સાપનું વેચાણ કૌભાંગ પકડાયું

સાબરકાંઠાના રાયગઢના વન વિભાગે સાપની તસ્કરીના રેકેટને ઝડપી પાડ્યું છે. આ તસ્કરો રાયગઢનાં જંગલમાંથી સાપ પકડી મુંબઈમાં વેચતા હતા. પકડાયેલા ચાર આરોપીઓ પાસેથી ત્રણ ઝેરી સાપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે સાપના 500 ગ્રામ ઝેરની કિંમત 50 લાખ હોવાથી આરોપીઓ સાપની તસ્કરીનું કામ કરતા હતા.
હિંમતનગરની રાયગઢ રેન્જે બાતમીના આધારે ઝેરી સાપ વેચતા ચાર આરોપીઓને ત્રણ ઝેરી સાપ સાથે ઝડપી પાડ્યા છે. હિંમતનગરની આસપાસના વિસ્તારમાં આ ચાર આરોપીઓ ઝેરી સાપ પકડીને તેને મુંબઈમાં વેચવાનું કામ કરતા હતા. જેની બાતમી વન વિભાગને મળી હતી ત્યારે હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે પર નાકાબંધી કરીને મોતીપુરા સર્કલ નજીક એક ઈઓન કારનુ ચેકિંગ હાથ ધર્યુ. તો તેમાંથી બે આરોપી પાસેથી ત્રણ સાપ મળી આવ્યા હતા. જેમાંથી બે કોબ્રા અને એક રસલ વાઈપર મળી આવ્યો હતો. જે પૈકી રસેલ વાઇવર સાપ મૃત હતો. વન વિભાગે બે આરોપીની પૂછપરછ કરતાં વધુ બે આરોપીઓના ગુન્હા સામે આવ્યા હતા અને ચાર આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી.
સાપના ઝેરની પણ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મોટી માંગ વર્તાય છે, જેને લઈને ઝેરી સાપને પકડીને તેને વેચવા માટેની તસ્કરી ચાલતી હોય છે. ત્યારે આવું જ એક રેકેટ રાયગઢ રેન્જ વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. ઝડપાયેલા ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ અલગ અલગ જગ્યાએથી ઝેરી સાપ પકડવાનું કામ કરતા હતા. હાલ તો વન વિભાગે આરોપી સહિત એક કાર મોબાઈલ સહિત રૂ. 3 લાખ 43 હજારનો મુદ્દામલ પણ ઝડપી પાડ્યો છે.
હાલમાં નશા કરવાની લત વધી ગઈ છે અને જેના કારણે ડ્રગ્સના ઉપયોગમાં આ ઝેરી સાપનું ઝેર વાપરવામાં આવે છે અને આ સાથે અન્ય આરોપીઓની પણ અટકાયત કરવાની તપાસ હાથ ધરી છે.