સાણંદના શેલા ગામે દીવાલ ધરાશાયી થતાં ચાર વ્યક્તિના મોત નિપજ્યાં

અમદાવાદ શહેર અને જિલ્લામાં શુક્રવારે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગત રાત્રિના સમયે ભાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અમદાવાદ શહેરનાં સિમાડે આવેલ સાણંદ તાલુકાના શેલા ગામમાં રાત્રિના અઢી વાગ્યાના સુમારે એક નવા બની રહેલા નિસર્ગ બંગલોની કમ્પાઉન્ડની દીવાલ ધરાશાયી થઈ હતી.

આ દીવાલ બાજુમાં પ્લોટમાં કાચા મકાનમાં રહેતા શ્રમજીવી પરિવારના મકાન ઉપર પડી હતી. જેના લીધે આ મકાનમાં સૂઈ રહેલા શ્રમજીવી પરિવારના ચાર વ્યક્તિઓ દબાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડના કાફલાએ દીવાલનો કાટમાળ ખસેડીને દબાયેલા શ્રમજીવી પરિવારના સભ્યોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તબીબ દ્વારા આ શ્રમજીવી પરિવારના ચાર સભ્યો દિનેશભાઈ બળવંતભાઈ પારઘી (ઉ.વ. 40), સમુબેન ઉર્ફે રમડાબેન દિનેશભાઈ પારઘી (ઉ.વ. 35), પૂજાબેન દિનેશભાઈ (ઉ.વ. 5) અને જીતમલ દિનેશભાઈ (ઉ.વ. 2)ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.