અમદાવાદ, તા. ૧
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ૪૩૨ જેટલા સહાયક ક્લાર્કની પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે શહેરમાં આવેલા વિવિધ કેન્દ્રો ઉપર રવિવારે સવારે લેવામાં આવેલી પરીક્ષા દરમિયાન મણિનગરમાં આવેલી રાજાભગત સ્કૂલમાં સુપરવાઈઝરે જ વિદ્યાર્થીને જવાબ લખવા કાપલી આપતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને પગલે સેન્ટર પર પોલીસ કાફલો પહોંચી ગયો હતો. જ્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના મામલે આક્રોશમાં આવેલા વાલીઓએ સેન્ટરમાં સીસીટીવી કેમેરા બંધ રાખવામાં આવ્યા હોવાનો અને પહેલેથી જ સેટિંગ કરી પરીક્ષા લેવામાં આવી હોવા જેવા આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો.
અમપા દ્વારા રવિવારે સવારે લેવામાં આવેલી સહાયક ક્લાર્ક માટેની પરીક્ષા માટે વિવિધ કેન્દ્રોની સાથે ગોરના કૂવા, મણિનગર પાસે આવેલી રાજાભગત સ્કૂલને પણ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી હતી. આ કેન્દ્રમાં ખુદ સુપરવાઈઝર દ્વારા પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને જવાબની કાપલી આપી જવાબો લખાવવાની ઘટના પ્રકાશમાં આવતા સેન્ટર ઉપર ભારે હોબાળો મચી ગયો હતો. બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ સેન્ટર પર દોડી આવતા પરિસ્થિતિ વધુ ન વણસે એ માટે પોલીસ સેન્ટર પર દોડી ગઈ હતી. જ્યાં આ મામલે તપાસ આરંભાઈ હતી. દરમિયાન સેન્ટર પર એકઠા થયેલા વાલીઓ દ્વારા સેન્ટરના સીસીટીવી કેમેરા કોના કહેવાથી બંધ રાખવામાં આવ્યા અને પહેલેથી જ સેટિંગ કરીને પરીક્ષા લેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે અમપાના અધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા હાલ પૂરતું મૌન સેવવામાં આવી રહ્યું છે.
અમપાના કયા અધિકારીઓ સેન્ટર પર હાજર હતા?
રાજાભગત સ્કૂલના આ સેન્ટર માટે અમપાના સુભાષચંદ્ર એલ તરાલ ઉપરાંત વિડીયોગ્રાફર તરીકે બ્રિજેશ લેઉઆ સાથે સેન્ટર ઈનચાર્જ તરીકે નિરંજન એન જાનીની મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની સુચનાથી ફાળવણી કરવામાં આવી હતી.
આ છે ગંભીર સવાલો
-પહેલેથી જ સેટિંગ કરીને પરીક્ષા લેવાઈ હતી કે કેમ?
-કોની સુચનાથી સેન્ટરના સીસીટીવી કેમેરા બંધ રાખવામાં આવ્યા?
-અમપાના ઈતિહાસમાં પહેલી વખત સીસીટીવી કેમેરા બંધ કોની સુચનાથી રખાયા?
-કયા અધિકારીની સુચના હતી, જવાબદારો સામે કાર્યવાહી કરાશે?
-કમિશનર, મેયર સહીfતના હોદ્દેદારો મૌન કેમ રહ્યા?
કેવા પ્રશ્નો પરીક્ષામાં પુછવામાં આવ્યા
-અમદાવાદ શહેરમાં સૌથી વધુ હેરિટેજ મોન્યૂમેન્ટ આવેલા છે?
-અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર કોણ છે?
-અમદાવાદ શહેરને હેરીfટેજ શહેર કdયારે જાહેર કરાયું?
-વર્ષ-૨૦૧૧માં અમદાવાદ શહેરની વસ્તી કેટલી હતી?
-સ્મારકોમાં કયું સ્થળ માણેકચોકથી દૂર આવેલું છે?
-બીઆરટીએસનું આખું નામ જણાવો
-રથયાત્રા અમદાવાદ શહેરમાં ક્યારે નીકળે છે?
-કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું?
-સાબરમતી આશ્રમની સ્થાપના કોણે કરી હતી?
-છપ્પા એટલે શું?
સીસીટીવી કેમેરા બંધ રાખવા આદેશ કરાયો હતો
અમપાના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સેન્ટર પર સીસીટીવી કેમેરા બંધ રાખીને ખાનગી વિડીયોગ્રાફર પાસે વિડીયોગ્રાફી કરાવવાનો નિર્ણય અમપાના જ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આ સુચના માત્ર એક જ સેન્ટર માટે હતી કે શહેરના અન્ય સેન્ટરો માટે પણ આપવામાં આવી હતી. એક તરફ અમદાવાદ શહેરમાં ૩૦૦થી વધુ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા પાછળ અમપા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે પરીક્ષા કેન્દ્રો પર ખાનગી વિડીયોગ્રાફીનો આગ્રહ શા માટે, શું પદાધિકારીઓના છોકરા, છોકરીઓ કે સગાંઓની નિમણૂંક કરવા માટે આ આયોજન કરાયું હતું એ પણ એક મોટો સવાલ છે.
વિદ્યાર્થીને બહાર બોલાવી જવાબોની કાપલી અપાઈ
સેન્ટરમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીને ખુદ સુપરવાઈઝર બહાર બોલાવીને જવાબોની કાપલી આપે છે એ અમપાના ઈતિહાસમાં સૌથી મોટી કલંકિત ધટના છે.