અમદાવાદ, તા.24
અસારવા સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગનાં ભોંયરામાંથી આજે સવારે એક અજાણ્યા પુરૂષ ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શાહીબાગ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સિવિલ હોસ્પિટલના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કેમ્પસમાં હાલ ચોમાસાની સિઝનને કારણે સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના મુખ્ય બિલ્ડીંગ અને ઓપીડી બિલ્ડીંગ નીચે મોટું ભોંયરૂ આવેલું છે. સેનેટરી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ જ્યારે ભોંયરામાં સાફ સફાઈ કરી રહ્યો હતો. ત્યારે સવારે લગભગ ૧૧ વાગ્યાના સુમારે ઓપીડી બિલ્ડીંગમાં આવેલી ઓપીડી નંબર ૨ ખાતે એક અજાણ્યા પુરુષની લાશ પડી હતી. એકાએક મળી આવેલી લાશને જોઈ સફાઈ કામદારો ગભરાઈ ગયા હતાં તેમણે આ અંગે તુરંત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. જેથી હોસ્પિટલનાં ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતાં. સિવિલ હોસ્પિટલનાં સુપ્રીટેન્ડન્ટ ડો એમ એમ પ્રભાકરે આ અંગે પોલીસને જાણ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. શાહીબાગ પોલીસ ને જાણ કરવામા આવતા પોલીસ અને ફોરેન્સિક એકસપર્ટ ઘટનાસ્થળે આવી ગયા હતા. પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને અજાણ્યો પુરુષ કોણ છે તેની તપાસ શરૂ કરી છે.