સિદ્ધપુર, તા.08
સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે 10 થી 16 નવેમ્બર સાત દિવસ ચાલનારો કાર્તિકી પૂર્ણિમાના મેળો શરુ થવા જઇ રહ્યો છે ત્યારે મોટા ભાગની રાઇડ્સને પરવાનગી હજુ મળી નથી અને ફિટનેશ સર્ટિફિકેટની પ્રક્રિયા પણ બાકી છે ત્યારે કેટલીક રાઇડ્સ તો ગોઠવી પણ દેવામાં આવી છે. કેટલીક રાઇડ્સ તો કામચલાઉ લાકડાના ટેકે ઉભી કરી દેવાઇ છે.
અમદાવાદના કાંકરીયામાં રાઇડ્સ તૂટી પડવાના કિસ્સાને પગલે સિધ્ધપુર અને પાટણના મેળાઓમાં રાઇડ્સ મંજૂરી માટે કલેકટર આનંદ પટેલની હાજરીમાં બેઠક યોજી એક કમીટી જિલ્લાના કાર્યપાલક ઇજનેરના વડપણ હેઠળ બનાવાઇ હતી જેના દ્વારા એનઓસીની પ્રક્રીયા કર્યા પછીજ મંજુરી આપવાનો નિર્ણય કરાયો હતો .રાઇડ્સનું ફિટનેસ સર્ટી માટે યાત્રિક વિભાગની પરવાનગી લેવાની થાય છે પણ મેળા આડે હવે ત્રણ દિવસ બચ્યા છે ત્યારે હજૂ સુધી એકપણ રાઇડ્સના સંચાલકોએ ફિટનેસસર્ટી રજૂ કર્યા નથી જેથી એક પણ રાઇડ્સને તંત્રએ મંજૂરી આપી નથી. છતાં રાઇડ્સ, ઝૂલા, સ્ટોલ, મોતના કુવા, મોટી ચકડોળો ઉભી કરી છે. મેળામાં ગુરૂવારે 20 જેટલી રાઇડ્સ ઉભી કરવામાં આવી છે.
સિદ્ધપુર ખાતે લગાવવામાં આવી રહેલ રાઇડ્સ પણ મજબૂત ફાઉન્ડેશનને બદલે કામચલાઉ લાકડાના ટેકે ઉભી કરી દેવાઇ છે. આ લાકડાના ટેકાને પણ ખીલ્લાના સહારે જોડી દેવાયા છે તેમ જોવા મળી રહ્યું છે.
પાલિકા ચીફ ઓફિસર જીગનેશ બારોટએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા રાઈડ્ઝના ફિટનેસ સર્ટી અને પોલીસ એન.ઓ.સી. રજૂ કરવા સંચાલકોને જણાવાયું છે. જે મેળો શરુ થયા પહેલા આપવામાં આવશે અને ત્યાર બાદ જ રાઇડ્સ ચાલુ કરી શકાશે.