સાબરકાંઠા સાબરડેરીના ચેરમેને આપ્યું રાજીનામું

અમદાવાદ, તા. 27

સાબરકાંઠાની પ્રતિષ્ઠિત સાબર ડેરીમાં હાલમાં જ યોજાયેલી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે અચાનક જ આજે ડેરીનાં ચેરમેન મહેશભાઈ પટેલે રાજીનામું આપતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમણે પોતાનું રાજીનામું ડેરીનાં એમડી ડો. ડી. એમ. પટેલને મોકલી આપ્યા બાદ એમડીએ નવા ચેરમેનની નિમણૂંક ન થાય ત્યાં સુધી ડેરીનાં વાઈસ ચેરમેન જયંતિભાઈ પટેલને ચેરમેનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ચેરમેનનાં રાજીનામા બાદ સહકારી ક્ષેત્રનાં અગ્રણીઓ તેને અલગ રીતે મૂલવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ અંગેની વિગતો એવી છે કે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબરડેરી રોજગાર આપવા તથા દૂધ ઉત્પાદકો માટે જીવાદોરી સમાન છે ત્યારે વર્ષો પછી પાંચેક માસ અગાઉ સાબરડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણી અગાઉ 16 પૈકી 12 બેઠકો સહકારી અગ્રણીઓના પ્રયાસથી બિનહરીફ થઈ હતી. જ્યારે તેમાંની ચાર બેઠકોની ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ આવ્યા હતા. ત્યારબાદ પ્રાંત અઘિકારીની ઉપસ્થિતિમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ ચેરમેન પદ માટે સર્વ સંમતીથી ચૂંટાયા હતા અને વાઈસ ચેરમેન પણ અરવલ્લી જિલ્લામાંથી પસંદ કરાયા હતા.

ત્યારે એકાએક ડેરીના ચેરમેને 162 દિવસ પછી ચેરમેન પદેથી બુઘવારે બંઘ કવરમાં રાજીનામું એમ.ડી ને મોકલી આપ્યું હતુ. આ રાજીનામા બાદ એમ.ડીએ તરતજ ચેરમેનનો ચાર્જ વાઈસ ચેરમેનને આપ્યો છે.

તો બીજી તરફ ડેરીના ચૂંટાયેલા ડિરેક્ટર જંયતીભાઈ પટેલે ચેરમેનની નિમંણુકથી નારાજ થઈને હાઈકોર્ટમાં અને મહેસાણાની નોમીનીઝ કોર્ટમાં દાદ માંગી હતી. આ બંને કેસનો નિવેડો આવ્યો નથી તયાં જ તેમાં પક્ષીય રાજકરણના ઉચ્ચ પદાઘીકારીઓ દ્વારા સહકારી રાજકારણમાં નવો ચિલો ચાતરવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ રાજીનામાં બાદ ડેરીના અન્ય ડિરેકટરો દોડી આવ્યા હતા. અને નવા ચેરમેન પદે કોણ બિરાજશે તેવી અટકળો તેજ બની છે. આ તબક્કે એવું પણ જાણવા મળ્યું છે કે, સાબરડેરીના ચેરમેનની નિમણૂંક લઈને જે કેસ ચાલી રહ્યા છે તે આગમી દિવસોમાં પરત ખેંચી લેવામાં આવશે તેવું જુથના એક સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે. સાથે ડેરીના એમ.ડી.  ડો.બી.એમ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે હવે નવા ચેરમેનની ચૂંટણી કરવા માટે ડેરી દ્વારા જિલ્લા કલેકટરને દરખાસ્ત મોકલી જાણ કરાશે અને આગમી દિવસોમાં જાહેરનામું બહાર પાડી ચેરમેનની ચૂંટણી યોજવામાં આવશે.