સિંહોનાં મોત મામલે સુપ્રીમ કોર્ટની ગુજરાત સરકારને ફટકાર

ગુજરાતનાં ગૌરવ સમાન એશિયાટિક સિંહોનાં ગીરનાં જંગલોમાં થઈ રહેલાં ટપોટપ મોતનાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. અને વન્યજીવનું જતન કરવા માટે કેવાં પ્રકારનાં પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યાં છે તે બાબતે એક કારણદર્શક નોટિસ પણ પાઠવી છે. દરમિયાનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નોટિસ ઈશ્યુ થવાનાં અહેવાલ બાદ આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકને લંબાવવામાં આવી છે. અને રાજ્ય સરકારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, એજેન્ડા પ્રમાણે કેબિનેટ બેઠકમાં સિંહોનાં મોત મામલે ચર્ચા થવાની જ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટમાં સિંહોનાં મોત મામલે થયેલી પિટીશન અને તેનાં આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલી નોટિસનાં કારણે બેઠક લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
સમગ્ર એશિયામાં અને દેશમાં માત્ર ગીરનાં જંગલોમાં જ જોવા મળતાં એશિયાટિક સિંહોનાં જતનમાં રાજ્ય સરકાર ક્યાંક ઉણી ઉતરી હોય એવું ફલિત થઈ રહ્યું છે. છેલ્લાં 20 દિવસમાં ગીરનાં પૂર્વમાં આવેલાં ધારીનાં દલખાણિયા અને જશાધાર રેન્જમાં એક પછી એક એમ કુલ 23 સિંહોનાં મોત નિપજ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા આ મામલે લીપાંપોથી કરાઈ રહી હોવાનો આરોપ સિંહ પ્રેમી પ્રાણી વિદ્દો દ્વારા કરવામાં આવ્યાં છે. સિંહોનાં મોત મામલે રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા સતત એક જ રટણ કરાતું હતું કે, આ સિંહોનાં મોત ઈનફાઈટનાં કારણે થયાં છે, જ્યારે પ્રાણી વિદ્દો અને સ્થાનિક લોકોનાં મતે આ સિંહોનાં મોત વાઈરસનાં કારણે થયાં છે. જોકે, આ મામલે સરકાર અને વન વિભાગે સતત આ મામલે ઢાંક પિંછોડો કરવાનો પ્રયાસ તો કર્યો પણ છેવટે વન વિભાગે સ્વીકાર કરવું પડ્યું કે, મૃત્યુ પામેલાં સિંહો પૈકી 5 સિંહોનાં મોત વાઈરસનાં કારણે થયાં છે. જોકે આ વાત પણ પ્રાણી વિદ્દોનાં ગળે ઉતરતી નહોતી. દરમિયાનમાં મંગળવારે મોડી સાંજે વધુ બે સિંહોનાં મોત થતાં રાજ્ય સરકાર પણ ચોંકી ઉઠી હતી. અને રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હંમેશની માફક એક જ વાતનો પૂનરોચ્ચાર કર્યો હતો કે, સિંહોનાં મોત મામલે સરકાર ગંભીર છે અને તમામ મૃત્યુ પામેલાં સિંહોનાં વિવિધ સેમ્પલ વિવિધ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે અને ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ આ મામલે કસૂરવાર હશે તો ચોક્કસ પગલાં ભરાશે. આટલું ઓછું હોય એમ મોડી સાંજે ગીરનાં જંગલમાં સાવજોની સારવાર માટે તૈયાર કરાયેલાં જામવાળા એનિમલ કેર સેન્ટરમાં બિમાર સિંહોની સંખ્યા વધી જવાનાં કારણે તે હાઉસફૂલ થઈ ગયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ સેન્ટરમાં કુલ 27 સિંહ સારવાર માટે લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સેન્ટરમાં દિલ્હીનાં 2 નિષ્ણાતોની ટીમ પણ ખડે પગે હોવાનું સૂત્રોએ કહ્યું હતું. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જામવાળા એનિમલ કેર સેન્ટર હાઉસફૂલ થઈ જવાનાં કારણે હવે જે સિંહોને સારવાર માટે લાવવામાં આવશે તેમને સાસણ લઈ જવામાં આવશે.
પરંતુ, પ્રાણી વિદ્દો દ્વારા બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક પિટીશન કરવામાં આવી હતી અને સિંહોનાં મોતની બાબતને ગંભીર ગણીને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ફટકાર લગાવીને આકરી ટિકા કરી હતી. સાથે સાથે નોટિસ પણ ઈશ્યુ કરી સવાલ કર્યો હતો કે રાજ્ય સરકાર સિંહોનાં થઈ રહેલાં મોતની તપાસ કરવા કેટલી ગંભીર છે અને બાકી રહેલાં સિંહોનાં બચાવ માટે સરકારે કેવાં પગલાં લીધાં છે તેની જાણકારી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યનાં વનમંત્રી દ્વારા પણ શનિવારે જે રેન્જમાં સિંહોનાં મોત થયાં છે તે સ્થળની મુલાકાત લઈને માત્રને માત્ર વન વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓનાં કામની પ્રશંસાનાં પૂલ જ બાંધ્યા હતાં. આપને જણાવી દઈએ કે, છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32 સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પણ પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે. એશિયાટીક સિંહો માત્ર ગીર માં જ જોવા મળે છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે. 2015માં થેયલી સિંહોની ગણતરી મુજબ, ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહો વસે છે.