અમદાવાદ, તા.૨૪
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના સંખ્યાબંધ કેસો સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. જે હોસ્પિટલ સત્તાવાળાની સફાઈ કામગીરી અને મચ્છરોના પોરાનાશક કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે. સૂત્રો જણાવે છે કે, આ માટે કેમ્પસની સૌથી મોટી બે સંસ્થા સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ અને સંલગ્ન બી.જે મેડીકલ કોલેજમાં સંકલનનો અભાવ અને હુંસાતુંસી જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેલેરિયા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૧ દિવસમાં ડેન્ગ્યુના ૪૦૦ થી પણ વધુ કેસ જોવા મળ્યાં છે. આ સાથે કેમ્પસમાં આવેલા અન્ય હોસ્પિટલો અને બિલ્ડીંગોમાંથી મચ્છરોનો ઉપદ્રવ હોવાનું પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની તપાસમાં બહાર આવ્યું છે.
અલબત્ત આ અંગે સિવિલના સુપ્રીટેન્ડન્ટ ડો.એમ.એમ. પ્રભાકર જણાવે છે કે, ડેન્ગ્યુના જે ૪૦૦ થી પણ વધુ કેસ નોંધાયા છે, તે દર્દીઓ છે જે ગુજરાતભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી સારવાર લેવા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. જોકે સિવિલ કેમ્પસના રેસિડેન્ટ ડોકટર, ઇન્ટરર્ન ડોકટર અને નર્સિંગ સ્ટાફમાંથી જાન્યુઆરી થી અત્યાર સુંધીમાં ડેન્ગ્યુના કુલ ૧૭ કેસ જ જોવા મળ્યાં છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં ડેન્ગ્યુના કારણે રેસિડેન્ટ ડોકટર અને સ્ટાફ મેમ્બરનું મૃત્યુ થતાં ગુજરાત હાઇકોર્ટમાં જનહિતયાચિકા દાખલ કરવામાં આવી હતી અને હાઇકોર્ટના આદેશ મુજબ સમગ્ર સિવિલ કેમ્પસમાં સાફસફાઈ અને સુરક્ષા કામગીરીનાં સંકલન માટે મેડીસીટી સોસાયટીની રચના પણ કરવામાં આવી છે.
અલબત્ત સૂત્રો જણાવે છે કે કેમ્પસની મુખ્ય સંસ્થા સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ વચ્ચે સફાઈ કામગીરી અંગે ખૂબ ખેંચતાણ ચાલી રહી છે. પરિણામે સફાઈ કામગીરી ટલ્લે ચઢી રહી છે. બી જે મેડીકલના સેનેટરી વિભાગના તાબામાં કોલેજ બિલ્ડીંગ ઉપરાંત ન્યુ પી.જી હોસ્ટેલ, અન્ય બ્લોક અને સ્ટાફ કવાટર્સ આવે છે. જ્યારે સિવિલના સેનેટરી વિભાગની કામગીરીમાં સિવિલ હોસ્પિટલનું મુખ્ય બિલ્ડીંગ, ઓપીડી બિલ્ડીંગ આવે છે.
પ્રાપ્ત માહિતી મુજબ સિવિલ અને બી.જે મેડીકલમાં એક-એક સેનેટરી ઇન્સપેક્ટર છે. ઉપરાંત મેડીસીટી સોસાયટીમાં ૧૪ જેટલાં સેનેટરી ઇન્સ્પેક્ટરોની કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવામાં આવી છે. પરંતુ આ મેડીસીટીના તમામ સેનેટરી ઇન્સ્પેક્ટરોને સિવિલના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા બી.જે મેંડીકલ કોલેજ સિવાયના બિલ્ડીંગોમાં કામગીરીના આદેશ અપાય છે.
પરિણામે બી.જે મેડીકલના સેનેટરી ઇન્સપેક્ટરને કામગીરીમાં સપોર્ટ મળતો નથી. હકીકતમાં તો મેડીસીટી સોસાયટીમાં નિમણુંક પામેલા તમામ સેનેટરી ઇન્સ્પેક્ટરોને સમગ્ર કેમ્પસમાં કામગીરી કરવાની હોય છે. આમ બને સંસ્થાના સેનેટરી વિભાગના અધિકારીઓની ખેંચતાણમાં સફાઈ અને મચ્છરોના પોરા નાશ કરવાની કામગીરી ખોરંભે મુકાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ન્યુ પી.જી હોસ્ટેલમાંથી ડોકટરો એ બી.જે મેડીકલના ડીન ડૉ. પ્રણય શાહને મચ્છરોના ઉપદ્રવને કારણે રેસિડેન્ટ ડોકટરોને ડેંગ્યુનો તાવ આવ્યો હોવાની ફરિયાદ કરી હતી
જેથી બી.જે મેડીકલના ડીને ન્યુ પી.જી હોસ્ટેલમાં ફોગીંગની અને દવા છંટકાવની કામગીરી કરવા આદેશ કર્યા હતા. પરંતુ બી.જે મેડીકલ પાસે ફોગીંગ મશીન ન હોવાથી સિવિલ હોસ્પિટલ પાસે મશીનની માંગણી પણ કરી હતી. વળી કોર્પોરેશનમાંથી મળતી જંતુનાશક દવાઓ પણ સીધી જ સિવિલ હોસ્પિટલમાં જ મોકલવામાં આવે છે.
આ દવાઓ કેમ્પસની અન્ય સંસ્થાને વહેંચવાની હોય છે. જે માટે કોલેજના ડીન દ્વારા સિવિલનર પત્ર પણ લખવામાં આવ્યો હતો. પરંતુ સિવિલના સેનેટરી વિભાગ દ્વારા ફોગીંગ મશીન કે દવાઓ બી.જે મેડીકલ કોલેજને આપવામાં આવતી નથી.
આમ હાઇકોર્ટના આદેશ બાદ રચાયેલી મેડીસીટી સોસાયટીમાં ૧૪-૧૪ સેનેટરી ઇન્સ્પેક્ટરો હોવા છતાં ડેન્ગ્યુ અને મેલેરિયાનો ઉપદ્રવ યથાવત છે. તો બીજીબાજુ સિવિલતંત્ર સબ સલામતના બણગાં ફૂંકી રહ્યું છે.