સાત માળ નહીં સરકારી મકાનો ત્રણ માળના બનાવો

ઓઢવમાં આવાસની દુર્ઘટના પછી કોંગ્રેસે સ્થળ મુલાકાત લીધી હતી. તે પછી કોંગ્રેસે ગરીબોના આવાસો સાત માળીયાના બદલે ચાર માળીયા (ગ્રાઉન્ડ ફલોર + ત્રણ માળ) બનાવવાની માંગણી ઉઠાવી છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગરીબો માટેના આવાસોનું એક બ્લોક તૂટી પડતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો અને ૪ થી વધુ ઘાયલ થયા તે પછી ઓઢવના ગરબો માટેના આવાસની દુર્ઘટના ઘણી જ ગંભીર અને દુઃખદ ઘટના અંગે પિડીત પરિવાર સહિત સ્થાનિક રહેવાસીઓના દુઃખમાં ભાગીદાર થવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રૃબરૃ મુલાકાત દરમિયાન મોટા ભાગના બ્લોકો અને ઘરોની હાલત ગમે ત્યારે ઘસી પડે તેવી જણાય છે.

સ્થાનિક નાગરિકોએ વિવિધ બ્લોકોની જર્જરીત હાલત માટે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી, પણ કોર્પોરેશનના સત્તાધીશોએ ગરીબ નાગરિકોની વેદનાને ગંભીરતાથી કાને ધરી ન હતી. સ્થાનિક નાગરિકોએ શુક્રવારે રાત્રે દિવાલ પડતાં ફાયર બ્રિગેડને જાણ કરતા કોર્પોરેશનના સત્તાધીશોએ બીજા દિવસે તેમની જવાબદારીથી છટકવા માત્ર નોટીસ આપી. રવિવારે રાત્રે ૧ બ્લોક ઘસી પડતા એક વ્યક્તિનું મૃત્યુ, ૪ થી વધુ ઘાયલ થયા છે. ઓઢવ વિસ્તારના ૮૪ બ્લોક લોકોના ૧૩૪૪ આવાસના બાંધકામમાં પ્રથમદર્શિય ગેરરીતિ-ભ્રષ્ટાચાર જોવા મળે છે. ઠેર-ઠેર ગંદકી અને ઉભરાતી ગટરો વચ્ચે સતત ભયથી ગરીબ પરિવારો જીવી રહ્યાં છે.

પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગરીબો માટેના આવાસોની હાલત ઘણી જ જર્જરીત છે. સ્ટેબીલીટી રિપોર્ટ, સર્વે કરવો જરૃરી છે. ઘણા બધા આવાસો જર્જરિત છે. ભવિષ્યમાં બનતી દુર્ઘટના અટકાવવા તંત્ર પગલાં ભરે, હાલમાં રહેતા ગરીબ પરિવારોને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા આપવી જોઈએ. તંત્ર દુર્ઘટના બને પછી જ જાગે છે. નવા બનતા ગરીબો માટેના આવાસમાં વહીવટી તંત્ર ગેરરીતિ અટકાવે, દુઃખદ ઘટના – અકસ્માતનું પુનરાર્વતન અટકાવવાની જવાબદારી વહીવટી તંત્રની છે.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ જણાવ્યું હતું કે, ઓઢવના આવાસોની દુર્ઘટના દુઃખની સાથોસાથ ગંભીર પણ છે. ગરીબોના આવાસમાં છત-આશરો આપવાને બદલે ભ્રષ્ટાચારી તત્ત્વોને લીધે મોતના ખાડા બની રહ્યાં છે. મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગરીબો માટેના આવાસ યોજનામાં હાલમાં ગરીબો માટેના સાત માળ વાળી યોજના જ્યાં બાંધકામ ચાલુ હોય તે અટકાવીને ચાર માળ (ગ્રાઉન્ડ ફલોર + ત્રણ માળ) વાળી બનાવવી જોઈએ. હાલમાં જે હાઉસીંગ/ ઈડબલ્યુએસ/મુખ્યમંત્રી આવાસ યોજના સહિતના બાંધકામમાં પૂર્વ પણે સોઈલ ટેસ્ટીંગ, મટિરિયલ્સ ટેસ્ટીગ અને અન્ય બાંધકામના નિયમોના પાલન અંગે ચકાસણી કરવામાં આવે.

ઓઢવના આવાસોની દુઃખદ ઘટનાની જાત તપાસ માટે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળના કોંગ્રેસ પક્ષના પ્રવક્તા ડો. મનીષ દોશી, ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડાવાલા, ગ્યાસુદ્દીનભાઈ શેખ, મ્યુ. કોર્પોરેશનના કોંગ્રેસના નેતા દિનેશ શર્મા, શહેર પ્રમુખ શશીકાંત પટેલ, પ્રદેશ મંત્રી લાખાભાઈ રબારી સહિત કાર્યકરો, આગેવાનો જોડાયા હતાં.