સસ્તા વ્યાજે લોન અપાવવાની લાલચ આપી 70 કરોડની જમીનના બાનાખત કરાવી લીધા

પાટણ, તા. 09 

પાટણના નામાંકિત પ્રોપર્ટી ડેવલોપર અને એમ.કે.શૈક્ષણિક સંકુલના સંચાલક મુકેશ પટેલ સાથે જૂનાગઢના પાંચ શખ્સોએ અમદાવાદના શાહીબાગના બીએપીએસ સ્વામીનારાયણ મંદીર સંસ્થામાંથી ઓછા વ્યાજની રૂ. 40 કરોડની લોન કરાવવા ખાતરી આપી પાટણ ખાતેની તેમની આશરે રૂ. 70 કરોડની જમીનના બાનાખત કરાવી ઠગાઇ કિસ્સો બહાર આવ્યો છે.

ઓછા વ્યાજે લોનની ખાત્રી

શહેરના બિલ્ડર, એમ કે શિક્ષણ સંકૂલના વડા એવા મુકેશ ખેમચંદદાસ પટેલ તાલુકાના હનુમાનપુરા ખાતે આવેલી જમીનમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બનાવવા માગતા હતા. આ માટે તેમને પાટણના વતની અને ગાંધીનગરમાં રહેતા ભાવિક અને દીપાલીબેને બીએપીએસ સ્વામીનારાયણ મંદીર શાહીબાગ અમદાવાદના ટ્રસ્ટ માંથી ઓછા વ્યાજે લોન અપાવવાની ખાત્રી આપી પ્રોપર્ટીના પેપર માગ્યા હતા. જૂનાગઢના દેવાયતે કાગળો જોઇને 90 પૈસા વ્યાજથી 40 કરોડનું ધિરાણ અપાવીશું એવું કહ્યું હતું. આ માટે પાટણની 36 વિઘા જમીન રૂ.30 કરોડ, માતરવાડી પાટણની બે સર્વે નંબરની જમીન રૂ. 40 કરોડ બાનાખત કરી આપી હતી.

બેંક અકાઉન્ટમાં પૈસા જમા ન થયા   

આ એમઓયુના અવેજ પેટે અતુલ મેવાડાએ એચડીએફસી બેંકના ચાર ચેક બે-બે લાખના લખી આપ્યા હતા. જેમાં તેઓની સહીઓ બરાબર છે કે કેમ તેમ જણાવી પાછા લઇ લીધા હતા. તેમજ 4 કરોડ રૂપિયા હૈદરાબાદથી દાનમાં આવવાના છે જે સીધેસીધા એમ.કે.ઇન્ફ્રાસ્ટ્રકચરના બેંક એકાઉન્ટમાં જમા કરાવાશે તેમ દિપેશે કહ્યું હતું અને બાકીના ધીરાણની રકમ રૂ. 36 કરોડ શાહીબાગ સ્વામીનારાયણ મંદિરે આવી લીગલ પ્રોસીજર પૂરી કરી મેળવી લેવાનું જણાવી નિકળી ગયા હતા. પણ તે પછી મોડા સુધી બેંક એકાઉન્ટમાં આરટીજીએસથી 4 કરોડ જમા ન થતાં દિપેશ અને દેવાયતને મોબાઇલ ફોન પર કોન્ટેકટ કરતાં સ્વીચ ઓફ આવતા હોઇ શંકા જતાં મુકેશ તેની પત્ની અને દિપાલીબેન શાહીબાગ સ્વામીનારાયણ મંદીરે જતાં કોઠારી સ્વામીએ આવા કોઇ ઇસમો તેમની સંસ્થામાં કામ કરતા નથી કે તેમની સંસ્થા કોઇ ધિરાણ આપતી નથી તેવી સ્પષ્ટ વાત કરતાં છેતરપીંડી થયાનું જણાયું હતું.

 

બાનાખત રદ કરવા માટે મિલકત કિમતના 10 ટકા માગ્યા

પાટણ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં સર્ચ કરતાં આ દેવાયત નિલેશ રાજગોર પાટણ સાથે ફેસબુક પર સંપર્ક ધરાવતા હોઇ નિલેષને વાત કરી તેઓ પાસે વાત ફોન કરાવતાં બાનાખત રદ કરવા માટે મિલકતની બજાર કિંમતના દશ ટકા રકમ એટલે કે 4 કરોડ માગી બ્લેક મેઇલ કરતા હોવાનું કોલ રેકોર્ડીંગ સાથે ફરીયાદમાં જણાવ્યું છે. મુકેશ પટેલે જણાવ્યું કે લોન એડવાઇઝર મારફતે આ લોકોનો સંપર્ક થયો જેમાં તેઓએ સ્વામીનારાયણ સંસ્થામાંથી ફંડ લિગલી પ્રોસેસથી અપાવશે તેવું ખાત્રી પૂર્વક કહેતાં તેમની વાતમાં આવી જઇ ભરોસો કરી લીધો પણ કોઠારી સ્વામીને રૂબરૂ મળી વાત કરતાં તેઓએ આ માણસો તેમના નથી અને આવું ફંડ સંસ્થા આપતી નથી તેમ જણાવતાં વિશ્વાસઘાતનો ભોગ બની ગયાનું સમજાયું હતું.