી થતાં જ પોલીસ દંડ વસુલવા રસ્તા ઉપર આવી ગઇ છે. શહેરમાં સવારે મવડી મેઇન રોડ પર માલવીયાનગર પોલીસ ટીમ મેઇન રોડ પર ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા અને હેલ્મેટ વગર નીકળતાં વાહન ચાલકો પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી કરવા ગોઠવાઇ ગયા હતાં. આ ઉપરાંત રેસકોર્ષ રીંગ રોડ પર મહિલા પોલીસ મથકની ટીમોએ પણ હેલ્મેટ વગર નીકળેલા ટુવ્હીલર ચાલકોને અટકાવી દંડ ફટકાર્યો હતો. જે ટુવ્હીલર ચાલકો હેલ્મેટ વગર નીકળ્યા હતાં તેમને અટકાવી રૂ. ૫૦૦નો દંડ ફટકારાયો હતો. જેની પાસે રોકડ રકમ ન હોય તેના વાહનના ફોટા મોબાઇલથી પાડી લેવાયા હતાં. આવા વાહન ચાલકોને ઇ-મેમો ઘરે મળશે. હેલ્મેટ શહેરમાં જરૂરી જ ન હોવાનો મત મોટા ભાગના વાહન ચાલકોનો છે.