સાબરમતી નદીના કીનારે વસાવાયેલા અમદાવાદ શહેરમાં નદીના બંને તરફના કાંઠાઓના વિકાસના નામે વીસ વર્ષમાં રૂપિયા ૧૫૦૦ કરોડ જેટલો ખર્ચ થઈ ગયો છે.૨૫ વર્ષ પહેલા ભાજપના સુરેન્દ્ર પટેલ,આર્કીટેક બીમલ પટેલ સહીત અન્યો દ્વારા સ્થાપવામાં આવેલી સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીમાં તમામ સ્ટાફ અમપાનો છે.તેમના પગાર સહીતના અન્ય ખર્ચ તેમજ કંપની દ્વારા લેવામાં આવેલી હુડકોની લોનના હપ્તા,મુદ્દલ અને વ્યાજ પણ અમપા ભરે છે.આવનારા સમયમાં ફેઝ-બે માટે વધુ રૂપિયા એક હજાર કરોડનો ખર્ચ અમપા કરશે.સવાલ એ છે કે,રૂપિયા,મેનપાવર અને મશીનરી સહીત તમામ અમપાનુ છે તો અમપાના ઓડીટ વિભાગ પાસે વીસ વર્ષથી ઓડીટ કયા કારણોસર કરાવાતુ નથી.કરોડો રૂપિયાના કૌભાંડો બહાર ન આવે એ માટે પોતાનો અલગ ઓડીટ વિભાગ હોવા છતાં કેમ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા કે મેયર બિજલ પટેલ રીવરફ્રન્ટ કંપનીના અધિકારીઓ ખાનગી કંપનીઓ પાસે ઓડીટ કરાવી કરોડોનો ખર્ચ કરે છે તેને રોકતા? આઘાતજનક બાબત તો એ છે કે,વીસ વર્ષમાં રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા કયારેય ઓડીટ રીપોર્ટ સાર્વજનિક કરાયો કેમ નથી?અમપાએ આ પ્રોજેકટમાં રૂપિયા ૨૪૦ કરોડ શેર કેપીટલનું રોકાણ કર્યુ છે તો આ રકમ અંતે તો અમદાવાદના લોકોએ ભરેલી ટેકસની રકમમાંથી તો ઓડીટ રીપોર્ટ સાર્વજનિક કેમ કરાતો નથી.
સાબરમતી નદીના બંને કાંઠાઓને વિકસાવવા વીસ વર્ષમાં જે પંદરસો કરોડ ઉપરાંતની રકમનો ખર્ચ કરાયો છે.એમાં અમપાએ જમીનના લેન્ડયુઝની મંજુરી રાજય સરકાર પાસેથી મેળવી છે.રૂપિયા ૪૦૦ કરોડના પ્રાથમિક અંદાજ સાથે શરૂ કરાયેલ આ પ્રોજેકટ પાછળ હુડકોની ૩૧ માર્ચ-૨૦૧૪ સુધીમાં કુલ રૂપિયા ૮૭૫.૮૧ કરોડ લોન સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાને ભરોસે લઈ લીધી હતી.આ લોન સામે અમપાએ લોનના મુદ્દલ અને વ્યાજ પેટે રૂપિયા ૪૮૩.૧ કરોડની રકમ ચુકવી હતી.
કોર્પોરેશને કરેલો વિવાદાસ્પદ ઠરાવ..
રીવરફ્રન્ટ પ્રોજેકટમાં રૂપિયા ૨૪૦ કરોડ શેર કેપીટલનું રોકાણ કર્યા બાદ વર્ષ-૨૦૧૩-૧૪માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રીવરફ્રન્ટ માટે એક વિવાદાસ્પદ ઠરાવ પસાર કરી જયાં સુધી રીવરફ્રન્ટ કંપનીને રીકલેઈમ જમીન ડેવલપ કરવાના રાઈટસ ન મળે ત્યાં સુધી હુડકો પાસેથી પ્રોજેકટ માટે લેવામાં આવેલી લોનના હપ્તા,મુદ્દલ અને વ્યાજની પણ ચુકવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાશે.
બ્રીજલોન તરીકે હુડકો પાસેથી ૬૮૧ કરોડ લેવાયા
રીવરફ્રન્ટ પ્રોજેકટના પહેલા ફેઝમાં કુલ રૂપિયા ૧૫૦૦ કરોડ ઉપરાંતનો ખર્ચ થયો છે.જે માટે રીવરફ્રન્ટ કંપની એ બ્રીજલોન તરીકે રૂપિયા ૬૮૧ કરોડ લીધા હતા.એનુ પણ વ્યાજ અમપા ભરી રહી છે.
બીજા ફેઝમાં કયાં-કેટલો ખર્ચ કરાશે?
૧.એનઆઈડી,પાલડી અને શાહપુર શંકરભુવન પાસે એમ બે સ્થળોએ ૨૭ કરોડના ખર્ચે મલ્ટીપલ સ્પોર્ટસ સંકુલ બનાવાશે.
૨.ફલાવર ગાર્ડન પાસે રૂપિયા ૬૭ કરોડના ખર્ચે મલ્ટીલેવલ પાર્કીંગ બનાવાશે.જેમાં ૧,૦૦૦ કાર અને ૧૫૦ ટુ વ્હીલર પાર્ક કરી શકાશે.
૩.શાહીબાગ ડફનાળાથી ઈÂન્દરાબ્રીજ સુધી ફેઝ-બેની કામગીરી માટે રૂપિયા ૮૫૦ કરોડ ખર્ચ કરાશે.
૪.પુર્વ કીનારે ૪૪ હેકટર અને પશ્ચિમ કીનારે ૫૭ હેકટર એમ કુલ ૧૦૧ હેકટર જમીનમાં કામગીરી કરાશે.
૫.ડફનાળા પાસે ૧૨,૦૦૦ ચોરસ મીટર જમીનમાં ગાર્ડન બનાવાશે.
પ્લોટો વેચવા બે વાર નિષ્ફળ પ્રયાસ કરાયો..
અમપા દ્વારા વર્ષ-૨૦૧૫ અને વર્ષ-૨૦૧૭ એમ બે વખત રીવરફ્રન્ટ પરના પ્લોટો વેચવા પ્રયાસ થયો હતો.પરંતુ સ્થાનિકોએ કોઈ ઉત્સાહ ન બતાવતા પ્લોટોની હરાજી માટે કરેલો ૫૦ લાખથી પણ વધુનો ખર્ચ માથે પડયો હતો.
નહેરૂબ્રીજથી સરદારબ્રીજના પ્લોટો વેચાશે..
રીકલેઈમ થઈ મળેલી ૨૦૨ હેકટર જમીન વેચીને રૂપિયા ૩૬૦૦ કરોડ મેળવવાની ધારણા સાથે તાજેતરમાં અમપાએ આંતરરાષ્ટ્રીય રીઅલ એસ્ટેટ માટે કન્સલ્ટન્ટ તરીકે કામગીરી કરતી જેએલએલને બીડ માટે ડીપીઆર તૈયાર કરવા કામગીરી સોંપી છે.સત્તાવારસુત્રોના કહેવા મુજબ,નહેરૂબ્રીજથી સરદારબ્રીજ વચ્ચેના પ્રાઈમ લોકેશનના પ્લોટો વેચાણ માટે મુકાશે.