અમદાવાદ,તા.21
દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં સાબરમતીનો પણ સમાવેશ થાય છે, આ નાલેશીને દૂર કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન અને મ્યુનિ. કમિશનરે સાબરમતી શુદ્ધ કરવાનું અભિયાન હાથ ધર્યું હતું, જેમાં નદીને ખાલી કરી હજારો લોકો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ નદીમાંથી લાખો ટન કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. જોવાનું એ છે કે આટલા મોટા અભિયાન બાદ પણ સાબરમતી નદીના પ્રદૂષણમાં કંઈ ખાસ ફેર થયો નથી અને શહેરીજનોને તેનો કોઈ ફાયદો થઈ રહ્યો નથી.
કોર્પોરેશન દ્વારા નદીને શુદ્ધ કરવા માટે નદીમાં જોડાયેલી ગેરકાયદે ગટરનાં જોડાણ બંધ કરવામાં આવ્યાં હતા, છતાં નદીની શુદ્ધતામાં કંઈ વધારો થયો નથી, ઉપરાંત કોર્પોરેશન દ્વારા જ નદીને અશુદ્ધ કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નદીમાં છોડાતા ટ્રીટમેન્ટ કરાયેલાં પાણી માટે ખાસ ધોરણ નક્કી કર્યાં હતાં, જેનો કોર્પોરેશન દ્વારા સતત ભંગ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશને સુઅરેજનાં પાણીને ટ્રીટ કરવા માટે વાસણા, વિંઝોલ અને પિરાણામાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા છે, જ્યાં પાણીને ટ્રીટ કરી સાબરમતી નદીમાં છોડવામાં આવે છે. જે-તે સમયે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં ધોરણો મુજબ એસટીપી બનાવવામાં આવ્યાં હતાં, જે મુજબ ટ્રીટમેન્ટ કરાયેલાં પાણીમાં બીઓડીની માત્રા 30 અને સીઓડીની માત્રા 100 રખાઈ હતી, જેમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે સુધારો કરી બીઓડીની માત્રા 10 અને સીઓડીની માત્રા 50થી વધુ ન રાખવા નિર્દેશ આપ્યા હતા.
જો કે અમપાના 6 એસટીપી પ્લાન્ટ જૂના પેરામીટર મુજબ જ ચાલી રહ્યા છે, જેનું પ્રદૂષિત ગણાતું પાણી નદીમાં જ છોડવામાં આવી રહ્યું છે. વિંઝોલ પ્લાન્ટમાં કેમિકલયુક્ત એસિડિક પાણી વધુ આવતું હોવાના કારણે પ્લાન્ટ ખવાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે 70 એમએલડી પ્લાન્ટમાં 5 કરોડના ખર્ચે નવી મશીનરી ફિટ કરવામાં આવશે. તો બીજી તરફ વાસણા 285 એમએલડી પ્લાન્ટમાં પણ 2.50 કરોડના ખર્ચે મશીનરી નાખવામાં આવી રહી છે. આ બંને પ્લાન્ટ નવી મશીનરી લાગવાથી નવા થઈ જશે. આ ઉપરાંત અન્ય એસટીપીને અપગ્રેડ કરવા માટે સરવૅ હાથ ધરાયો છે, જેના રિપોર્ટના આધારે પિરાણા અને અન્ય એસટીપીને પણ છ મહિનામાં અપગ્રેડ કરવામાં આવશે.