રાજ્યના લોકોને સસ્તો, ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટો આગામી ૩૧ જાન્યુઆરી-૨૦૨૦થી કાર્યરત થશે.
સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું. જેના કારણે તેના કિંમતી સમય અને નાણાનો વ્યય થતો હતો. જયારે હવે તાલુકા કક્ષાએ જ અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટની રચના થવાના પરિણામે છેવાડાના નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહેશે. આ ઉપરાંત જિલ્લા અદાલતનું વિકેન્દ્રીકરણ થવાના પરિણામે કેસોનો ઝડપી નિકાલ થઈ શકશે.
જે ગુનાઓની ગંભીરતા વધુ છે તેવા ગુનાઓના આરોપીઓને યોગ્ય નશ્યત-સજા થાય તે હેતુથી આ નવિન કોર્ટો શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ગુનાનો ભોગ બનનાર પક્ષાકારોને જિલ્લા મથક સુધી ધકકા ખાઈ અને આર્થિક તેમજ સમયનો ભોગ આપવો ન પડે સરકારે સંવેદનશીલ વલણ અપનાવીને વધુમાં વધુ અધિક જિલ્લા ન્યાયાધીશોની નામદાર હાઈકોર્ટના પરામર્શમાં તાલુકા કક્ષાએ સ્થાપના કરવામાં આવી છે.
ચાલુ નાણાકીય વર્ષમાં વલસાડ જિલ્લાના વાપી તથા ધરમપુર તાલુકામાં, વડોદરા જિલ્લાના ડભોઈ અને કરજણ તાલુકામાં, અમરેલી જિલ્લાના સાવરકુ્રંડલા તાલુકામાં, આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં તથા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એમ કુલ સાત અધિક જિલ્લા ન્યાયાધીશશ્રીની કોર્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ માટે જુદા જુદા સંવર્ગની જગ્યાઓના મહેકમની મંજુરી પણ આપવામાં આવી છે. તેમ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ જણાવ્યું હતું.