અમદાવાદ, તા. 19.
શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા મહિલાના નામે આવેલ સામાનને પહોંચાડવા માટે ગયેલા ડિલિવરી બોય પાસેથી સામાન લઈને તેના પૈસા નહીં ચૂકવીને ઠગાઇ કરીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધવાઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા અને ઈ-કાર્ટ કુરિયર કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતાં જનાર્દનભાઈ વિનોદભાઈ નાઈકે વેજલપુર પોલીસ મથકમાં વિનસ પાર્કલેન્ડમાં રહેતા હિતેશભાઇ અને સેજલબેન સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને જણાવ્યુ છે કે, અમારી કંપનીમાં ફ્લિપકાર્ટમાંથી સામાનના ચાર પાર્સલ વેજલપુર વિનસ પાર્કલેન્ડમાં રહેતા જયાબેનના નામે આવ્યા હતા. જેથી તેમના નંબર પર ફોન કરતાં હિતેશભાઇ નામની વ્યક્તિએ ફોન ઉપાડતા તેમને કહ્યું હતું કે, તમારા સામાનનું કુરિયર આવ્યું છે જે પાર્સલ કેશ ઓન ડિલિવરી હોવાથી તમે તેની રોકડામાં ચુકવણી કરશો કે પછી કાર્ડ દ્વારા કરશો. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, રોકડેથી ચુકવણી કરીશું. જેથી બપોરના બે વાગ્યાના સમયે જનાર્દનભાઈ જયાબેનના સામાનના પાર્સલ લઈને વેજલપુર ખાતે આવેલ વિનસ પાર્ક લેન્ડમાં ગયા હતા. જ્યાં જયાબેનનું ઘર આ જ છે તેમ પૂછતા હિતેશભાઇ નામની વ્યક્તિએ હા તેમનું જ ઘર છે તેમ કહીને તેમણે ચાર પાર્સલ લઈ લીધા હતા અને ઘરમાં જતાં રહ્યા હતા. તેમની પાસેથી પૈસા માંગતા તેમણે અને તેમના પતિ સેજલબેને ગાળો આપીને જતાં રહો નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.જે અંગે જનાર્દનભાઈની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે હિતેશભાઇ અને તેમના પત્ની સેજલબેન સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.