અમદાવાદ શહેરની તમામ ગટરોમાંથી આવતા પાણીની ટર્શીયરી ટ્રીટમેન્ટ થયા પછી જ આ પાણી નદીમાં છોડવું જોઈએ. સાબરમતી નદીના શુદ્ધિકરણ પેટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વ્યય કર્યો છે. ખારીકટ કેનાલની તાજેતરની શુદ્ધિકરણ માટે ખર્ચેલ કરોડો રૂપિયા એનું તાજું જ ઉદાહરણ છે. શુદ્ધિકરણ કર્યાના બીજા જ દિવસથી કેમિકલયુક્ત પાણી વહેવાનું શરુ થઇ ગયું હતું. એ નાટક કર્યા બાદ હવે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અમદાવાદના લોકોને ગેરમાર્ગે દોરવા માટે સાબરમતી નદીને શુદ્ધ કરવાનું કામ શરૂં કરાવવાના છે. જેના માટે રૂ.70 કરોડ અમદાવાદ મહાનગરપાલીકા – અમપાને આપવામાં આવ્યા છે.
અમદાવાદના – નરોડા, ઓઢવ, વટવા, નારોલની ઔદ્યોગિક વસાહતોમાં સ્થાપિત કેમિકલ ઉદ્યોગોનું અનેક પ્રકારના કેમિકલયુક્ત પ્રવાહી સાબરમતી નદીમાં ઠાલવવામાં આવે છે. તદુપરાંત સમગ્ર શહેરની ગટરોનું પાણી નદીમા છોડવામાં આવે છે. આ સ્થળ પર હવા એટલી દુર્ગંધ મારે છે કે આપ ત્યાં 5-10 મિનિટ રોકાવાનું પસંદ નહિ કરો.
વિચારો કે ગ્યાસપુરથી ખંભાતના અખાત સુધીમાં રહેતા લાખો નાગરિકોને ગંદી હવા શ્વાસમાં લે છે.એસિડ યુક્ત પ્રદુષિત પાણીમાં ઉતરીને 10 ગામના લોકોને સામે છેડે જવું પડે છે. ચોખ્ખા પાણીના અભાવે આજ પાણીમાં ભેંસો ઉતરે છે અને પીવે છે. જ્યારે નદીમાં કોઈ ભયાનક ગુનેગાર ઉદ્યોગકાર એસિડનું ટેન્કર ઠાલવે છે એવે સમયે જો કોઈ ઢોર પાણી પીવે તો મરી જાય છે. એવા તો અનેક દાખલા છે.
નાયકા ગામના 14.5 વીઘાના વિશાળ તળાવમાં બધી જ માછલીઓ મૃત્યુ પામી હતી. જેને તળાવમાંથી કાઢતા ત્રણ દિવસ લાગ્યા હતા. ટ્રેક્ટરની 9 ટ્રોલી ભરાઈ હતી.ડુંગરી ગામમાં ડાંગરના ધરું બળી ગયા હતા. ગુલાબની ખેતી થતી હતી એ સદંતર નાશ પામી છે. હજારો એકર જમીન ખેતી લાયક રહી નથી. નિર્જીવ બની ગઈ છે. એમની આર્થિક અને સામાજિક સ્થિતિને નુકશાન થયું છે, ભૂગર્ભ જળ 200 ફૂટ કરતા પણ નીચે સુધી પ્રદુષિત થઇ ગયું છે અને પીવા લાયક રહ્યું નથી.
કેમિકલ ઉદ્યોગોના એફ્લુઅન્ટને ટ્રીટ કરવા કોમન એફ્લુઅન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે તે માત્ર સેકન્ડરી શુદ્ધિકરણ માટે જ છે અને તે પણ થઇ શકતું નથી. સેકન્ડરી ટ્રીટમેન્ટ કર્યા પછી પણ ટર્શીયરી ટ્રીટમેન્ટ કર્યા બાદ કા તો એ પાણી ફરી ફરી પોતાના પ્રોડક્શનમાં વાપરે અથવા નદીમાં છોડવા માટે પરમિશન આપી શકાયકેમિકલ ઉદ્યોગો ટ્રીટમેન્ટ કર્યા વગર એફ્લુઅન્ટ છોડવાથી ટ્રીટમેન્ટ પાછળ થતો ખર્ચો બચાવીને અઢળક નફો રળે છે.
કાયદો કહે છે કે જે પ્રદુષણ કરે તેણે પ્રદૂષણથી અન્યને કરેલ નુકશાનનું વળતર આપવું પડે. નદી કાંઠે વસતાં લોકોને અમદાવાદના ઉદ્યોગો વળતર આપે. સાબરમતીની વાત નથી. ગુજરાતની અન્ય 20 અતિ પ્રદુષિત નદીઓની પણ આ વાત છે. અમદાવાદના ઉદ્યોગોએ અહીં કોઈ સામાજિક સેવા કરી નથી. કોર્પોરેટ સોસીયલ રિસ્પોન્સિબિલિટીના ખાતે એક રૂપિયાનો પણ ખર્ચ કરેલ નથી.8 જાન્યુઆરી 2019માં ગુજરાતના તમામ ધારાસભ્યોને પત્ર લખીને અમદાવાદના જાગૃત લોકોએ સાંજે 6 વાગ્યે આવવા કહ્યું હતું. પણ પ્રદૂષિત સાબરમતી નદીની મહા આરતીમાં કોઈ આવ્યા ન હતા.