સિરિયલ કિલરે 10 લૂંટ કબૂલી, ચોપડે એકપણ નોંધાઈ નથી

અમદાવાદ, તા.16

વર્ષ 2016થી પિસ્તોલ બતાવીને લૂંટ ચલાવતા સિરિયલ કિલર મદન નાયકે સીઆઈડી ક્રાઈમ સમક્ષ ત્રણ હત્યા સિવાયના ફક્ત લૂંટ કરી હોય તેવા 10 ગુનાઓ કબૂલ્યા છે. હત્યારાએ કબૂલ કરેલા ગુનાઓ પૈકીનો એકપણ ગુનો ગાંધીનગર પોલીસના ચોપડે નોંધાયેલો મળ્યો નથી.

સવા ત્રણ મહિનાના ગાળામાં લૂંટ સમયે પ્રતિકાર કરનારા ત્રણ લોકોના માથામાં પાછળથી ગોળી મારી દેનારા મદન ઉર્ફે મોનિસ નાયક-માલીની એટીએસની ટીમે ધરપકડ કરી હત્યાઓમાં વપરાયેલી પિસ્તોલ અને 31 કારતૂસ કબ્જે લીધા હતા. રવિવારે સાંજે ત્રણેય હત્યા કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમની ટીમે એટીએસ પાસેથી હત્યારાનો કબ્જો મેળવ્યો હતો. ગત 26 જાન્યુઆરીના શેરથા-ટીંટોડા રોડ પર આવેલી વાડીમાં જુઠાજી ઠાકોર (રહે. શેરથા)ને માથામાં ગોળી મારી હત્યા કરી પોણા ત્રણ લાખ રૂપિયાના દાગીના લૂંટી લેવાના કેસમાં તપાસ અધિકારી ડીવાયએસપી એસ.એસ.રઘુવંશીએ હત્યારાની ધરપકડ કરી હતી. આજે હત્યારા મદન નાયકને કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસ માટે એટલે કે, શનિવાર સુધી આરોપીને રિમાન્ડ પર સોંપવાનો હુકમ અદાલતે કર્યો છે.