સાંસદ સવસીભાઈ મકવાણાના પત્નિ ગંગાબેન દુકાન ચલાવે છે

ગુજરાતના પૂર્વ સાંસદ સવશીભાઇ મકવાણાના પત્ની ગંગાબેન 32 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામમાં કરીયાણા અને પરચૂરણ ચીજવસ્તુઓની નાની દુકાન ચલાવે છે. ગંગાબાએ પોતાના જીવનના 82 વર્ષ થયા હોવા છતાં તેઓ થાકયા નથી.દરરોજ દુકાન ખોલીને બેસવુંએ તેમનો રોજનો ક્રમ છે. તેમના પતિ સવશીભાઇ 13મી લોકસભાના સાંસદ બન્યા ત્યારે પણ પોતાની દુકાન બંધ કરી ન હતી. જીવન જરુરીયાતની વસ્તુઓ વેચીને નાનકડી દુકાનમાંથી થતી આવક આજે પણ પરીવારની આવકનો એક હિસ્સો બને છે. ગંગાબા કહે છે મે મારા જીવનમાં કયારેય કોઇનું અણહકકનું ખાધું નથી અને ખાવું પણ નથી.

35 વર્ષ પહેલા સવશીભાઇ ગામની સ્કૂલમાં ચિત્ર શિક્ષક હતા ત્યારે ખાસ આવક ન હતી. આથી ઘરમાં પૂરક આવક મળી રહે તે માટે ધજાળા ગામમાં નાની દુકાન શરુ કરી હતી. ગંગાબા પાસે પતિના પેન્શનની સ્થિર આવક હોવા છતાં  દુકાને બેસે છે. 2200ની વસ્તી ધરાવતા નાના ગામમાં દરરોજ 300 રુપિયાની આવક થાય છે.

ગંગાબા એક સમયે છાત્રાલયમાં રહેતા વિધાર્થીઓની રસોઇ પણ બનાવતા હતા. વર્ષો પહેલા પુત્રનું અકસ્માતમાં મુત્યું થયું હતું. તેઓ કહે છે જીવનમાં કોઇનું અણહકકનું લીધું નથી.

દુકાન અંગે વાત કરતા 88 વર્ષના પૂર્વ સંસદસભ્ય સવશીભાઇ મકવાણા કહે છે ગંગાબાને દુકાન ચલાવવામાં સારો સમય પસાર થાય છે. જયારે હું જાહેરજીવનમાં સક્રિય હતો ત્યારે પણ તેઓ દુકાન ચલાવતા હતા. મને પૂર્વ સાંસદ તરીકેનું પેન્શન મહિને રૂ.20 હજાર મળે છે. ગંગાબાની આ દુકાન ચલાવવાની પ્રવૃતિમાં કયારેય માથું મારતો નથી. મને આજે પણ તે હક્કથી ટોકી અને રોકી શકે છે. ગંગાબા જે પણ પૈસા મળે તે દિકરીઓ,દિકરીઓના દિકરા અને સગા સંબંધીઓના છોકરાઓને હાથમાં આપવામાં ખર્ચ કરે છે. દિકરાનો દિકરો પણ ઘર ચલાવવામાં મદદ કરે છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધીના જાહેર જીવનમાં પ્રજાનો પૈસો વેડફાય નહી તેનું હંમેશા ધ્યાન રાખ્યું છે.