સાબરડેરીમાં ચૂંટાવા રાજકારણીઓ કેમ રસ લઈ રહ્યાં છે, શંકર ચૌધરી કેમ પછડાયા 

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.50 થી લાખથી પણ વધુ પશુપાલકોની આર્થિક રીતે જીવાદોરી સાબરડેરીના નિયમક મંડળની 16 બેઠકોની ચૂંટણી આગામી 22 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. 23 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ચુંટણીમાં 110 ઉમેદવારીપત્રો ભરાયા છે.  ડેરીમાં સત્તા મેળવવા માટેની લાઈનમાં ધારાસભ્ય, ડેરીના પૂર્વ અને વર્તમાન અધ્યક્ષ તથા પૂર્વ ડીરેક્ટરોએ ઉમેદવારી નોધાવી છે. આ વખતે અગાઉની જેમ બીનહરીફ ચૂંટણી થવાની કોઈ શક્યતા નથી. આ વખતે ખર્ચાળ ચૂંટણી જંગ શરૂ થયો છે.

ઝોન વાઈઝ ચૂંટણી પ્રક્રિયા પ્રમાણે એક મતદારે સોળ મત આપવા ફરજિયાત છે. સોળ મત નહીં આપે તો તેનો મત માન્ય ગણવામાં આવશે નહીં. એ રીતે સોળ ડિરેક્ટર્સની ચૂંટણી કરાશે.

2018નો જંગ

મંડળની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતા ફરીથી ચૂંટણી ન કરાતાં રીટના આધારે કસ્ટોડીયનની નિમણૂક 1 ફેબ્રુઆરી 2018માં કરવામાં આવી હતી. 16 વિભાગોની ચૂંટણી કરવા અદાલતમાં કેસ દાખલ કર્યા હતા. સર્વોચ્ચ અદાલતમાં મુદત પડતાં 24 ફેબ્રુઆરી 2018ના દિવસે ચૂંટણી જાહેર કરી દેવામાં આવી હતી. પછી 8મી માર્ચે ચૂંટણી કરવાનું નક્કી કરાયું હતું. જેમાં વડી અદાલતે સ્ટે આપ્યો હતો. મામલે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઇ હતી. હવે એક વર્ષ બાદ સમાધાન થતાં ચૂંટણી યોજાય રહી છે.

અગાઉ ચૂંટણી ઝોન પ્રમાણે યોજાતી હતી પણ તેને તાલુકા પ્રમાણે યોજવા માટે એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. હાઈકોર્ટે પણ અગાઉની પદ્ધતિથી ચૂંટણી યોજવાનો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં કરેલી પીઆઈએલ પાછી ખેંચીને જૂની પ્રક્રિયા પ્રમાણે ચૂંટણી યોજવા સહમતિ સધાઈ છે.

2014માં 116 ઉમેદવારો હતા

સાબર ડેરીના નિયામક મંડની 16 બેઠકોની 21 ઓક્ટોબર 2014માં ચૂંટણી હતી ત્યારે 116 ઉમેદવારોએ અરજીપત્રકો ભર્યા હતા. જેમાં ચકાણી બાદ આખરે 80 ઉમેદવાર રહ્યા હતા. પણ 29 ઉમેદવારો ચૂંટણી માંથી ખસી જતાં છેલ્લે 51 ઉમેદવારો રહ્યાં હતા.

સાબરડેરીમા ડિરેક્ટર તરીકે નવા લોકોને લાભ મોકો આપવામાં આવતો નથી. ડીરેક્ટરો માટે ડેરી દુજણી ભેંસ બની ગઈ છે. ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચાર કરીને રૂપિયાની મલાઈ તારવી લેવા માટે જ પદ મેળવવામાં આવે છે. તેથી બેઠક બિન હરીફ બને તેવા પ્રયાસો હાથ ધર્યા છે.

કેમ મહત્વ છે

ગુજરાતના 18 સહકારી ડેરીઓનો રૂ.38,000 કરોડનો વેપાર કરતી સહકારી ડેરી ક્ષેત્રની સૌથી મહત્વની સંસ્થા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ)ના ચેરમેન બનવું હોય તો સાબર ડેરીમાં ડીરેક્ટર બનવું પડે. હાલ આ સંસ્થાના અધ્યક્ષ ખેડા દૂધ ઉત્પાદક સંઘ તથા ‘અમૂલ’ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને ઉપાધ્યક્ષ તરીકે પંચમહાલ દૂધ ઉત્પાદક સંઘના અધ્યક્ષ જેઠા ભરવાડ છે. બન્ને ભાજપના નેતા છે.

30 જાન્યુઆરી 2018માં થયેલી ચૂંટણીમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી GCMMFના અધ્યક્ષ બનવા માંગતા હતા. પણ પછી એકાએક ભાજપે તેમને પડતા મૂકી દીધા હતા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રામસિંહ અધ્યક્ષ બન્યા હતા.

રાજ્યના 18 સહકારી ડેરી સંઘોની આ મહત્વની બોડીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વચ્ચે જંગ રહેતો હતો. ભાજપને કોંગ્રેસના પ્રભુત્વવાળા આ સંઘોમાં પ્રવેશ મેળવતા 22 વર્ષ કરતાં વધુ સમય લાગ્યો હતો. તે પણ કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં લઈને જ શક્ય બન્યું હતું. હાલ ભાજપ પાસે 18 પૈકી 17 સંઘ છે. 1800 મતમાં સૌથી વધું 300 મત બનાસ ડેરીના છે. તેમ છતાં શંકર ચૌધરીએ પીછેહળ કરવી પડી હતી. સહકારી સંસ્થામાં અધ્યક્ષ કોણ બને તે માટે ગાંધીનગર ભાજપ નક્કી કરતો હતો પણ પ્રથમ વખત એવું બન્યું કે દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે GCMMFના અધ્યક્ષ બનાવવા માટે સૂચના આપી હતી. રામસિંહ પરમારને આ બન્ને નેતાઓએ પસંદ કર્યા હતા. GCMMFની ચૂંટણીમાં વડાપ્રધાન પણ રસ લેતા હોય એવું પહેલી વખત જોવા મળ્યું હતું. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જ્યારથી રાજકીય લોકો આવ્યા છે ત્યારથી દૂધ મોંઘું થયું છે અને પશુપાલનોને વળતર ઓછું થયું છે. ભ્રષ્ટાચારના કારણે સામાન્ય પ્રજાએ મોંઘું દૂધ ખરીદ કરવું પડે છે. જો રાજકીય પક્ષના સભ્યો સહકારી ક્ષેત્રમાં કોઈ પદ મેળવી ન શકે એવો સહકાર કાયદામાં સુધારો કરવામાં આવે તો ઘણું સસ્તું દૂધ, ધી અને બીજા વસ્તુઓ આપી શકાય તેમ છે. વિધાનસભાની ચૂંટણી હારી ગયા આ મોટો ફટકો શંકર ચૌધરીને મળ્યો હતો.

તેથી સાબર ડેરીના અધ્યક્ષ બનવું અત્યંત મહત્વનું માનવામાં આવે છે.

(દિલીપ પટેલ)