સિન્થેટિક હીરાની મંજૂરી બાદ ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં મંદી

નોન રિયાલીસ્ટીક કે સીન્થેટિક હીરાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધા બાદ અમરેલી અને સુરતના હીરા બજારમાં ભારે મંદી ટોચ પર છે. માત્ર અમરેલી જિલ્‍લામાં 10 હજાર રત્‍નકલાકારો આર્થિક ભીંસમાં છે. હીરા ઉદ્યોગમાં મંદી હોવાથી પુરતું વેતન કે પુરતાં ભાવ મળતા નથી. સાતમ-આઠમનાં તહેવાર નજીકમાં હોય રત્‍નકલાકારોને ઘર ચલાવવાની મુશ્‍કેલી પડી રહી છે. અચ્‍છે દિનનાં વચનો ભુલાયા છે અને હવે તો રત્‍નકલાકારોનાં બુરે દિન શરૂ થઈ છે. 2008માં જેવી મંદી હતી તેનાથી પણ ભયાનક મંદી જોવા મળી રહી છે. આ વખતે કાપડ ઈન્ડસ્ટ્રી અને હીરામાં સાથે મંદી આવી હોવાથી ઉદ્યોગને ગંભીર ખતરો ઊભો થયો છે. અમરેલી જીલ્‍લાનો મુખ્‍ય વ્યવસાય ખેતી છે પણ મુખ્ય ઉદોગ હીરા ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગમાં અત્‍યારે મંદી હોવાને કારણે અનેક કારખાનાઓ બંધ થઈ રહ્યાં છે, તેથી રત્‍નકલાકારો બેકાર બન્‍યા છે. પગારના પૈસા ન આવવાને કારણે તહેવારમાં હીરા ઉદ્યોગના લોકો પત્‍ની અને બાળકો સાથે તહેવાર કેમ ઉજવવો તે મુશ્‍કેલીમાં મુકાયા છે. રાજય સરકારે રત્‍ન કલાકારો અને નાના કારખાનેદારો માટે ખાસ પેકેજ ગુજરાતમાં બહાર પાડવું જોઈએ તેવી માંગણી અમરેલી જીલ્‍લાનાં ડાયમંડ એસોસીએશનનાં પ્રમુખ લલિત ઠુંમરે કરી છે. રાજ્યના ઉદ્યોગ વિભાગ આ મામલે એટલા માટે ચિંતિત છે કારણ કે ગુજરાતમાં હવે ચારે બાજુ મંદી શરૂ થઈ છે. જો તેમાં હીરા ઉદ્યોગમાં મંદી આવવાના કારણે બહારના નાણાં આવતાં બંધ થઈ જશે. તેથી આર્થિક કટોકટી વધારે ગંભીર બની શકે તેમ છે. નોટબંધી અને જીએસટી બાદ ગુજરાતના ઉદ્યોગો મંદીમાં ચાલી રહ્યાં છે ત્યારે હવે જો તેમાં હીરા ઉદ્યોગ ઉમેરાશે તો ગુજરાતના 10 લાખ હીરા ઘસુ અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલાં બીજા લાખો લોકોને સીધી અસર થશે.