અમદાવાદ, તા.31
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી હાહાકાર મચાવનાર કોંગો વાયરસને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના ૧૫ વર્ષના કિશોરનું આજે શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું સૂત્રો જણાવે છે. તો બીજી બાજુ હળવદના ૧૧ જેટલાં મજુરોના કોંગો વાયરસના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું ગાંધીનગર ના આરોગ્ય વિભાગ ના સૂત્રો જણાવે છે. હાલ રાજ્યમાં કોંગો વારરસના કારણે રાજ્યમાં કુલ ૩ મહિલાઓના મૃત્યુ થયાં છે. તદુપરાંત ૫ લોકો હજુ સારવાર હેઠળ છે. મૃત રાજસ્થાની કિશોરનો રીપોર્ટ હજુ આવ્યો નથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સૂત્રો જણાવે છે કે ગઇકાલે ઉદયપુર રાજસ્થાનથી ૧૫ વર્ષના કિશોર ને દાખલ કરવામાં આવ્યો હતો. જેનું આજે મૃત્યુ થયું છે. અલબત્ત પુનાની વાયરોલોજી લેબોરેટરીમાં તેનાં જે સેમ્પલ તપાસ માટે મોકલ્યાં હતાં તેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. જેથી ડોકટરો તેને શંકાસ્પદ મૃત્યુ ગણાવે છે.આ સાથે સિવિલમાં સુરેન્દ્રનગર નો એક અન્ય ૧૫ વર્ષીય કિશોર અને એક મહિલા સારવાર લઈ રહ્યા છે. એમ સિવિલ હોસ્પિટલનાં સુપ્રીટેન્ડન્ટ ડો એમ એમ પ્રભાકર જણાવે છે. ૧૧ મજુરોના રિપોર્ટ નેગેટીવ આરોગ્ય વિભાગના એપિડેમીક સેલના વડા ડો દિનકર રાવલ કહે છે કે, સુરેન્દ્રનગર ના હળવદ ખાતે પ્લાસ્ટિકની ફેકટરીમાં કામ કરતાં મજૂરોની હાલત શંકાસ્પદ લાગતા અમે તેમનાં સેમ્પલ તપાસ માટે પુના લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં. જેમાંથી ૧૧ મજુરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જે ઘણા રાહતના સમાચાર છે. હાલના આ તબક્કે રાજ્યભરમાં કોંગો વાયરસ અને ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યાં છે. જેથી અમે અગાઉથી જ તકેદારીના ભાગરૂપે સારવાર સંબંધી માર્ગદર્શિકા જારી કરી દીધી છે.
|