સુરતના સાંસદ દર્શના જરદોશને જે ગ્રાન્ટ મળે છે, તેમાંથી તેઓએ શહેરી જનોને બેસવા માટે બાકડાની ફાળવણી કરી છે, તેને લઇને હવે તેઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ કે, સુરતના એક જાગૃત નાગરિકે કરેલી RTIમાં ખુલાસો થયો છે કે, સાંસદ દર્શના જરદોશ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં 4200 બાકડાઓ આપવામાં આવ્યા હતા. ત્યારે નિયમ અનુસાર કોઈ પણ નેતા કે સાંસદ પોતાની ગ્રાન્ટમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકાય તેવી વસ્તુ આપી શકતા નથી.
RTI કરનાર સંજયભાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આપણા શહેરમાં આજે જ્યાં જુઓ ત્યાં બાકડા જ દેખાઈ છે કારણ કે, કોર્પોરેટરથી માંડીને દરેક નેતા એવું જ માને છે કે, વિકાસ એટલે બાકડા. ત્યારે એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ(MPLADS)ની પુસ્તિકા મેં જ્યારે વાંચન માટે લીધી ત્યારે મને ખબર પડી કે, કોઈ પણ સાંસદ કે, નેતા મુવેબલ વસ્તુ પોતાની ગ્રાન્ટ માંથી આપી શકતા નથી.
આ ઉપરાંત તેઓને એમ્બ્યુલન્સ અને સ્કૂલના ફર્નીચર જેવી વસ્તુમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આ બાકડા બાબતે માહિતી મેળવવા એક RTI કરી હતી તેમાં મને ખબર પડી છે કે, 4200 બાકડાઓ તેમને એક જ વર્ષમાં ફાળવ્યા છે. બાકડા મૂકવા માટે પહેલા જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવે છે પછી તેનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે. ત્યારે આ બાબતે મેં વધારે જાણકારી માટે મેં દિલ્હી સુધી વાત કરી છે. નિયમ અનુસાર ગ્રાન્ટમાંથી બાકડા આપી શકતા નથી.
સંજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ કોઈ એક સાંસદની વાત નથી આખા દેશમાં આ ચાલી રહ્યું છે. આ બાબતે RTI દ્વારા માહિતી મેળવવાની કામગીરી ચાલુ છે. અમે લોકપાલની અંદર ફરિયાદ આપવા માટે જઈ રહ્યા છે અને સંસદીય કમિટીમાં પણ અમે આ ફરિયાદ કરી રહ્યા છે. કારણ કે, આ જનતાના પૈસાનો ગેરઉપયોગ થઇ રહ્યો છે તેને લઇને અમે ફરિયાદ કરી રહ્યા છીએ.