શ્રીસ્થલ પિંડનિર્યુક્તિ પરની મલગગિરિની ટીકામાં એક ‘શ્રીસ્થલક’ નામના નગરનો નિર્દેશ છે, જ્યાં ભાનુ નામનો રાજા હતો. એના મોદકપ્રિય કુમાર સુરૂપને વૈરાગ્ય થતાં સમ્યગ્જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય સાંપડ્યાં હતાં અને એ કેવલજ્ઞાન પામ્યો હતો. ઉત્તર ગુજરાતનું સિદ્ધપુર ‘શ્રીસ્થલ’ તરીકે પણ જાણીતું છે. સોલંકી વંશના સ્થાપક મૂલરાજના ઈ.સ. ૯૮૭ના દાનશાસનમાં સરસ્વતી નદી અને રુદ્ર- મહાલય (રુદ્રમાળ)ના સંદર્ભ સાથેનો ઉલ્લેખ થયો છે. ‘શ્રીસ્થલક’ સિદ્ધપુર હોવાનું નિઃશક છે, પરંતુ ધર્મારણ્ય માહાત્મ્યમાં જે ‘શ્રીક્ષેત્ર’ છે એ આજના અમદાવાદના નજીકના ‘સરખેજ’ માટે પ્રયુક્ત થયું લાગે છે. પ્રભાવકચરિતમાંના ‘વિજયસિંહસૂરિચરિત’માં જિતશત્રુ રાજા ‘પ્રતિષ્ઠા’ નગરથી નીકળી, ‘સિદ્ધપુર’માં થોડો સમય રોકાઈ કોરિંટકા નામના નગરમાં ગયો. એમ કહ્યું છે એ જ આ જ ‘સિદ્ધપુર’ છે એમ કહેવું મુશ્કેલ છે.
પ્રબંધચિંતામણિમાં સિદ્ધરાજે રુદ્ર મહાકાલ પ્રસાદ કરવાનો ઉપક્રમ કર્યો છે એ સ્થાન ત્યાં ‘સિદ્ધપુર’ જ કહ્યું છે. પુરાતન પ્રબંધ સંગ્રહમાં સિદ્ધરાજે દેવસૂરિના વચનથી સિદ્ધપુરમાં ચાર કમાડવાળું ચૈત્ય કરાવ્યું કહ્યંુ છે ત્યાં આ.હેમચંદ્ર તથા રાજા કુમારપાલ ‘સિદ્ધપુર’ ગયાનું નોંધાયું છે. પ્રબંધકોશે પણ આ.હેમચંદ્ર ‘સિદ્ધપુર’ ગયાનું કહે છે. આ સ્થાનનું પૂર્વે ‘શ્રીસ્થલ’ નામ હોય, જે મૂલરાજના સમયમાં પણ ચાલુ હોય; ને પછી સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ ‘સિદ્ધપુર’ તરીકે વ્યાપક બન્યું હોય એમ કહી શકાય.
સિદ્ધપુર શ્રીસ્થળ તરીકેનો ઉલ્લેખ ઋગ્વેદમાં દાશુ ગામ તરીકે કરાયો છે. દંતકથા મુજબ ઋષિ દધિચિએ તેમનાં હાડકાં ઇન્દ્રને વજ્ર બનાવવા માટે અહીં અર્પણ કર્યા હતા. સિદ્ધપુર ગંગા અને સરસ્વતી નદીઓના સંગમ પર વસેલું હોવાનું મનાતું હતું. મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હોવાનું પણ મનાય છે. ૪થી-૫મી સદી દરમિયાન આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇરાનથી આવેલા ગુર્જરો સ્થાયી થયા હતા.
૧૦મી સદીની આસપાસ, સોલંકી વંશના શાસન દરમિયાન શહેરની ખ્યાતિ ટોચ પર પહોંચી હતી. સિદ્ધરાજ જયસિંહે તેની રાજધાની અહીં વસાવી હતી એટલે શહેરનું નામ સિદ્ધપુર પડ્યું. તેણે શિવ મંદિર, રમણીય મહેલો અને ૮૦ મીટર ઉંચો મિનારો બંધાવ્યો હતો. તેણે મથુરાથી બ્રાહ્મણોને અહીં બોલાવ્યા અને વસાવ્યા હતા. ૧૨મી સદી દરમિયાન મહંમદ ઘોરીએ તેના સોમનાથ પરના આક્રમણ વખતે શહેરનો નાશ કર્યો. આશરે ૩૦,૦૦૦ લોકોની કત્લ કરવામાં આવી હતી અને સોલંકી સામ્રાજ્યનો નાશ થયો.
રાજા સિદ્ધરાજે ૧૨મી સદી એડીમાં ભગવાન શિવનું ભવ્ય મંદિર બનાવ્યું જે રુદ્ર મહાલય નામથી પ્રસિદ્ધ છે. આ મંદિર તેના સ્થાપત્ય માટે જાણીતું છે જેમાં ત્રણ મંજિલા શિખર, ૧૬૦૦ સ્તંભ, ૧૨ પ્રવેશદ્વાર, મધ્ય મંડપ, પૂર્વ, ઉત્તર અને દક્ષિણમાં બનેલા દ્વારમંડપ અને પશ્ચિમમાં ખાનગી ઓરડો સામેલ છે. મંદિરની આસપાસ રુદ્રની ૧૧ સમાધિઓ છે. પૂર્વ પ્રવેશ દ્વાર પર સુંદર તોરણ બનેલું છે અને સરસ્વતિ નદી તરફ જતા પગથિયાં જોવા લાયક છે. મંદિરના બચેલા અવશેષોમાં શૃંગારિત સ્તંભો, તેની ઉપર કરેલું વિસ્તૃત અને ઝીણવટભર્યું કોતરકામ અને આકર્ષક તોરણ હજુ પણ આશ્ચર્ય પમાડે તેવું અને સુંદર છે.
૧૪મી સદીમાં ભવાઇના રચયિતા અસૈત ઠાકરનો જન્મ અહીં થયો હતો. સાંખ્ય દર્શનના રચિયતા કપિલ મુનીની જન્મભૂમી પણ સિદ્ધપુર છે.
આજે આ મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ‘ઊંઝા’નું સંસ્કૃતિકરણ પામેલું રૂપ છે. આનંદપુરના બ્રાહ્મણને મૈત્રકવંશના શીલાદિત્ય પ માના ઈ.સ. ૭રર આસપાસના વડનગર-દાનશાસનમાં લાટ વિષયમાં આવેલા ‘ઉચ્ચાનગર-પ્રત્યર્ધ’માં પિપ્પલાવી ગામ આપ્યાનું નોંધાયું છે એ ‘આનંદપુર’-વડનગર અને ‘પિપ્પલાવી’-પિપળાવને સાહચર્યે સ્પષ્ટ રીતે ઊંઝા જ છે. મોડાનો અજયપાલ સોલંકીનો ઈ.સ. ૧૧૭પનો શિલાલેખ ઊંઝાનો મળ્યો છે એમાં ‘ઉંઝા’ ગ્રામ નોંધાયેલું છે.
ગિરનારના નેમિનાથના મંદિરના ઈ.સ. ૧ર૭૭ના અભિલેખમાં ‘ઉચ્ચાપુરી’ના નિવાસી શ્રેષ્ઠી વિશે ઉલ્લેખ થયો છે એ આ નગરીનો સમઝાય છે. ગ્રંથસ્થ સાહિત્યમાં પ્રબંધચિંતામણિમાં જણાવ્યું છે કે સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર વિજય મેળવી પાછો ફર્યો ત્યારે ‘ઉંઝાગ્રામ’માં એણે છાવણી નાખી વાસ કર્યો હતો અને ત્યાં રાત્રિચર્યામાં એક ગ્રામણી પાસેથી મહારાષ્ટ્રના રાજાના અને પોતાના ગુણદોષ પૂછીને જાણ્યા હતા. પ્રબંધચિંતામણિની એક પ્રતમાં કુમારપાલે પ્રાણીઓને અભયદાન વગેરે આપ્યાં છે એઓમાં કર્ણાટ, ગૂર્જર, લાટ, સૌરાષ્ટ્ર, કચ્છ- સૈંધવ, ઉચ્ચા, ભંભેરી, મારવ, માલવ, કોંકણ વગેરેનો નિર્દેશ કર્યો છે એઓમાં ‘ઉચ્ચા’એ આ ઉંઝા નહિ, પણ સિંધુ દેશ નજીકનો હોઈ પ્રદેશ લાગે છે.