સિવિલ હોસ્પિટલમાં અજીબોગરીબ કેસ:બે જીભવાળી નવજાત બાળકીની સર્જરી કરવામાં આવી

અમદાવાદ, તા.24

કોઈપણ વ્યક્તિને ત્યાં દીકરીનો જન્મ થાય એ વાત લક્ષ્મીજીની પધરામણી ગણાય છે. પરંતુ નવજાત બાળકી એક નહીં પણ બબ્બે જીભ ધરાવતી હોય તો માતાપિતાની વેદનાનો પાર રહેતો નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરોએ  બે જીભ ધરાવતી અનોખી બાળકીની સર્જરી કરી હોવાનું જાણવા મળ્યું છે.

લુણાવાડાના સંતરામપુરથી એક દંપતી એક અનોખી બાળકી ને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યું. બે જીભ ધરાવતી આ બાળકીને જોઈ પ્રાથમિક તબક્કે તો પીડિયાટ્રિક વિભાગના ડોકટરો પણ એક ક્ષણ માટે તો ડઘાઈ ગયા હતા.

આ બાબતે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરીના હેડ ડો રાકેશ જોશી કહે છે કે, “સંતરામપુરમાં રહેતા દિનેશભાઇ વરવાઈ એસ.ટી માં કલાર્ક તરીકે નોકરી કરે છે. સંતરામપુર ની શ્રદ્ધા હોસ્પિટલમાં તેમના પત્ની ભાવનાબેનને ૧૨ મી ઓક્ટોબરના રોજ દીકરીનો જન્મ થયો હતો. લગ્ન બાદ પ્રથમ સંતાનરૂપે દીકરીનો જન્મ થતાં પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો.

પરંતુ જ્યારે ડોકટરોએ જણાવ્યું કે તેમની નવજાત બાળકી એક નહીં પણ બે જીભ ધરાવે છે.  ત્યારે સમગ્ર પરીવાર ઘેરા દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો. ત્યારે સ્થાનિક ડોકટરો એ તેમને બાળકીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરી હતી. જેથી માતાપિતા એ જ દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જરી વોર્ડમાં બાળકીને એડમિટ કર્યા બાદ તો પ્રથમ  નજરે તો ડોકટરોને પણ બાળકીને બે જીભ હોય એવું જ લાગ્યું હતું. જેમાં એક વધારાની જીભ મ્હોંના તાળવા સાથે જોડાયેલી હતી. જેથી નવજાત બાળકી માતાનું ધાવણ પણ લઈ શકે એમ નહતી.

 

ડો જોશી કહે છે કે, અમે આ વધારાની જીભની વધુ વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી હતી. કેમ કે મ્હોંમાં બે જીભ હોવી એ બાબત અત્યંત જ્વવલે જ જોવા મળતી ઘટના છે.આથી આ અંગે અમે હિસ્ટોપેથોલોજી લેબોરેટરીમાં વધુ સઘન તપાસ  કરી હતી. જેથી આ ગાંઠ ‘નોન કેન્સરસ’ હોવાનું જેને સાદી ભાષામાં ‘હેમારટોમાં’ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અમે સર્જરી વડે વધારાની જીભ જેવી ગાંઠ કાઢવાનું નક્કી કર્યું.  મ્હોંની આવી જીભ જેવી જ ગાંઠ દર એક હજારે માંડ એક કે બે બાળકો માં જોવા મળે છે. તેમાં પણ આ પ્રકારની ગાંઠ ખૂબ વિચિત્ર છે.અમે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં એનેસ્થેટિક ડો નિલેષ સોલંકી અને ડૉ જહાનવીને સાથે સપોર્ટથી નવજાત બાળકીના ઓપરેશન શરૂ કર્યું હતું. લગભગ દોઢ કલાક ચાલેલા ઓપરેશન બાદ મ્હોંના તાળવા સાથે જોડાયેલી બાળકીની વધારાની જીભરૂપી ગાંઠ કાઢી નાખવામાં આવી છે. જેથી હવે તે માતાનું ધાવણ પણ લઈ શકશે અને ભવિષ્યમાં સામાન્ય જીવન જીવી શકશે. ડો જોશી ઉમેરે છે કે આમ થવા પાછળ કોઇ ચોક્કસ કારણ હોતું નથી. પણ ઘણીવાર આનુષંગિક ખામી ને કારણે આમ બનતું હોય છે. પરંતુ યોગ્ય સ્થળે સમયસર સારવાર આપવાથી બાળકને નવજીવન મળે છે.