સિંહ પરિવારે ભાવનગરના સણોસરા પંથકને પોતાનું નવું રહેણાંક બનાવાને કારણે આ વિસ્તારના લોકોમાં કૂતુહુલતાની સાથે ભય

અમદાવાદ, તા. 18 

એશિયાટિક સિંહ માટે ગુજરાતનું ગીરનું જંગલ જગ વિખ્યાત છે. આ ગીર વિસ્તારમાં સિંહની વસ્તી વધી રહી છે જેના કારણે સિંહ ગીરનું જંગલ છોડીને બૃહદ ગીર વિસ્તારમાં પોતાનું રહેણાંક બનાવી રહ્યા છે. જેમાં ગારિયાધાર વિસ્તાર છોડીને એક સિંહ પરિવારે ભાવનગરના સણોસરા પંથકને પોતાનું નવું રહેણાંક બનાવી લીધું છે. જેના કારણે આ વિસ્તારના લોકોમાં કૂતુહુલતાની સાથે ભય  પ્રસર્યો છે. આ અંગે ભાવનગર વન વિભાગના ડીસીએફ સંદીપકુમારે પણ પુષ્ટિ કરી છે. તેમણે એવું પણ જણાવ્યુ હતું કે, ભાવનગર જિલ્લામાં 60 થી 66 સિંહો વસવાટ કરી રહ્યા છે.

ગુજરાતનું ગીરનું જંગલ એશિયાટિક સિંહ ઉપરાંત દીપડા સહિતના અન્ય વન્ય પશુઓ માટે વિશ્વ પ્રસિદ્ધ છે.  અહી છેલ્લા કેટલાક સમયથી સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે સિંહ પોતાનો વિસ્તાર શોધવા માટે ગીરના જંગલની બહાર નીકળી રહ્યા છે. ગીરનું જંગલ છોડીને બૃહદ ગીર અને તેની આસપાસના વિસ્તારમાં સિંહો પોતાનું નવું રહેણાંક બનાવી રહ્યા છે. સિંહો ગીર છોડીને શેત્રુંજી નદીના કિનારે કિનારે આગળ વધીને ભાવનગર જિલ્લાના જેસર અને પાલિતાણા સુધી પહોંચી ગયા છે.  

જ્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના લીલીયા અને ક્રાંકચ વિસ્તારમાં વસવાટ કરતાં સિંહો પણ પોતાનું રહેણાંક શોધી રહ્યા છે, જેમાં કેટલાક સિંહ લાઠી સુધી પહોંચી ગયા છે. અન્ય કેટલાક સિંહ શેત્રુંજી નદીના કાંઠા પરથી સુરનગર, સમઢીયાળા, સાંઢિડા થઈને ભાવનગર રાજકોટ રોડ ઉપર આવેલા સણોસરા લોકભારતી સુધી પહોંચી ગયા છે.

સ્થાનિક રહીશ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા એકાદ મહિનાથી એક સિંહ અને ત્રણ સિંહણે સણોસરા લોકભારતી અને સાંઢિડા વચ્ચે આવેલા ડુંગરાળ વિસ્તારોમાં પોતાનું રહેણાંક બનાવ્યું છે. રાત્રિના સમયે સિંહ અને સિંહણ પોતાના ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભય અને ગભરાટની લાગણી પ્રસરી છે.

ગારિયાધારથી આગળ વધ્યા હોય શકે છે: ડીસીએફ સંદીપકુમાર…

આ અંગે ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક-ડીસીએફ સંદીપકુમારે પુષ્ટિ કરતાં જણાવ્યુ હતું કે, ભાવનગર જિલ્લાના મહુવા, જેસર, પાલિતાણા, ગારિયાધાર,તળાજા અને સિહોર પંથકમાં સિંહોની વસ્તી છે. જેથી સણોસરા અને સાંઢિડા વચ્ચે જોવા જે સિંહ જોવા મળી રહ્યા છે તે સંભવત: ગારિયાધાર કે સિહોરના થાળા તરફથી આવ્યા હોય તેવું માની શકાય છે.

ભાવનગર જિલ્લામાં 60થી 66 સિંહ..

ગીરનું જંગલ છોડીને સિંહો બહાર નીકળી રહ્યા છે ત્યારે શેત્રુંજી નદીના કિનારાના સહારે સિંહો ભાવનગર જિલ્લામાં પહોંચી ગયા છે. જેમાં હાલમાં ભાવનગર જિલ્લાનાપાલિતાણા, જેસર, મહુવાના દરિયા કિનારા વિસ્તાર, સિહોર અને ગારિયાધાર તાલુકામાં સિંહોની વસ્તી જોવા મળી રહી છે. આ અંગે ભાવનગરના નાયબ વન સંરક્ષક ડૉ. સંદીપકુમારે જણાવ્યુ હતું કે, ભાવનગર જિલ્લામાં મહુવા, જેસર, પાલિતાણા, સિંહોર અને ગારિયાધાર પંથકમાં 60 થી 66 સિંહોની વસ્તી જોવા મળી છે. સિહોરના થાળા વિસ્તારમાં રહેતા એક સિંહ પોતાનો વિસ્તાર છોડીને નવો વિસ્તાર વિકસાવવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે.