“સાહેબ, મેં મારા ત્રણ સંતાનોના ગળા કાપી મારી નાખ્યા છે”!!

ભાવનગર,તા.1

ભાવનગર પોલીસ લાઈનમાં રહેતા અને  ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટની ઓફિસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલે રવિવારની બપોરે પોતાના ત્રણ સંતાનોના ગળા કાપી નાખી તેમની હત્યા કરી હતી અને હત્યા બાદ પોતે જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા રેંજ આઈજીપી અશોક યાદવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ભાવનગર પોલીસે હત્યા કરનાર કોન્સટેબલની ધરપકડ કરી છે હાલના તબ્બકે આ ઘટના પારિવારીક કંકાસને કારણે ઘટી હોય તેવુ પ્રાથમિક કારણ પોલીસ સામે આવ્યુ છે.

લોહીના ખાબોચિયામાં ત્રણ બાળકોની લાશ પડી હતી

દસ વર્ષ પહેલા ભાવનગર પોલીસમાં જોડાયેલા સુખદેવ શીયાળના લગ્ન જીજ્ઞા સાથે થયા હતા જેના કારણે તેમને ત્રણ સંતાનો થયા હતા જેમાં ખુશાલ(ઉ-8) ઉધ્ધવ( ઉ-5) અને મનમીત(ઉ-3) વર્ષનો હતો. ત્રણે સંતાનો  ભાવનગરની દક્ષિણામુર્તિ શાળામાં અભ્યાસ કરતા હતા. રવિવાર હોવાને કારણે ત્રણે બાળકો પણ ઘરે હતા, સાંજના સુમારે ભાવનગર પોલીસ લાઈનમાં અચાનક પોલીસના વાહનો અને સિનિયર અધિકારીઓ દોડી આવતા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પરિવારને આશ્ચર્ય થયુ હતું. ખુદ કોન્સટેબલ સુખદેવ શીયાળની બાજુમાં રહેતા પડોશીને પણ અત્યંત ક્રુર ઘટના ઘટી હોવાનો અંદાજ ન્હોતો.

પોલીસ લાઈનના બી 17 નંબરમાં જયારે પોલીસ પહોંચી ત્યારે રૂમની અંદરનું દશ્ર્ય જોઈ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. લોહીના ખાબોચીયા વચ્ચે ત્રણ બાળકોના મૃતદેહ પડયા હતા  અને બાજુમાં મોટો ધારદાર છરો પડયો હતો, પોલીસે જયારે સુખદેવને આ હત્યા કરવાનું કારણ પુછયુ તો તેણે પત્ની જીજ્ઞા સાથે થતાં ઝઘડાનને કારણે બાળકોની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી, પોલીસે પડોશીની પુછપરછ કરતા તેમણે સુખદેવ અને જીજ્ઞા  વચ્ચે સતત ઝઘડા થતાં હોવાની વાતને સમર્થન આપ્યુ હતું, ભાવનગર પોલીસો ત્રણ સંતાનોની હત્યા કરવાના આરોપસર સુખદેવ શીયાળની ધરપકડ કરી છે.

પત્ની જીજ્ઞાને બાજુના રૂમમાં પુરી દઈ સુખદેવે બાળકોને રહેંસી નાખ્યા

રવિવારે ડેપ્યુટી એસપીની ઓફિસમાં રજા રહેતી હોવાને કારણે સુખદેવ પણ ઘરે હતો, પંદર દિવસ પહેલા પણ સુખદેવ અને જીજ્ઞા વચ્ચે ઝઘડો થયો ત્યારે ભાવનગરમાં રહેતા અન્ય પરિવારજનોએ તેમનું સમાધાન કરાવ્યુ હતું, રવિવારની બપોરે ઝઘડો ફરી શરૂ થયો અને સુખદેવ એકદમ ઉશ્કેરાઈ ગયો, તેણે પહેલા પોતાની પત્ની જીજ્ઞાને બાજુમાં રૂમમાં ધક્કો મારી રૂમમાં પુરી દીધી અને ત્યાર બાદ મોટો છરો લઈ ત્રણે બાળકોને ફર્શ ઉપર સુવડાવીને ગળા કાપી નાખ્યા હતા,  પતિ પત્નીમાં થયેલા ઝઘડાનો ગુસ્સો અત્યંત ક્રુર બની સુખદેવે પોતાના બાળકો ઉપર ઉતાર્યો હતો

પોલીસ પહોંચી ત્યારે સુખદેવ ઘરની બહાર જ બેઠો હતો

સુખદેવ પોલીસમાં નોકરી કરતો હોવાને કારણે ખબર હતી કે હત્યા કર્યા પછી તે ફરાર થશે તો લાંબો સમય ફરાર રહી શકશે નહી એટલે તેણે હત્યા બાદ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો પરંતુ કંટ્રોલ રૂમનો ફોન કોઈ કારણસર સતત એંગેજ આવી રહ્યો હતો જેના કારણે તેણે રીડર જોષીને ફોન કરી કહ્યુ સાહેબ મેં મારા છોકરાને મારી નાખ્યા છે, પોલીસ મોકલો, આ બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ જયારે પોલીસ લાઈન પહોંચ્યા ત્યારે ઘરના દરવાજા પાસે સુખદેલ એકલો બેઠો હતો તેના ચહેરા ઉપર એકદમ સ્વસ્થતા હતી તેણે પોતાના સંતાનોને મારી નાખ્યા તેનો પસ્તાવો અથવા અન્ય કોઈ ભાવ પણ ન્હોતો.

બાળકો રમકડા રમી રહ્યા હતા ત્યારે તેણે હત્યા કરી

સુખદેવ અને જીજ્ઞા વચ્ચે ઝઘડો થયો ત્યારે ત્રણે નાના બાળકો રમકડા રમી રહ્યા હતા તેમને અંદાજ ન્હોતો કે મમ્મી પપ્પા વચ્ચેનો ઝઘડો આટલી ચરમસીમાએ પહોંચશે. પોલીસે જયારે હત્યાનું ઘટના સ્થળ જોયુ ત્યારે તેઓ પણ ધ્રુજી ગયા હતા., સખદેવની રૂમમાં ત્રણ બાળકોની લાશ હતી અને ત્યાં રમકડા પણ પડયા હતા આ  ત્રણે બાળકો રમી રહ્યા હતા ત્યારે સુખદેવે તેમની હત્યા કરી નાખી હતી, પોલીસ જયારે રૂમમાં દાખલ થઈ ત્યારે અંદરના રૂમમાંથી મદદ માટે કોઈનો અવાજ આવી રહ્યો હતો પોલીસે તે રૂમમાં દરવાજો ખોલતા અને જીજ્ઞા હતી તેણે બહાર આવી જોયુ તો પોતાના ત્રણે સંતાનોની લાશ જોઈ તે ફસડાઈ પડી હતી